૧૦૦ જવાનો, આઠ ફાયર એન્જિન, આઠ વૉટર ટૅન્કર

08 May, 2022 11:02 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

એલઆઇસીની વિલે પાર્લેની ઑફિસમાં લાગેલી ભયાનક આગ સાડાસાત કલાકમાં ઓલવનારા આંકડા : આગમાં પૉલિસીધારકોના રેકૉર્ડ‍્સ બળીને ખાખ, પણ મોટા ભાગના દસ્તાવેજોનું બૅક-અપ હોવાથી તેમણે હેરાન થવું નહીં પડે

વિલે પાર્લેમાં એલઆઇસીની ઑફિસમાં ગઈ કાલે લાગેલી આગ ઓલવી રહેલા ફાયર ​બ્રિગેડના કર્મચારીઓ (તસવીર : શાદાબ ખાન)

વિલે પાર્લે-વેસ્ટમાં એસ. વી.​ રોડ પર નાણાવટી હૉસ્પિટલની બાજુમાં આવેલી એલઆઇસીની ઑફિસમાં ગઈ કાલે સવારે સાત વાગ્યે ​ભયાનક આગ ફાટી નીકળી હતી. એ એલઆઇસીની જ ઇમારત છે અને એના બીજા માળે અંદાજે ૧૫,૦૦૦ સ્ક્વેર ફુટના વિસ્તારમાં લાગેલી એ આગમાં અનેક દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. જોકે એલઆઇસીના અધિકારીઓ અને એમ્પ્લૉઈ યુનિયનના પ્રેસિડન્ટના જણાવ્યા મુજબ મોટા ભાગના દસ્તાવેજોનું સ્કૉનિંગ કરાયું હોવાથી પૉલિસીધારકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે તેમના દસ્તાવેજોનું બૅક-અપ અન્ય જગ્યાએ સચવાયેલું છે એટલે મોટા ભાગે તેમને કોઈ હાડમારી નહીં પડે. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ ઘાયલ થયું નથી.

એલઆઇસીની ઑફિસમાં ગઈ કાલે શનિવાર હોવાથી રજા હતી. જોકે આગ સવારના સાત વાગ્યાની આસપાસ લાગી હોવાથી બિલ્ડિંગ લૉક હતું. બીજા માળેથી ધુમાડો બહાર આવવા માંડતાં આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. એથી પહેલાં એક ફાયર એન્જિન ઘટનાસ્થળે ધસી ગયું હતું. જોકે આગનો વ્યાપ જોતાં તરત જ વધારાનાં ફાયર એન્જિન બોલાવવામાં આવ્યાં હતાં. ઘટનાસ્થળે હાજર ડિવિઝનલ ફાયર ઑફિસર એ. એચ. સાવંતે કહ્યું હતું કે ‘સવારે ૭ વાગ્યે લાગેલી આગ પર બપોરે ૨.૩૦ વાગ્યે કાબૂ મેળવી શકાયો હતો અને ત્યાર બાદ પણ કૂલિંગ ઑપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. અંદાજે ૧૫,૦૦૦ સ્ક્વેર ફુટમાં લાગેલી આગને કાબૂમાં લેવા ભારે જહેમત પડી હતી. અમારા અંદાજે ૧૦૦ જવાનો અને ઑફિસરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આઠ ફાયર એન્જિન અને આઠ વૉટર ટૅન્કર એ માટે ઉપયોગમાં લેવાયાં હતાં.’

એક ફાયરમૅને ત્યાંની પરિસ્થિતિનો અંદાજ આપતાં કહ્યું હતું કે ‘આગને પાણીનો મારો ચલાવી કાબૂમાં લઈ શકાય છે, પણ ખરી મુસીબત ધુમાડાને કારણે થતી હોય છે. વળી એ ઑફિસમાં બહુબધા પેપર્સ, લાકડાંનું ફર્નિચર, ઇલેક્ટ્રિક વાયરિંગ વગેરે હતું જે બધું બળીને જોરદાર ધુમાડો થયો હતો. અમે અંદર જઈને પાણીનો મારો ચલાવ્યો હતો. મૂળમાં બિલ્ડિંગ બહુ જૂનું છે અને એની બારીઓ બહુ જ નાની અને સાંકડી ડિઝાઇનની છે. એથી જે શક્ય હતી એ બારીઓ અમે ખોલીને ધુમાડાને બહાર નીકળવાની જગ્યા કરી આપી હતી. જે બારીઓ ન ખૂલી એના કાચ તોડીને અમે ધુમાડો બહાર જવા જગ્યા બનાવી હતી.’  

ઘટનાસ્થળે હાજર ભારતીય વીમા કર્મચારી સેના વેસ્ટર્ન ઝોન (​મહારાષ્ટ્ર-ગુજરાત-ગોવા)ના પ્રેસિડન્ટ અનંત વાળકેએ કહ્યું હતું કે ‘એલઆઇસીના આ ઑફિસ બિલ્ડિંગમાં બીજા માળે સીઓસી ડિપાર્ટમેન્ટ છે જેની હેઠળ ચાર યુનિટ કામ કરતા હોય છે. મુખ્યત્વે એની આગળ અમારો સ્કૅનિંગ ડિપાર્ટમેન્ટ આવેલો છે. નવી ગોઠવણ મુજબ દરેક પૉલિસીના દસ્તાવેજોને સ્કૅન કરીને સાચવવામાં આવે છે. એટલું જ નહીં, એનું બૅકઅપ પણ ઝોનલ ઑફિસમાં રાખવામાં આવે છે. એથી સીઓસી ઑફિસમાં જે કંઈ રેકૉર્ડ્સ હતા એનું મોટા ભાગનાનું બૅક-અપ હોવાથી પૉલિસીધારકોને કોઈ મુશ્કેલી નહીં પડે. આ ઉપરાંત ત્યાં સૅલેરી સેવિંગ સ્કીમનો પણ ડેટા સાચવવામાં આવ્યો હતો એ પણ બળી ગયો છે. પેન્શનરોનો ડેટા પણ ત્યાં જ હતો. જોકે તેમની પાસે તેમના દસ્તાવેજો હોય જ છે અને તેમને મળતા પેન્શનની વિગતો પણ ડિજિટલાઇઝ કરાઈ હોવાથી સેફ છે. હાલ આગને કારણે ડેટા બળી ગયો છે એ ખરું, પણ હવે ઑફિસને ફરી નવેસરથી બનાવવામાં સમય લાગશે. આ આખી ઇમારતનો વીમો કાઢવામાં આવ્યો છે એથી એની ચિંતા નથી.’ 

mumbai mumbai news vile parle bakulesh trivedi