11 September, 2026 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાડૂ માટીમાંથી બાપ્પાની મૂર્તિ બનાવી રહેલાં પંકજા મુંડે અને દેવેન્દ્ર ફડણવીસ. તસવીરો : સૈયદ સમીર અબેદી
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે કહ્યું હતું કે મૂર્તિઓના કદ કરતાં ભક્તિ અને પર્યાવરણના સંરક્ષણને પ્રેફરન્સ આપવો જોઈએ અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તહેવારોની ઉજવણી જવાબદારીપૂર્વક કરવી એ દરેક નાગરિકની ફરજ છે.
વાશીમાં સિડકો એક્ઝિબિશન ઍન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત પર્યાવરણ-મૈત્રીપૂર્ણ મહા ગણેશ મૂર્તિ વર્કશૉપમાં ૧૦,૦૦૦ સ્ટુડન્ટ્સ દ્વારા શાડૂ માટીમાંથી ગણેશમૂર્તિ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ ઇવેન્ટમાં દેવેન્દ્ર ફડણવીસે ભાગ લઈને શાડૂ માટીની મૂર્તિ બનાવી હતી. તેમની સાથે પર્યાવરણપ્રધાન પંકજા મુંડે પણ જોડાયાં હતાં. એ પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘માનવ-અસ્તિત્વ માટે નૅચરલ રિસોર્સિસનું રક્ષણ કરવું જરૂરી છે. ભગવાન ગણેશ શાણપણનું પ્રતિનિધિત્વ કરે છે. નાગરિકો પાણીના પ્રદૂષણને રોકવા માટે પ્લાસ્ટર ઑફ પૅરિસ અને રાસાયણિક રંગોથી દૂર રહે. મૂર્તિના ભૌતિક કદ કરતાં પ્રકૃતિની નિઃસ્વાર્થ સેવા પર દૈવી આશીર્વાદ આધાર રાખે છે.’
આ મેગા ઇવેન્ટ દરમ્યાન ૧૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ એકસાથે પરંપરાગત પર્યાવરણ-મૈત્રીપૂર્ણ શાડૂ માટીનો ઉપયોગ કરીને ગણેશમૂર્તિઓનું નિર્માણ કર્યું હતું. એનાથી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં મહારાષ્ટ્રનું નામ સત્તાવાર રીતે નોંધાયું હતું.
ગિનેસના નિર્ણાયકો દ્વારા સત્તાવાર જાહેરાત થયા બાદ મુખ્ય પ્રધાને ભાગ લેનારા વિદ્યાર્થીઓની આ સફળતાના સાચા શિલ્પી તરીકે પ્રશંસા કરી હતી અને એન્વાયર્નમેન્ટલ ડિપાર્ટમેન્ટ, ડિરેક્ટરેટ ઑફ આર્ટ અને સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટના સંયુક્ત પ્રયાસોની પ્રશંસા કરી હતી. પર્યાવરણપ્રધાન પંકજા મુંડેએ જણાવ્યું હતું કે આ યુવા શિલ્પકારોએ રાજ્યભરનાં ઘરોમાં પર્યાવરણને અનુકૂળ ઉજવણીનો સંદેશ ફેલાવીને પોતાને પૃથ્વીના સાચા રક્ષક સાબિત કર્યા છે. આ કાર્યક્રમમાં રાજ્યના ફૉરેસ્ટ મિનિસ્ટર ગણેશ નાઈક પણ હાજર રહ્યા હતા.
મુંબઈના સૌથી પ્રસિદ્ધ અને જૂના ગિરગાવચા રાજાનાં પ્રથમ દર્શન મુંબઈગરાઓને ગુરુવારે થયાં હતાં. નિકદવરી લેન સાર્વજનિક શ્રી ગણેશોત્સવ મિત્ર મંડળ એના ૯૯મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે ગુરુવારે મીડિયા અને શ્રદ્ધાળુઓ માટે ખાસ ફર્સ્ટ લુક ઇવેન્ટ રાખવામાં આવી હતી. એમાં ૨૪ ફુટ ઊંચી અને ૩.૫ ટન વજન ધરાવતી ગણેશમૂર્તિનાં મુખદર્શન કરાવવામાં આવ્યાં હતાં. મુંબઈની આ સૌથી ઊંચી ઇકો-ફ્રેન્ડ્લી ગણેશમૂર્તિ છે.