Viral Video: શિવસેના નેતાએ વોર્નિંગ આપી આ મીઠાઈની દુકાનના માલિકને

19 November, 2020 04:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Viral Video: શિવસેના નેતાએ વોર્નિંગ આપી આ મીઠાઈની દુકાનના માલિકને

વીડિયોમાંથી લીધેલો ગ્રેબ

સોશ્યલ મીડિયામાં શિવસેનાના એક નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મુંબઈના બાંદરા વેસ્ટના કરાચી સ્વીટ્સના માલિકને કહે છે કે તે પોતાની દુકાનનું નામ બદલે.

ગુરુવારે શિવસેના નેતા નીતિન નંદગાવકરે એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તે દુકાનદારને કહે છે કે, દુકાનનું નામ એવુ રાખે જેનો સંબંધ કરાચી સાથે ન હોય અથવા દુકાનનું નામ મરાઠીમાં લખે.

આ વીડિયો શૅર કરતા નંદગાવકરે કહ્યું કે મહારાષ્ટ્ર કરાચી શબ્દને ચલાવી લેશે નહીં. તેમણે દુકાનદારને ફેરફાર કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. નંદગાવકરે આ દુકાનદારને કહ્યું કે, તુ કરાચીથી આવ્યો હોઈશ પરંતુ હવે તું મુંબઈમાં છે, બરાબર? હવે એક વાત સ્પષ્ટ છે, મને ફરક નથી પડતો તુ કયા ધર્મનો છે- તુ હિંદુ હોય, મુસ્લિમ હોય કે અન્ય કોઈ પણ ધર્મનો હોય પણ કરાચી શબ્દનો ઉપયોગ કરીશ નહીં. આનો અર્થ એમ થાય કે તુ પાકિસ્તાનથી આવ્યો છે. તારા વડિલ કરાચીના હશે પરંતુ ભાગલા બાદ તમે અહીં આવ્યા છો. તમારુ સ્વાગત છે, ધમે બિઝનેસ કરો પણ આ નામનો ઉપયોગ ન કરો.

નંદગાવકરે ઉમેર્યું કે, આપણને કરાચીથી ખુબ પ્રોબ્લેમ છે. ભાઈબીજના દિવસે પાકિસ્તાને આપણા જવાનોને મારી નાખ્યા હતા. તમે આ નામ મહેરબાની કરીને બદલો. આ કરાચી શબ્દથી મને નફરત છે કારણ કે આ આતંકવાદના દેશનો ભાગ છે. પાલિકામાં જઈને નામ બદલો. તમારા નામે કે તમારા વડીલના નામે દુકાનનું રજીસ્ટ્રેશન કરો. મારી વિનંતી છે કે તમે આમ કરશો, અમે તમને સમય આપીશું.

વીડિયોમાં દુકાનદાર પણ સમજાવે છે કે કરાચી સાથે દુકાનનું કંઈ લેવાદેવા નથી. શિવસેના નેતાએ કહ્યું કે, હુ જાતે આવીને અહીંયાથી મિઠાઈની ખરીદી કરીશ પણ આ નામ બદલ અને નામ મરાઠીમાં લખ, સાઈનબોર્ડમાં પણ ફેરફાર કર.

સમગ્ર વાતચીત બાદ દુકાનદારે હોર્ડિંગને ન્યૂઝપેપર્સથી કવર કરી દીધુ હતું. દરમ્યાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ પણ બાંદરાની આ રાચી બેકરીની બ્રાન્ચને ઘણી લીગલ નોટિસ મોકલી છે. એવી પણ માગ છે કે હૈદરાબાદથી મહારાષ્ટ્રની બ્રાન્ચોમાં જે બૉક્સિસની સપ્લાય થાય છે તેમાં પણ મરાઠીમાં લખેલુ હોવુ જોઈએ.

રાજ ઠાકરેના નેજા હેઠળની મનસેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ અને કરાચી બેકરીની હૈદરાબાદની હેડ ઓફિસમાં પણ આ નામનો વિરોધ દર્શાવતા પત્ર લખ્યો છે. 

shiv sena bandra viral videos mumbai