પનવેલમાં લાદવામાં આવેલો LBT પાછો ખેંચો

03 January, 2017 06:50 AM IST  | 

પનવેલમાં લાદવામાં આવેલો LBT પાછો ખેંચો



રોહિત પરીખ


નવી મુંબઈના પનવેલ અને કલંબોલી આસપાસના વિસ્તારો ગ્રામપંચાયતમાંથી પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશન હેઠળ આવી જતાં આ વિસ્તારના વેપારીઓ પર નવા વર્ષમાં લોકલ બૉડી ટૅક્સ (LBT)નો બોજો આવી ગયો છે. એને કારણે આ વિસ્તારોમાં બિઝનેસ કરી રહેલા હજારો વેપારીઓ સરકાર સામે લડવાના મૂડમાં આવી ગયા છે. સરકાર ટૂંક સમયમાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) લાવી રહી છે ત્યારે LBT લાદવાનો આ નિર્ણય સરકારને આવી રહેલા મ્યુનિસિપલ ઇલેક્શનમાં ખૂબ જ ભારી પડશે એવી ચેતવણી ફામના અધ્યક્ષ વિનેશ મહેતાએ આપી હતી.

ભારતીય જનતા પાર્ટીની સરકાર જૂનો સમય ભૂલી ગઈ લાગે છે એવા આકરા શબ્દોના ઉચ્ચારણ સાથે ફામના અધ્યક્ષ વિનેશ મહેતાએ ગઈ કાલે પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિસ્તારોમાં સરકાર દ્વારા લોખંડ અને અન્ય વસ્તુઓ પર લાદવામાં આવેલી LBTનો સખત વિરોધ કર્યો હતો.

પનવેલની આસપાસના વિસ્તારો પહેલાં ગ્રામપંચાયતમાં આવતા હતા એમ જણાવીને ફામના જનરલ સેક્રેટરી આશિષ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્ષો પહેલાં લોખંડબજારને કલંબોલી ખસેડવા માટે સરકારે વેપારીઓને આકર્ષક વચનો આપ્યાં હતાં, પરંતુ ત્યાર પછી સરકાર દ્વારા વારતહેવારે વેપારીઓ પર બોજો લાદવાની શરૂઆત થઈ હતી. અગાઉની સરકાર LBT જેવા આકરા ટૅક્સ લાદવાને કારણે જ પડી ગઈ હતી. એ સમયે ભારતીય જનતા પાર્ટીએ LBTના પ્રશ્ને વેપારીઓને સાથે રહીને વેપારીઓમાં વિશ્વાસ સંપાદન કર્યો હતો. જોકે અમુક અધિકારીઓના વલણને લઈને સરકાર ફરીથી એનાં વચનોમાં ફરી રહી છે જેનો વેપારીઓ ચૂંટણી સમયે જવાબ આપશે.’

નોટબંધી પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પડખે રહ્યા હતા અને બિઝનેસ પડી ભાંગવા છતાં સરકાર વિકાસના માર્ગે અને ભ્રષ્ટાચાર દૂર કરવા અડીખમ બની છે એટલે વેપારીઓ પચાસ દિવસથી મંદી સહન કરી રહ્યા છે એમ જણાવીને વિનેશ મહેતાએ કહ્યું હતું કે ‘GSTની ચર્ચામાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઑક્ટ્રૉય અને LBT જેવા બિઝનેસમાં અવરોધોને સરકાર GST આવ્યા પછી દૂર કરશે. સરકાર એપ્રિલ મહિનામાં આ ટૅક્સનું અમલીકરણ કરવા કટિબદ્ધ છે. એવા સમયે પનવેલના વેપારીઓ પર LBTનો બોજો નાખી સરકાર શું સાબિત કરવા ઇચ્છે છે એ સમજાતું નથી.’

ગઈ કાલે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનાં સેક્રેટરી મનીષા મ્હઈસકર સાથે મીટિંગ કરી હતી એમ જણાવીને વિનેશ મહેતાએ કહ્યું હતું કે ‘પહેલાં તો અમે ફાઇનૅન્સ મિનિસ્ટર સુધીર મુનગંટીવાર અને ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસને મળીને LBTનો વિરોધ કરવા ઇચ્છતા હતા, પરંતુ તેમની અપૉઇન્ટમેન્ટ ન મળતાં અમે મનીષા મ્હઈસકર સમક્ષ LBT હટાવવાની રજૂઆત કરી હતી. તેમણે એનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમણે આ બાબત કૅબિનેટની હેઠળ હોવાની જાણકારી આપી હતી. એથી આજે અમે ચીફ મિનિસ્ટર સાથે મીટિંગ કરીશું. તેઓ LBT માટે હઠાગ્રહ રાખશે તો અમારે નાછૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.’