વાશી માર્કેટ બંધ : ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય

07 December, 2012 04:16 AM IST  | 

વાશી માર્કેટ બંધ : ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય




નવી મુંબઈની એપીએમસીના શાકભાજી, ફ્રૂટ અને કાંદા-બટાટા માર્કેટના વેપારીઓને મળતા કમિશનની રકમમાં કાપ મૂકવાના વિરોધમાં અગાઉ ચાર દિવસના બંધની જાહેરાત કરનારા વેપારીઓ હવે સરકારની સકારાત્મક ભૂમિકાના પગલે આજે એક દિવસનો પ્રતીક બંધ પાળવાના છે ત્યારે ગઈ કાલે પાંચ દિવસ ચાલે એટલો શાકભાજી, ફ્રૂટ્સ અને કાંદા-બટાટાનો જથ્થો માર્કેટમાં ઠલવાઈ જતાં મુંબઈગરાને આ પ્રતીકાત્મક હડતાળની અસર નહીંવત્ થશે.

બજારમાં પુષ્કળ પ્રમાણમાં શાકભાજી, ફ્રૂટ અને કાંદા-બટાટાનો જથ્થો ઠલવાઈ ગયો છે એવું બોલતાં એપીએમસીના ડિરેક્ટર સંજય પાનસરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય રીતે દરરોજ બજારમાં ત્રણસોથી સાડાત્રણસો જેટલી શાકભાજીની ટ્રક આવતી હોય છે, કાંદા-બટાટાની ૩૫૦થી ૪૦૦ જેટલી અને ફ્રૂટ્સની ૪૦૦થી ૫૦૦ જેટલી ટ્રક આવતી હોય છે; પણ આજના એક દિવસના પ્રતીક બંધની અસરને પગલે માલની અછત સર્જાય અને એનો ભાવવધારો ન થાય એ માટે ગઈ કાલે જ શાકભાજી, ફ્રૂટ્સ અને કાંદા-બટાટાની રોજ આવતી હોય છે એના કરતાં ડબલ ટ્રક બજારમાં આવીને માલ ઠાલવી ગઈ હતી. ગઈ કાલે શાકભાજીની જ ૭૦૦થી વધારે ટ્રક આવી હતી એટલે કે મુંબઈને પાંચ દિવસ ચાલે એટલાં શાકભાજી ગઈ કાલે જ બજારમાં ઍડ્વાન્સમાં આવી ગયાં છે એટલે લોકોએ ટેન્શન લેવાની જરૂર નથી.’

મૂડીબજાર, મસાલા માર્કેટ ચાલુ

એપીએમસીના ડિરેક્ટર કીર્તિ રાણાએ કહ્યું હતું કે ‘અગાઉ કરવામાં આવેલી જાહેરાત મુજબ આજે એપીએમસીના બૉમ્બે મૂડીબજાર કરિયાણા મર્ચન્ટ્સ અસોસિએશન હેઠળ આવતાં તમામ બજારો આ બંધમાં જોડાવાનાં હતાં, પણ એપીએમસીના શાકભાજી અને ફ્રૂટ માર્કેટે અમને આજે બજાર બંધ નહીં પાળવાનું કહેતાં અમે બજાર ખુલ્લું રાખવાના છીએ.’

એપીએમસીના ડિરેક્ટર સંજય પાનસરેએ કહ્યું હતું કે ‘અમારી માગણી સામે સરકારે હવે સકારાત્મક ભૂમિકા લીધી છે તો પછી ખોટો વિરોધ કરીને બંધ રાખવાની જરૂર નથી એટલે અમે મૂડીબજારને બંધ નહીં રાખવાનું કહ્યું હતું. અગાઉ નક્કી થયા મુજબ શાકભાજી અને ફ્રૂટ્સનો માલ હતો જ નહીં એટલે અમારે બંધ રાખવો પડ્યો, પણ અમે મૂડીબજારને જોડાવાની ના પાડી છે.’

હડતાળ કેમ પાછી ખેંચાઈ?

શાકભાજીના ભાવ કન્ટ્રોલમાં રાખવા માટે વેપારીઓને મળતા કમિશન બાબતે સરકાર સાથે મતભેદ થતાં અગાઉ ચાર દિવસ બજાર બંધ રાખવાનો મહારાષ્ટ્રભરના એપીએમસી માર્કેટે નિર્ણય લીધો હતો. જોકે કમિશન બાબતે નિર્ણય લેવા માટે રાજ્ય સરકારે ૧૫ સભ્યોની એક કમિટી બનાવવાનું જાહેર કર્યું છે. આ કમિટી કમિશન બાબતે અભ્યાસ કર્યા પછી પંદર દિવસમાં રિપોર્ટ આપશે અને ત્યાર પછી કમિશન બાબતે નિર્ણય લેવામાં આવશે એવું નક્કી થતાં વેપારીઓએ ચાર દિવસની હડતાળ પાછી ખેંચી લીધી હતી અને ફક્ત એક દિવસની પ્રતીક હડતાળ પાડવી એવું નક્કી કર્યું હતું. હાલમાં શાકભાજી પર આઠ ટકા, ફ્રૂટ્સ પર ૧૦ ટકા અને કાંદા-બટાટા પર ૬.૫ ટકા કમિશન મળે છે જે તમામ ઘટાડીને સરકાર છ ટકા કરવા માગે છે.

એપીએમસી = ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી