05 September, 2026 11:08 AM IST | Mumbai | Varsha Chitaliya
માહેરકર્ણી સોહળા ઉત્સવમાં પિયર આવેલી દીકરીઓ. તસવીરો : આદર્શ ભંડારી
આખા મુંબઈથી અલગ રીતે ઊજવાતા એક અઠવાડિયાના આ લોકોત્સવમાં મહિલાઓ રોજેરોજ જુદી-જુદી થીમ મુજબ સજ્જ થઈને રૅલી કાઢે છે. નારિયેળી પૂનમની પૂર્ણાહુતિ બાદ શરૂ થતા આ ઉત્સવમાં દરિયાખેડુઓ કઈ રીતે કાન્હાની ભક્તિ કરે છે એ જોવા-જાણવા જેવું છે
આજે સમગ્ર મુંબઈમાં ‘ગોવિંદા આલા રે’ની ધૂન સાથે ગોવિંદાઓ ઊંચા થર રચવામાં મશગૂલ થઈ જશે. કરોડો રૂપિયાના સ્પૉન્સર્સ અને ગ્લૅમરસ દહીહંડી પર સૌની નજર રહેશે. આ બધી ધમાલ વચ્ચે મુંબઈના વર્સોવા વિસ્તારમાં રહેતા દરિયાખેડુઓ પોતાની સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખીને દહીહંડીની અનોખી ઉજવણી કરી રહ્યા છે. વર્સોવાનો કોળી સમાજ કૃષ્ણના જન્મોત્સવને ૭ દિવસના લોકોત્સવ તરીકે ઊજવે છે. નારિયેળી પૂનમની પૂર્ણાહુતિ બાદ બાલગોપાલોથી લઈને પરંપરાગત વેશભૂષામાં સજ્જ મહિલા ગોવિંદાઓ સહિત આખો સમાજ કૃષ્ણમય થઈ જાય છે. આજે તેઓ માનવ-પિરામિડ રચીને નહીં પણ ભાલા વડે નિશાન તાકીને દહીહંડી ફોડશે. દરિયાનાં મોજાંઓ સાથે જીવતા કોળી સમાજની પરંપરા, એનો ઇતિહાસ અને ૭ દિવસની ઉજવણીનું ટાઇમ-ટેબલ મંત્રમુગ્ધ કરી દે એવું છે.
અનોખી પરંપરા
વર્સોવા-કોલીવાડાની આ અનોખી દહીહંડીની પરંપરા આશરે સદી જૂની હોવાનું કહેવાય છે. વર્સોવાના સ્થાનિકો અને ઇતિહાસકારોના મતે કોલીવાડામાં આ પરંપરા બ્રિટિશકાળથી ચાલી આવે છે જે માછીમારોની આસ્થા અને એકતાનું પ્રતીક છે. કોળી સમાજ માટે દરિયો જ તેમનું જીવન અને ભગવાન છે. ચોમાસા દરમ્યાન દરિયો તોફાની બને છે. શ્રાવણ મહિનામાં નારિયેળી પૂનમની ઉજવણી કરીને માછીમારો દરિયાદેવને શાંત થવા અને રક્ષણ આપવા પ્રાર્થના કરે છે. આ જ સમયગાળામાં આવતા જન્માષ્ટમીના ઉત્સવને તેઓ આગવી શૈલીમાં ઊજવવા લાગ્યા. સાંકડી ગલીઓમાં વસતા કોળીઓએ એક દિવસને બદલે ૭ દિવસ સુધી જુદાં-જુદાં મંડળો અને ગલીઓ વચ્ચે આ ઉત્સવ વહેંચી દીધો જે આજે એક પરંપરા બની ચૂક્યો છે. એવું પણ કહેવાય છે કે મુંબઈ જ્યારે ટાપુમાં વસેલું નાનું શહેર હતું એ વખતે પણ વર્સોવામાં માછીમારોની ઘણી વસ્તી હતી. એ જમાનામાં દરિયાઈ ચાંચિયાઓનો ભય હતો. માછીમારોને સ્વબચાવમાં ભાલો ફેંકવાની તાલીમ આપવામાં આવતી. વ્યાવસાયિક કુશળતાને દહીહંડીના ઉત્સવ સાથે જોડી દેવાઈ. સામાન્ય રીતે ગોવિંદાઓ પિરામિડ બનાવીને દહીહંડી ફોડે છે, જ્યારે કોળીઓ ભાલો ફેંકીને દહીહંડી ફોડે છે. ગલીઓ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે એ માટે મુખ્ય સંસ્થા દ્વારા રોટેશન સિસ્ટમ નક્કી કરવામાં આવી છે.
વર્સોવા બાઝાર ગલી મંડળના સભ્ય મિતાંશુ બુગાએ ઉત્સાહપૂર્વક ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોલીવાડામાં બાઝાર ગલી, તેરે ગલી, બુદ્ધા ગલી, માંડવી ગલી, મોટી ગલી, ખોટી ગલી, ચિંચ ગલી અને ભગત ગલી એમ ૮ ગલી છે. વર્સોવા કોળી જમાતના નેજા હેઠળ દરેક ગલીનું એક અલગ મંડળ પણ છે. પરંપરા મુજબ દર વર્ષે આખા કોળી સમાજની સત્તાવાર રૅલી કાઢવાનો અધિકાર એક ગલીના મંડળને મળે છે. આ વર્ષે દહીહંડીની રૅલી કાઢવાનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે. ૯ વર્ષ લાંબી પ્રતીક્ષા બાદ વારો આવ્યો હોવાથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. નારિયેળી પૂર્ણિમાના દિવસે દરિયાની પૂજા થયા બાદ જન્માષ્ટમી સુધી દરરોજ સાંજના ૭ વાગ્યે ઢોલ-તાશા સાથે ધામધૂમથી રૅલી નીકળે છે જે રાતના ૧૦ વાગ્યે પૂરી થાય છે. મી ડોલકર, ડોલકર દરિયાચા રાજા જેવાં કોળી ગીતો સાથે બધા કૃષ્ણમય થઈ જાય છે. આ અનોખી ઉજવણીનું મુખ્ય આકર્ષણ છે ભાલાફેંક દહીહંડી. આ પ્રથામાં માનવ-પિરામિડ બનાવવામાં નથી આવતો. લાકડાના થાંભલા કે દોરડા પર ઊંચે બાંધેલી દહીહંડીને નીચે ઊભા રહીને ભાલા વડે (લાકડી વડે) નિશાન તાકીને ફોડવામાં આવે છે. ભાલા વડે દહીહંડી ફોડવાનો પ્રયત્ન કરી રહેલી વ્યક્તિનું ધ્યાન ભટકાવવા આસપાસ ઊભેલા લોકો તેના પર પાણીનો મારો ચલાવે છે જેને કારણે રોમાંચ જળવાઈ રહે છે. ભાલા વડે દહીહંડી ફોડવી એ અમારા માટે પ્રતિષ્ઠાનો સવાલ છે.’
માહેરકર્ણી સોહળા
માલવણી વિસ્તારમાં રહેતા અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર, કન્ટેન્ટ-ક્રીએટર અને ફોટોગ્રાફર આદર્શ ભંડારી કોળી સમાજના છે. વર્સોવા-કોલીવાડામાં તેમનાં ઘણાં સગાંસંબંધીઓ અને મિત્રો રહે છે. તેઓ દર વર્ષે ખાસ આ ઉત્સવની ફોટોગ્રાફી કરવા જાય છે. કૃષ્ણ જન્મોત્સવ અને દહીહંડીની અનોખી પરંપરા વિશે વધુ માહિતી આપતાં આદર્શ ભંડારીએ જણાવ્યું હતું કે ‘આ ઉજવણી માત્ર એક તહેવાર નથી; આપણી પરંપરાઓ, સંસ્કૃતિ અને કોળી સમાજની એકતા અને લોકભાવનાની જીવંત ઉજવણી છે. જન્માષ્ટમીની રૅલીનો અદ્ભુત નઝારો જોવો એ લહાવો છે. વર્સોવાના રસ્તાઓ સંગીત, નૃત્ય, ગીતો અને રંગોથી ઝૂમે છે. એને જોવા માટે કોલીવાડાના સ્થાનિકો ઉપરાંત સમગ્ર મુંબઈના હજારો લોકો ઊમટી પડે છે. રૅલીના દિવસે કોલીવાડાની સંસ્કૃતિનાં બે અનોખાં પાસાં જોવા મળે છે. એક બાજુ વડીલો અને મહિલાઓ સુંદર પારંપરિક કોળી પોશાક, સાડીઓ અને દાગીનામાં સજ્જ હોય છે તો બીજી તરફ યુવા પેઢી આકર્ષક, રંગબેરંગી અને ફન્કી ડિઝાઇનર આઉટફિટ્સ પહેરીને મૉડર્ન લુક સાથે રૅલીની રોનક વધારે છે. એમાં સાઉથ ઇન્ડિયન, પંજાબી થીમ અને ઑરેન્જ ડે વગેરે પણ હોય છે. આમ આ રૅલી આપણા વારસા અને આધુનિક શૈલીનો એક અદ્ભુત સંગમ બની જાય છે. આ ભવ્ય રૅલી યારી રોડથી ધામધૂમથી શરૂ થાય છે અને વર્સોવાના ધમધમતા રસ્તાઓ પરથી પસાર થઈને એના અંતિમ મુકામ એટલે કે કોલીવાડાના પ્રખ્યાત રામ મંદિર ખાતે પહોંચે છે. સ્થાનિક મંદિરોમાં ભજન-કીર્તનના કાર્યક્રમો પણ યોજાય છે.’
ખાસ હાઇલાઇટ કરતાં આદર્શ ભંડારીએ જણાવ્યું હતું કે ‘આ આખી ઉજવણીની સૌથી હૃદયસ્પર્શી પરંપરા માહેરકર્ણી સોહળા ઉત્સવ છે. અહીં એક ગલીની દીકરી બીજી ગલીમાં પરણીને જાય છે. ‘માહેરકર્ણી’ એટલે સાસરેથી પિયર જતી યુવતી. જન્માષ્ટમીની મુખ્ય રૅલી પહેલાં દીકરીઓ પોતાના માહેર (પિયર)માં પાછી ફરે છે. આ પરંપરા દીકરીના તેના પિયર પ્રત્યેના લગાવ, પારિવારિક સંબંધો અને સંસ્કારનું પ્રતીક છે. માહેરકર્ણી ઉત્સવ દરમ્યાન હિંગળા દેવીને પણ માહેરકર્ણી જેવી જ પરંપરાગત સાડી પહેરાવવામાં આવે છે. હિંગળા દેવી મંદિર વર્સોવા-કોલીવાડાનું આસ્થાનું કેન્દ્ર હોવાતી આધ્યાત્મિકતાનો રંગ ઉમેરાય છે. જોકે દેવીનું મૂળ મંદિર પાકિસ્તાનમાં છે. ભાલો ફેંકીને દહીહંડી ફોડવાની વિધિ આ મંદિરની બાજુમાં થાય છે. બાઝાર ગલીના કોળીઓને લાંબી પ્રતીક્ષા બાદ દહીહંડી ફોડવાની તક મળી હોવાથી તેઓ અતિશય ઉત્સાહિત છે. જો તેઓ નિશાન ચૂકી જશે તો ફરી ૮ વર્ષ રાહ જોવી પડશે. આજે આ દૃશ્ય જોવાની મજા પડશે.’
ખાણી-પીણીનો જલસો
આ ૭ દિવસ દરમ્યાન વર્સોવા માત્ર ધાર્મિક રીતે જ નહીં, આર્થિક રીતે પણ ધમધમે છે. ગલીઓમાં સી-ફૂડના સ્ટૉલ્સ, કોળી મસાલાથી બનેલી ખાસ વાનગીઓ અને પરંપરાગત સ્વીટ્સનું જબરદસ્ત વેચાણ થાય છે. આ તહેવાર કમર્શિયલ બ્રૅન્ડના સ્પૉન્સરશિપના જોરે નથી ચાલતો. ફન્ડિંગ સંપૂર્ણપણે સ્થાનિક માછીમારો, બોટના માલિકો અને વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ ઉપાડવામાં આવે છે. અહીં લાખોના કૅશ પ્રાઇઝ કરતાં માન-મર્યાદા અને પોતાની ગલીની પ્રતિષ્ઠા મોટી વાત ગણાય છે. આ વર્ષે સમસ્ત ઉત્સવના મૅનેજમેન્ટની જવાબદારી બાઝાર ગલી દ્વારા કરવામાં આવી છે. પોતાની સાંસ્કૃતિક ધરોહર સાચવીને બેઠેલી વર્સોવાની આ વન-વીક દહીહંડી ખરા અર્થમાં મુંબઈની સંસ્કૃતિની ઝાંખી કરાવે છે.
રૅલી સાથે ૭ દિવસનું ટાઇમ-ટેબલ
૧. યજમાન ગલી (બાઝાર ગલી)માં રોશની, ભવ્ય સ્ટેજ અને જન્માષ્ટમીની તૈયારી અને સજાવટ.
૨. ગલીની બે ઇમારતો કે ઊંચા લાકડાના સ્તંભો વચ્ચે દહીહંડીને યોગ્ય ઊંચાઈ પર સેટ કરવામાં આવે છે. સ્થાનિક યુવાનો ભાલા વડે નિશાન સાધવાની પ્રૅક્ટિસ કરે છે.
૩. માહેરકર્ણી સોહળા ઉત્સવ જેમાં પરણેલી દીકરીઓનું માહેર (પિયર)માં આગમન થાય છે.
૪. હિંગળા દેવી મંદિરમાં ભવ્ય પૂજા અને અભિષેક થાય છે. હિંગળા દેવી માને એ જ રંગની સાડી પહેરાવવામાં આવે છે જેવી સાડીઓ પિયર આવેલી માહેરકર્ણી દીકરીઓ પહેરે છે.
૫. રામ મંદિર ખાતે ભજન, કીર્તન અને પારંપરિક આરતી સાથે આખી રાત ઉત્સવનો માહોલ રહે છે.
૬. જન્માષ્ટમીની ભવ્ય રૅલી યારી રોડથી રામ મંદિર પહોંચે છે. હિંગળા દેવી મંદિર નજીક બાંધવામાં આવેલી દહીહંડીને ભાલા વડે ફોડવામાં આવે છે.
૭. ગોપાલકાલા અને પ્રીતિભોજનનું આયોજન થાય છે. દહીહંડી ફૂટ્યા પછી બચેલો કાળો (દહીં, પૌંઆ અને માખણનો પ્રસાદ) આખા કોલીવાડામાં વહેંચવામાં આવે છે. સફળ આયોજન બદલ યજમાન મંડળ અને ગલીના લોકો એકબીજાને અભિનંદન આપીને સાથે ભોજન કરે છે.