વસઈથી નાલાસોપારા-ઈસ્ટ વચ્ચે વસંતનગરી માર્ગે બસસર્વિસ શરૂ

22 December, 2011 07:47 AM IST  | 

વસઈથી નાલાસોપારા-ઈસ્ટ વચ્ચે વસંતનગરી માર્ગે બસસર્વિસ શરૂ



વસઈ રોડ યાત્રી સંઘ અને બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ની વસંતનગરી-નાલાસોપારા-ઈસ્ટ માટે બસસર્વિસ શરૂ કરવાની માગણીને સ્ટેટ ટ્રાન્સર્પોટના ડેપોમૅનેજરે મંજૂરી આપી હતી અને ૨૦ ડિસેમ્બર સુધીમાં એ શરૂ કરવાની ખાતરી આપી હતી. બસસર્વિસ વસઈ-વસંતનગરી-નાલાસોપારા-ઈસ્ટના રૂટ પર દોડાવવામાં આવશે એમ વસઈ યાત્રી સંઘે જણાવ્યું હતું.

વસઈથી વસંતનગરી નાલાસોપારા-ઈસ્ટ જવા માટે એસટીની સર્વિસ ન હોવાથી અત્યાર સુધી પ્રાઇવેટ વાહનોનો જ ઉપયોગ કરવો પડતો હતો. આને કારણે પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડતી હોવાથી બીજેપી અને વસઈ યાત્રી સંઘે અનેક વાર રાજ્ય પરિવહન મંડળને આ રૂટ પર બસ શરૂ કરવા વિનંતી કરી હતી, પરંતુ પ્રશાસને કોઈ પ્રતિભાવ ન આપતાં વસઈ યાત્રી સંઘ અને બીજેપીએ ૧૧ ડિસેમ્બરે ધરણાં આંદોલન કરવાનું નક્કી કર્યું હતું અને એ વિશેનું આવેદન તહસીલદારને આપ્યું હતું.

એ સમયે તહસીલદાર વિશ્વાસ ગુજરે ઘટતું કરવાનું આશ્વાસન આપીને આંદોલન પાછું ખેંચવા જણાવ્યું હતું.

વિશ્વાસ ગુજરે વસઈ યાત્રી સંઘ અને બીજેપીના થાણે ગ્રામીણ જિલ્લાધ્યક્ષ કેદારનાથ મ્હાત્રે, વસઈ રોડ યાત્રી સંઘના મહામંત્રી અશોક ભાટિયા, બીજેપીના વસઈ રોડના મહામંત્રી અખિલેશ મિશ્રા ઉપરાંત પરિવહન મંડળના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને એમાં થયેલી ચર્ચા બાદ વસઈ-વસંતનગરી-નાલાસોપારા-ઈસ્ટ રૂટ પર બસસર્વિસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.