વીર સાવરકરે કદીયે બ્રિટિશરોની માફી માગી નહોતી : સંજય રાઉત

14 October, 2021 10:25 AM IST  |  Mumbai | Agency

મહાત્મા ગાંધીની વિનંતીને કારણે તેમણે બ્રિટિશરોને દયાની અરજીઓ લખી હતી અને માર્ક્સવાદી અને લેનિનવાદી વિચારધારાના અનુયાયીઓએ તેમના પર ફાસીવાદી હોવાનો ખોટો આક્ષેપ કર્યો હતો.

વીર સાવરકર

વીર સાવરકરે મહાત્મા ગાંધીની વિનંતીથી પ્રેરાઈને બ્રિટિશરોને દયાની અરજીઓ લખી હોવાના કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહના દાવાના એક દિવસ બાદ શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે બુધવારે જણાવ્યું હતું કે સાવરકરે કદી બ્રિટિશરોની માફી માગી નહોતી.
પુણેમાં પત્રકારો સાથે વાત કરતાં સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘દસ વર્ષ કરતાં વધુ સમય સુધી જેલવાસ ભોગવ્યો હોય એવા આઝાદીના લડવૈયાઓ જેલમાં રહેવાને બદલે જેલમુક્ત થયા બાદ તેઓ કશુંક કરી શકશે એવા વિચારે વ્યૂહરચના અપનાવી શકતા હતા. જો સાવરકરે આવી કોઈ વ્યૂહરચના અપનાવી હોય તો એને ક્ષમાયાચના ન કહી શકાય. સાવરકરે આવી વ્યૂહરચના અપનાવી હોઈ શકે. સાવરકરે કદીયે બ્રિટિશરોની માફી નહોતી માગી.’
વી. ડી. સાવરકરને ભારત રત્નથી નવાજવાની એક કરતાં વધુ પ્રસંગોએ માગણી કરી ચૂકેલા સંજય રાઉતને રાજનાથ સિંહે સાવરકર અંગે કરેલા નિવેદન વિશે પૂછતાં તેમણે આ અંગે જાણ ન હોવાનું જણાવ્યું હતું.
રાજનાથ સિંહે મંગળવારે વીર સાવરકરને ચુસ્ત રાષ્ટ્રવાદી નેતા તથા ૨૦મી સદીમાં ભારતના પ્રથમ લશ્કરી વ્યૂહરચનાકાર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે મહાત્મા ગાંધીની વિનંતીને કારણે તેમણે બ્રિટિશરોને દયાની અરજીઓ લખી હતી અને માર્ક્સવાદી અને લેનિનવાદી વિચારધારાના અનુયાયીઓએ તેમના પર ફાસીવાદી હોવાનો ખોટો આક્ષેપ કર્યો હતો.

Mumbai mumbai news sanjay raut