વાહનમાલિકો માટેની SMS યોજના ઘોંચમાં

14 August, 2012 06:56 AM IST  | 

વાહનમાલિકો માટેની SMS યોજના ઘોંચમાં

મોબાઇલ ફોનમાંથી એક એસએમએસ મોકલીને ચોરી કરવામાં આવેલાં વાહનોની વિગત મળી શકે એવી એક યોજનાની જાહેરાત તો થાણે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા ઘણા વખત પહેલાં કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી નાગરિકોને એસએમએસ મોકલવા માટેનો નંબર ઉપલબ્ધ કરાવવામાં વિલંબ થઈ રહ્યો છે. આ વિલંબ માટે ટ્રાફિક વિભાગ ટેલિકૉમ ઑપરેટરને દોષ આપી રહ્યા છે.

વાહનચોરીને રોકવાના હેતુથી તૈયાર કરવામાં આવેલી આ યોજનામાં પોલીસના જવાનો અથવા તો સામાન્ય નાગરિકો ટેલિકૉમ ઑપરેટર દ્વારા નિર્ધારિત નંબર પર એક એસએમએસ મોકલીને કોઈ પણ વાહનના માલિક, ચૅસિસ નંબર અને એન્જિન નંબરની વિગત મેળવી શકશે. જ્યારે કોઈ વ્યક્તિ સેકન્ડ હૅન્ડ કાર ખરીદતી હોય ત્યારે તે ખરીદી પહેલાં કાર વિશેની માહિતી એક એસએમએસ દ્વારા મેળવીને સુનિશ્ચિત કરી શકે છે કે કાર ચોરીની છે કે નહીં.

ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટેલિકૉમ સર્વિસ પ્રોવાઇડરને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ માટે ઉપયોગમાં લેવાનારી આ સિસ્ટમ માટે ૪૦,૦૦૦ રૂપિયા આપી દેવામાં આવ્યા હોવા છતાં હજી સુધી સામાન્ય નાગરિકો જે નંબર પર એસએમએસ કરી શકે એ નંબર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો નથી. જોકે ડિપાર્ટમેન્ટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો નંબર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે અને તેનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.

અધિકારીઓએ એવો દાવો પણ કર્યો છે કે ટેલિકૉમ સર્વિસ ઑપરેટર સાથે વારંવાર સંપર્કમાં રહેવા છતાં હજી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. ટેલિકૉમ ઑપરેટર કોઈ રસ્તો કાઢે તો નાગરિકોને લાભદાયક આ યોજનાને શરૂ કરી શકાય.

 આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે એ વિશેની માહિતી આપતાં ઍડિશનલ પોલીસ-કમિશનર (ક્રાઇમ) મિલિંદ ભારાંબેએ કહ્યું હતું કે ‘ઓન ડ્યુટી ટ્રાફિક-પોલીસને જ્યારે કોઈ વાહન બાબતે શંકા જાગે કે તરત જ તે એક એમએમએસ મોકલીને આ વાહન વિશેની વિગત મેળવી શકે છે. થાણે જિલ્લાના થાણે, કલ્યાણ અને ડોમ્બિવલીમાંથી રોજ એક વાહનની ચોરી થયાનો રર્પિોટ લખાવવામાં આવે છે. વાહનચોરો વાહનની ચોરી કરીને તેનો રંગ અને નંબર પ્લેટ બદલી નાખતા હોય છે, જેને કારણે પાછળથી તેને શોધવાનું પોલીસ માટે અઘરું બની જાય છે. આવી સ્થિતિમાં આ સિસ્ટમ પોલીસને ઘણી મદદરૂપ થઈ શકશે.’