વાશીના ૪૪ કરોડના બ્રિજ માટે ૨૬૫ કરોડની વસૂલી

31 October, 2011 02:16 AM IST  | 

વાશીના ૪૪ કરોડના બ્રિજ માટે ૨૬૫ કરોડની વસૂલી

 

 

શશાંક રાવ

મુંબઈ, તા. ૩૦

માનખુર્દ-બેલાપુર રેલવેલાઇનનું કામ ૪૫ કરોડ રૂપિયાના ખર્ચે પૂરું થયું એ જ સમયે એટલે કે ૧૯૯૨માં આ પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રેલવેની ટિકિટો પર સિડકો (સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન) અને સેન્ટ્રલ રેલવે સંયુક્ત રીતે સરચાર્જ ઉઘરાવી રહ્યાં છે. મુંબઈથી નવી મુંબઈ તરફ દરરોજ લગભગ ૧૦ લાખ લોકો જાય છે. સેકન્ડ ક્લાસની ટિકિટ પર એક રૂપિયો અને ફસ્ર્ટ ક્લાસની ટિકિટ પર બે રૂપિયા સરચાર્જ તરીકે લેવામાં આવે છે.

તાજેતરતમાં જ સેન્ટ્રલ રેલવેને આ વિશે પત્ર લખનાર કન્ઝ્યુમર ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ કહ્યું હતું કે ‘રેલવેવાળા એવો દાવો કરે છે કે અમે પુલની કિંમત માટે નહીં, ટ્રૅક્સ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અન્ય સુવિધાઓ માટે પણ સરચાર્જ લઈ રહ્યા છીએ. આ તો એકદમ
બકવાસ છે, કારણ કે સરકારી સંસ્થાઓનો ઇરાદો નફો કમાવાનો ન હોવો જોઈએ.’

આ બાબતે સંસદસભ્ય સંજીવ નાયકે કહ્યું હતું કે આ સરચાર્જ લેવાનું બંધ કરવાનું મેં સરકારને જણાવ્યું છે. દરમ્યાન સેન્ટ્રલ રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે સરકાર અને સિડકોની નાણાકીય જવાબદારી પૂરી નહીં થાય
ત્યાં સુધી આ સરચાર્જ ઉઘરાવવામાં આવશે.