વૅટ ચૂકવવાના મામલે કન્ફ્યુઝન

01 November, 2012 04:53 AM IST  | 

વૅટ ચૂકવવાના મામલે કન્ફ્યુઝન



વૅલ્યુ ઍડેડ ટૅક્સ (વૅટ) ચૂકવવાની જવાબદારી ફક્ત બિલ્ડરોની છે એવો ચુકાદો મંગળવારે બૉમ્બે હાઈ કોર્ટે આપતાં બિલ્ડરલૉબીને વૅટ ભરવાની છેલ્લી મુદત માટે માત્ર એક જ દિવસ મળ્યો હતો અને એથી જૂન ૨૦૦૬થી લઈને માર્ચ ૨૦૧૦ સુધીમાં બિલ્ડરોએ જે ફ્લૅટ કે બંગલો વેચ્યા હતા એના પર તેમની પોતાની રીતે કરેલી ગણતરીને આધારે ગઈ કાલે છેલ્લા દિવસે ઍગ્રીમેન્ટ વૅલ્યુના પાંચ ટકા જેટલી રકમ વૅટરૂપે ચૂકવી હતી. અનેક બિલ્ડરોએ આ રકમ ન ચૂકવતાં હવે રાજ્ય સરકાર તેમને દંડ કરવાના મૂડમાં છે. જોકે વૅટની ચુકવણી વિશેના ચુકાદામાં ઘણા મુદ્દા પર સ્પષ્ટતા ન હોવાથી ફ્લૅટ ખરીદનારાઓમાં અને બિલ્ડરોમાં કન્ફ્યુઝન છે. ઘણા ફ્લૅટ ખરીદનારાઓ પાસેથી બિલ્ડરોએ પોતાની ગણતરી મુજબ વૅટની રકમ માગી હતી.


સેલ્સ ટૅક્સ ડિપાર્ટમેન્ટનાં ડેપ્યુટી કમિશનર સ્વાતિ કાલેએ કહ્યું હતું કે ગઈ કાલ સુધીમાં જે બિલ્ડરે વૅટની રકમ સરકારી તિજોરીમાં ચૂકવી નથી તેમને દંડ કરવામાં આવશે. બીજી તરફ બિલ્ડરોએ એવો નર્ણિય કર્યો છે કે જ્યાં સુધી કોઈ પ્રૉપર રીતે વૅટની રકમની માગણી કરતી નોટિસ આવે નહીં ત્યાં સુધી વૅટ ચૂકવવાની જરૂર નથી.


બિલ્ડરોની સંસ્થા એમસીએચઆઇએ વૅટના વિરોધમાં બૉમ્બે હાઈ કોર્ટમાં પિટિશન કરી હતી અને એમાં જણાવવામાં આવ્યું હતું કે વીજળીનું મીટર, રજિસ્ટ્રેશન ફી, સ્ટૅમ્પડ્યુટી અને મેઇન્ટેનન્સ જો ફ્લૅટ ખરીદનારો ભરતો હોય તો પછી વૅટ પણ તેની પાસેથી જ લેવામાં આવવો જોઈએ. બિલ્ડરો પાસેથી આ ટૅક્સ લેવાની વાત અન્યાયકારક છે એમ એમાં જણાવવામાં આવ્યું હતું.


એમસીએચઆઇ : મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી