ફેરિયાઓનો બહિષ્કાર

28 February, 2021 08:13 AM IST  |  Mumbai | Rohit Parikh

ફેરિયાઓનો બહિષ્કાર

બોરીવલીના એસ.વી. રોડ પર માસ્ક પહેર્યા વગર બેસેલા ફેરિયાઓ (તસવીર: સતેજ શિંદે)

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં છેલ્લા દસેક દિવસમાં કોરોનાના કેસ વધ્યા હોવાથી ગયા રવિવારે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપણને સુધરી જવાની ચીમકી આપી હોવા છતાં શહેરના મોટા ભાગના ફેરિયાઓને સીએમની ધમકીની કે પછી કોરોનાના કહેરની કંઈ પડી ન હોય એવું લાગી રહ્યું છે. નવાઈની વાત એ છે કે બીજા બધા લોકોની સામે જોરશોરથી કાર્યવાહી કરી રહેલા સુધરાઈના અધિકારીઓ માસ્ક વગર ફરી રહેલા તેમ જ સોશ્યલ ડિસ્ટન્સિંગ ન રાખતા ફેરિયાઓની સામે કોઈ ઍક્શન નથી લઈ રહ્યા. આ ચિંતાની વાત હોવાનું કારણ એ છે કે આ લોકો રોજ સેંકડો લોકોના સંપર્કમાં આવતા હોય છે. આ જ કારણસર હવે મુંબઈગરા ગુજરાતીઓએ આવા ફેરિયાઓનો ‌બહિષ્કાર કરીને તેઓ સસ્તા ભાવે શાકભાજી કે ફળ આપતા હોય તો પણ ન લેવાં જોઈએ.

મહાનગરપાલિકા ગમે એ દાવા કરે, પણ એક વાત તો નક્કી છે કે મહાનગરપાલિકાના માર્શલો શાકના ફેરિયાઓ અને અન્ય ફેરિયાઓ પર દંડાત્મક કાર્યવાહી કરતાં ગભરાય છે એમ જણાવતાં પંતનગરના રહેવાસી હીરેન હરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પંતનગરની શાકમાર્કેટને પહેલાં કોરોનાના વેવમાં બંધ કરીને એને નજીકના એક મેદાનમાં મહાનગરપાલિકાએ શિફ્ટ કરી હતી. ત્યાં પણ અનેક વાર ફેરિયાઓ માસ્ક વગર ધંધો કરતા જોવા મળ્યા હતા. અનેક ફરિયાદો પછી પણ એમાં બહુ ઓછો ફેરફાર થયો હતો. આ વખતે પણ પંતનગરની શાકમાર્કેટમાં ફેરિયાઓ માસ્ક વગર ધંધો કરતા હોવા છતાં તેમના પર કોઈ જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી. આવા સમયે નાગરિકોની ફરજ છે કે તેઓ આવા ફેરિયાઓનો બહિષ્કાર કરે અને લોકોની સુરક્ષા કરે.’

ઘાટકોપરના યુવાનોની વાતો સાથે સહમત થતાં બોરીવલીની એજ્યુકેશન સૉફ્ટવેર બનાવતી બિઝનેસવુમેન અવનિ ઉદેશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સેકન્ડ વેવમાં મુંબઈમાં સૌથી વધારે કેસ બોરીવલીમાં છે. જોકે બોરીવલી એટલું જ કૅરલેસ પણ દેખાય છે. સ્ટેશન પાસેની શાકમાર્કેટમાં પ્રવેશ કરીએ તો સંક્રમણનો ભય લાગ્યા વગર રહે નહીં. ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલવાળાઓ માસ્ક વગર અથવા માસ્ક નાકથી નીચો રાખીને તેમનો ધંધો કરતા હોય છે. અમુક લોકો આજે પણ કોરોનાને સરકારની મસ્તી સમજે છે એટલે માસ્ક પહેરવાના કે સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. ક્લીન-અપ માર્શલો આમ જનતા પર દંડાત્મક કાર્યવાહી કરીને તેમને હેરાન કરે છે, પણ ફેરિયાઓ પર કોઈ જ કાર્યવાહી કરતા નથી. આવા સમયે મહિલાઓએ અને જનતાએ પોતાની સુરક્ષા પોતાની જાતે કરવા માટે આવા ફેરિયાઓ પાસેથી માલ ખરીદવો કે ખાવો ન જોઈએ.’

આપણે બીજા શું કરે છે એ જોઈએ છીએ, પણ પોતે પોતાની સુરક્ષા કરવા માટે કંઈ જ કરવું નથી એમ જણાવતાં મલાડના જિતેન્દ્ર રોડ પાસે રહેતી શેફાલી નીરવ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાની સેકન્ડ વેવ અને દિનપ્રતિદિન મુંબઈમાં વધી રહેલા કેસો છતાં ફેરિયાઓમાં આ બાબતમાં કોઈ જ ભય નથી. તેઓ મહાનગરપાલિકાની નજર સામે માસ્ક વગર ધંધો કરતા હોવા છતાં તેમની સામે કોઈ ઍક્શન લેવાતી નથી. આવા સંજોગોમાં ઓન્લી વન વે બાયકૉટ સચ હૉકર્સ. ધેર ઇઝ ધ ઓન્લી વે વિથ અસ. બધાએ આ સમજવાની જરૂર છે. આ લોકો કોરોના સ્પ્રેડ કરવા માટે જવાબદાર બનશે, પણ આપણે સાવધ રહીએ.’

હીરેન હરિયા જેવી જ ફરિયાદ ઘાટકોપરના તિલક રોડ પાસે રહેતા આશિષ ગાંધીએ ‘મિડ-ડે’ને કરી હતી. આશિષ ગાંધીએ કહ્યું હતું કે ‘તિલક રોડની શાકમાર્કેટમાં પણ ફેરિયાઓ બિન્દાસ માસ્ક વગર બિઝનેસ કરે છે. તેમની સાથે નાનાં બાળકો પણ હોય છે, પણ તેમને કોરોનાનો કોઈ ભય હોય એવું દેખાતું નથી. મહિલાઓએ આ ફેરિયાઓ પાસેથી શાક ખરીદવાનું બંધ કરવાની જરૂર છે. આવા ફેરિયાઓના સંક્રમણમાં આવવાથી આપણે પણ કોરોનાના દરદી બની શકીએ છીએ. ગયા વખતે આવા ઘણા કેસ બહાર આવ્યા હતા.’

coronavirus covid19 mumbai mumbai news