વર્સોવામાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામેલા રમીઝનો મૃતદેહ બહાર કઢાયો

28 September, 2012 07:32 AM IST  | 

વર્સોવામાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામેલા રમીઝનો મૃતદેહ બહાર કઢાયો

વર્સોવા પોલીસ-સ્ટેશનના એક ઇન્સ્પેક્ટરે પોતાનું નામ ન જણાવવાની શરતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘૭૪ દિવસ પછી રમીઝનો મૃતદેહ બહાર કાઢીને ઇસ્ટો-પૅથોલૉજી ટેસ્ટ માટે જે. જે. હૉસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. આ મૃત્યુ જંતુનાશક દવાને લીધે થયું છે કે પછી બીજું કોઈ કારણ છે એવો શક જતાં અમે આ પ્રોસીજર કરી છે.’

ઝોન ૯ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પ્રદીપ દિઘાવકરે આ વિશે વધુ જાણકારી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે અમે રમીઝની બહેન રેહાબનો મૃતદેહ બહાર કાઢ્યો નથી. ૪ જુલાઈએ રમીઝ અને તેની બહેન રેહાબ બેભાનાવસ્થામાં તેમના વર્સોવાસ્થિત ફ્લૅટમાંથી મળી આવ્યાં હતાં. રમીઝને ડૉક્ટરે મૃત ઘોષિત કર્યો હતો. જોકે બીજા દિવસે રેહાબનું પણ મૃત્યુ થયું હતું. યારી રોડ પાસે આવેલા કબ્રસ્તાનમાંથી રમીઝનો મૃતદેહ કાઢીને તપાસ માટે જે. જે. હૉસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. ક્લેક્ટરની ઑફિસ અને આરોગ્ય વિભાગની મંજૂરી મેળવ્યા બાદ વર્સોવા મુસ્લિમ કબ્રસ્તાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓની મંજૂરી મળ્યાં પછી આ બનાવ અકુદરતી મૃત્યુનો હોવાથી તેની ડેડબૉડીને કબરમાંથી કાઢીને તપાસ માટે મોકલવામાં આવી છે. રમીઝ અને રેહાબે તેમના ઘરમાં જુલાઈ મહિનામાં પેસ્ટ કન્ટ્રોલ કરાવ્યું હતું. આ બનાવ સંદર્ભે અમે પેસ્ટ કન્ટ્રોલ કૉન્ટ્રૅક્ટર રુખસાર અલ્મેલ્કર અને બીજા બે સપ્લાયર વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો. હાલમાં ત્રણે જામીન પર છૂટી ગયા છે.

જે. જે. = જમશેદજી જીજીભોય