આઝાદ મેદાનના તોફાન વખતે પોલીસની રાઇફલ આંચકી લેનારો પકડાયો

17 August, 2012 08:28 AM IST  | 

આઝાદ મેદાનના તોફાન વખતે પોલીસની રાઇફલ આંચકી લેનારો પકડાયો

 

 

 

દક્ષિણ મુંબઈમાં ગયા અઠવાડિયે આઝાદ મેદાનમાં થયેલાં હિંસક તોફાનો દરમ્યાન પોલીસની સેલ્ફ-લોડિંગ રાઇફલ (એસએલઆર) તફડાવનારા સલીમ અલ્લારખ્ખા ચૌલ્કિયાની ઓશિવરા પોલીસે ધરપકડ કરી છે. મનીષ માર્કેટમાં સેલ્સમૅન તરીકે કામ કરતા સલીમની વિડિયો-ફુટેજને આધારે ઓશિવરાના આનંદનગરથી ધરપકડ કરવામાં આવી છે.

 

આઝાદ મેદાન અને સીએસટી બહાર થયેલાં તોફાનોના ટીવી-ચૅનલોએ કરેલા રેકૉર્ડિંગ અને સીસીટીવીનાં ફુટેજ તેમ જ મોબાઇલ-ક્લિપ્સના આધારે પોલીસને આ યુવકને શોધી કાઢવામાં સફળતા મળી હતી. જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) હિમાંશુ રૉયે મુંબઈનાં તમામ ૯૩ પોલીસ-સ્ટેશનના ડિટેક્શન અધિકારીઓ સાથે એક મીટિંગ કરી હતી અને તેમને આ ફુટેજ બતાવીને રમખાણ મચાવનારાઓને પકડી પાડવાનો આદેશ આપ્યો હતો. એને આધારે ઓશિવરામાં રહેતા અને મનીષ માર્કેટમાં એક ઇલેક્ટ્રૉનિક શો-રૂમમાં સેલ્સમૅન તરીકે કામ કરતા ૨૩ વર્ષના સલીમની ધરપકડ કરવામાં આવી હતી. વિડિયો-ફુટેજમાં તે પોલીસ પાસેથી ખેંચેલી રાઇફલ લઈને ફરતો દેખાયો હતો. પછી એ રાઇફલ રસ્તા પરથી મળી આવી હતી.

 

ગયા અઠવાડિયે થયેલાં તોફાનો દરમ્યાન પોલીસની બે સેલ્ફ-લોડિંગ રાઇફલ અને એક પિસ્તોલ ટોળાએ છીનવી લીધી હતી. એમાંથી બે રાઇફલ મળી ગઈ છે, પણ પિસ્તોલ હજી સુધી નથી મળી. મુંંબઈ અને કોલાબા વિસ્તારમાંથી પોલીસે અત્યાર સુધી બંદૂકની ૨૯ ગોળીઓ જપ્ત કરી છે તથા અત્યાર સુધી આ તોફાનોમાં બસ પર અને લોકો પર પથ્થરમારો કરનારા ૩૦ લોકોને ઓળખી કાઢવામાં આવ્યા છે.

 

એક સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર, બે અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર, ૩૭ પોલીસ-કૉન્સ્ટેબલ અને ચાર મહિલા પોલીસ-કૉન્સ્ટેબલ ગયા અઠવાડિયે આઝાદ મેદાનમાં થયેલાં તોફાનોમાં જખમી થયાં હતાં.

 

કેવી રીતે પકડાયો સલીમ?

 

એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે સલીમ ઓશિવરા પોલીસ-સ્ટેશન સહિત અનેક જગ્યાએ ટૉર્ચ સપ્લાય કરતો હતો. જ્યારે તોફાનો વિશેનો વિડિયો પોલીસને મળ્યો ત્યારે એણે જોયું કે આ તો સલીમ છે. એક અધિકારી પાસે તેનો ફોન-નંબર પણ હતો અને એથી કેટલીક ટૉર્ચ-લાઇટ્સ ખરીદવી છે એમ કહીને તેને ફોન કરવામાં આવ્યો હતો. જ્યારે સલીમ નક્કી કરવામાં આવેલી એક દુકાનમાં આ સામાન આપવા માટે આવ્યો ત્યારે તેને પકડી લેવામાં આવ્યો હતો.

 

 

સીસીટીવી = ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન