07 August, 2025 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વાશીની ખ્યાતનામ આંખની હૉસ્પિટલમાં લાઇસન્સ વગરના બે ડૉક્ટરોએ દરદીઓની આંખની સર્જરી કરી હતી. ત્યાર બાદ કુલ પાંચ દરદીઓની આંખમાં ગંભીર ઇન્ફેકશન થયું હતું. આ બનાવની ફરિયાદ મળતાં પોલીસે બે ડૉક્ટરો સામે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
વાશી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘વાશીની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ડિસેમ્બર ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ સુધીમાં થયેલાં આંખનાં ઑપરેશનો બાબતે દરદીઓએ ફરિયાદ કરી હતી. બે ડૉક્ટરોએ તેમની સર્જરી ઉતાવળમાં અને બેધ્યાનપણે કરી હોવાનું તેમણે જણાવ્યું હતું જેને કારણે પાંચ દરદીઓને સુડોમોનાસ વાઇરસનું ઇન્ફેક્શન થયું ગયું હતું. આ ઇન્ફેક્શન હૉસ્પિટલોમાં વપરાતાં સાધનો અને સિંક જેવી ભેજવાળી જ્ગ્યાઓમાં રહેલા વાઇરસને લીધે પણ લાગતું હોય છે. એને કારણે ઘા જલદી રુઝાતો નથી.’
૬૫ વર્ષનું દંપતી પણ આ ઇન્ફેક્શનનો ભોગ બન્યું હતું. ડૉક્ટરોએ મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલમાં તેમનું લાઇસન્સ રિન્યુ નહોતું કરાવ્યું એવું પણ પોલીસ-તપાસમાં જણાયું હતું.