✕

થાણેના તલાવપાલી વિસ્તારમાં પ્રોસ્ટિટ્યુટ્સના ત્રાસને નાથવા શિવસેના મહિલા આઘાડીની મહિલાઓ મેદાને પડી

14 November, 2026 08:35 AM IST  |  Thane | Gujarati Mid-day Correspondent

આ ઘટનાના સંદર્ભમાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ એ વિશે પણ કોઈ અધિકૃત માહિતી મળી નથી.

પ્રોસ્ટિટ્યુટ્સની મારઝૂડ કરી રહેલી શિવસેના મહિલા આઘાડીની મહિલા-કાર્યકરો.

થાણેના વ્યસ્ત તલાવપાલી વિસ્તારમાં એક મોટો વિવાદ સર્જાયો છે. અહીં શિવસેના મહિલા આઘાડીની સભ્યોએ જાહેરમાં દેહવ્યાપારમાં સંડોવાયેલી હોવાના આરોપસર કેટલીક મહિલાઓ પર હુમલો કર્યો હતો અને તેમને એ વિસ્તાર છોડી જવા માટે મજબૂર કરી હતી. કાર્યકરોનો દાવો છે કે પોલીસને વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તેમણે પોતે દરમ્યાનગીરી કરવી પડી હતી.
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ ઘટનાના વિડિયોમાં મહિલા આઘાડીની સભ્યો તે મહિલાઓને થપ્પડો મારતી અને અપશબ્દો બોલતી જોવા મળે છે. કેટલીક કાર્યકરો તેમને વાળથી ખેંચતી અને શેરડીના સાંઠા વડે માર મારતી પણ નજરે પડે છે. મહિલા આઘાડીના કાર્યકરોના જણાવ્યા અનુસાર તલાવપાલી વિસ્તારમાં કેટલીક મહિલાઓ જાહેરમાં દેહવ્યાપાર કરી રહી હતી જેના કારણે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો હતો.
જોકે વિડિયોમાં દેખાતી મહિલાઓની ઓળખ શું છે અથવા તેઓ ખરેખર દેહવ્યાપારમાં સંડોવાયેલી હતી કે કેમ એ વિશે કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. આ ઘટનાના સંદર્ભમાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ એ વિશે પણ કોઈ અધિકૃત માહિતી મળી નથી.

thane thane crime shiv sena Crime News sexual crime