સાવધાન! તમારી ન્યુ યર પાર્ટીનો વિડિયો ઊતરી શકે છે

27 December, 2012 06:08 AM IST  | 

સાવધાન! તમારી ન્યુ યર પાર્ટીનો વિડિયો ઊતરી શકે છે



નવા વર્ષની પાર્ટી ઑર્ગે‍નાઇઝ કરનારાઓને એન્ટરટેઇનમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ મોકલાવવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ કાયદાકીય ચુંગાલમાં ફસાવું ન હોય તો પાર્ટીનું વિડિયો-શૂટિંગ કરજો. સાથે તેમને એન્ટરટેઇનમેન્ટ-ટૅક્સ ચૂકવવાનું પણ કહેવામાં આવ્યું છે એટલું જ નહીં, જે લોકો માત્ર ડિસ્કો લાઇટ અને મ્યુઝિકનો જ વપરાશ કરવાના છે તેમને પણ ટૅક્સ ભરવાનું કહેવામાં આવ્યું છે.

એન્ટરટેઇનમેન્ટ ડિપાર્ટમેન્ટે લીધેલા આ પગલાનો હોટેલિયરો અને પાર્ટી ઑર્ગે‍નાઇઝરો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ તો લોકોની પ્રાઇવસીનો ભંગ કરવામાં આવી રહ્યો છે.

આ વખતે નવા વર્ષની પૂર્વસંધ્યાએ યોજાનારી પાર્ટીઓમાં શું કાળજી રાખવી એ બદલ એન્ટરટેઇનમેન્ટ ટૅક્સ ડિપાર્ટમેન્ટ જેના હેઠળ આવે છે એ કલેક્ટર ઑફિસે એક ૧૧ નિર્દેશની યાદી તૈયાર કરી છે.

આ બાબતે પોતાનો મત વ્યક્ત કરતાં વીઆઇઈ હૉસ્પિટલિટીના કમલેશ બારોટે કહ્યું હતું કે ‘આ તો પ્રાઇવસીનો ભંગ છે. અમે તેમના માટે સૉફ્ટ ટાર્ગે‍ટ છીએ, કારણ કે અમે હોટેલ ઇન્ડસ્ટ્રી વ્યવસ્થિત ચલાવીએ છીએ એથી અમારે આ બધાનો ભોગ બનવું પડે છે અને જે લોકો અનઑર્ગે‍નાઇઝ્ડ છે તેમને કોઈ પૂછતું નથી. તેઓ છૂટી જાય છે. મને એ ખબર નથી પડતી કે વિડિયો શૂટિંગની જરૂર શી છે? શું પાર્ટીના પાસ હોવા એ પૂરતા પુરાવા નથી?’

કમલેશ બારોટની વાતમાં સુર પુરાવતાં રિચબૉય્ઝ પ્રાઇવેટ લિમિટેડના પાર્ટનર અને અનેક જગ્યાએ પાર્ટી ઑર્ગેનાઇઝ કરતા રામજી ગુલાટીએ કહ્યું હતું કે ‘લોકો તેમના ખાસ મિત્રો સાથે ખાનગી પળો માણવા આવે છે. તેમને જ્યારે ખબર પડશે કે અમે તેમનું વિડિયો શૂટિંગ કરી રહ્યા છીએ તો એ તેમને નહીં ગમે. મોટા ભાગના લોકો જેને નહીં સ્વીકારે એવા અવ્યવહારુ ક્લૉઝ મૂકીને સરકાર યોગ્ય નથી કરી રહી.’