સોલાપુરના બે સ્ટુડન્ટ્સે ૧૨૦૦ SMS મોકલ્યા એટલે એજ્યુકેશન મિનિસ્ટર ગુસ્સે ભરાયા

19 February, 2017 05:49 AM IST  | 

સોલાપુરના બે સ્ટુડન્ટ્સે ૧૨૦૦ SMS મોકલ્યા એટલે એજ્યુકેશન મિનિસ્ટર ગુસ્સે ભરાયા


મહારાષ્ટ્રના શિક્ષણપ્રધાન વિનોદ તાવડેને સોલાપુરની પૉલિટેક્નિકનું એન્જિનિયરિંગ કૉલેજમાં રૂપાંતર કરવાના સરકારના નિર્ણયને પાછો ખેંચવાની માગણી કરતા સેંકડો SMS આવતાં તેઓ અકળાઈને ગુસ્સે ભરાયા હતા.

મંગળવારે સોલાપુર પૉલિટેક્નિકમાં અભ્યાસ કરતા બે સ્ટુડન્ટ્સે વિનોદ તાવડેને SMS કર્યા હતા. એ સ્ટુડન્ટ્સના જણાવ્યા મુજબ ૧૩ ઑક્ટોબરે રાજ્ય સરકારે પૉલિટેક્નિકને એન્જિનિયરિંગ કૉલેજમાં રૂપાંતર કરવા સક્યુર્લર બહાર પાડ્યો હતો અને એ વિસ્તારમાં અન્ય કોઈ પૉલિટેક્નિક ન હોવાથી તેમણે શિક્ષણપ્રધાનને આ નિર્ણય પાછો ખેંચી લેવા મેસેજ મોકલવાનો નિર્ણય લીધો હતો. આ સ્ટુડન્ટ્સે વિનોદ તાવડેના મોબાઇલ ફોન પર સેંકડો મેસેજ મોકલ્યા હતા જેથી તેઓ અકળાયા હતા.

વિનોદ તાવડેએ પોતાના સત્તાવાર નિવેદનમાં માહિતી આપી હતી કે ‘મને લગભગ ૮૦૦થી ૧૨૦૦ SMS આવ્યા હતા જેમાં મને પૉલિટેક્નિક બંધ ન કરવાની વિનંતી કરવામાં આવી હતી એનાથી મને ગુસ્સો આવ્યો છે, પરંતુ આ સ્ટુડન્ટ્સ સામે મેં કોઈ કાનૂની પગલાં લીધાં નથી.’

શિક્ષણપ્રધાન તાવડેએ આરોપ મૂક્યો હતો કે ‘આ બે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા સાથે સંકળાયેલા છે. આ સંસ્થા સામ્યવાદીઓ તરફ ઝુકાવ ધરાવે છે એથી તેમણે તેમના BJPવિરોધી વલણને લીધે મને આટલી મોટી સંખ્યામાં SMS મોકલ્યા હતા. સોલાપુરના સ્ટુડન્ટ્સના પ્રતિનિધિમંડળો અને રાજકીય નેતાઓને બાંયધરી અપાઈ ચૂકી છે કે પૉલિટેક્નિક બંધ નહીં થાય છતાં મને આ રીતે હેરાન કરવામાં આવ્યો હતો.’