એસીપી વસંત ઢોબળે બન્યા સાંતાક્રુઝરત્ન

03 November, 2012 07:36 AM IST  | 

એસીપી વસંત ઢોબળે બન્યા સાંતાક્રુઝરત્ન



સૌરભ વક્તાણિયા

મુંબઈ, તા. ૩

કેટલાંય વર્ષોથી અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (એસીપી) વસંત ઢોબળેને તેમના ટીકાકારો બાર પર રેઇડ પાડનારા પોલીસ, હાથમાં હૉકી-સ્ટિક લઈને ફરનારા પોલીસ, નિર્દોષ લોકોને દબડાવનારા, પબ્લિક ઍનિમી નંબર વન, મુંબઈની પાર્ટીમાં ભંગ પાડનારા તો હિટલર જેવાં અનેક ઉપનામોથી નવાજે છે; પરંતુ ગઈ કાલે તેમને જે નવું સન્માન મળ્યું એના પર તેઓ ચોક્કસ ગર્વ લઈ શકે છે. ભારે વિવાદાસ્પદ આ પોલીસ-ઑફિસરને ગઈ કાલે સિનિયર સિટિઝનોએ ‘સાંતાક્રુઝરત્ન’ અવૉર્ડ આપ્યો હતો. આ અવૉર્ડ મળતાં તેઓ ભારે ખુશ પણ જણાતા હતા. ઘણા લોકો તેમની એક ઝલક જોવા માટે સન્માનસ્થળે ભેગા પણ થયા હતા. વસંત ઢોબળેને થોડા સમય પહેલાં સોશ્યલ સર્વિસ બ્રાન્ચમાંથી હટાવીને સાંતાક્રુઝના વાકોલા ડિવિઝનમાં ટ્રાફન્સર કરવામાં આવ્યા હતા.

આ સન્માન-સમારંભમાં આવતાં તેમને મોડું થયું હતું, કારણ કે સુધરાઈની સાથે મળી તેઓ સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનની આસપાસ અડ્ડો જમાવી બેઠેલા ૧૦૦ જેટલા ગેરકાયદે હૉકર્સને હટાવવાની કામગીરીમાં વ્યસ્ત હતા. આ હૉકર્સ અહીં ગેરકાયદે સામાનનું વેચાણ કરતા હતા. પરિણામે એસીપી સંતાક્રુઝ (ઈસ્ટ)માં આવેલા ઠોલિયાભવન પાંચ વાગ્યાને બદલે સાડાપાંચે પહોંચ્યા હતા.

આવવામાં મોડું થયું હોવા છતાં જેવા તે હૉલમાં પ્રવેશ્યા કે ૫૦ કરતાં વધુ સિનિયર સિટિઝનોએ ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું હતું.

‘વરિષ્ઠ નાગરિક સેવા સંઘ’ના આલોક ઠોલિયાએ કહ્યું કે તેઓ કાયદા મુજબનું જ તમામ કામ કરે છે, તેથી તેમને કોઈનો ડર નથી. અન્ય એક સિનિયર સિટિઝને કહ્યું કે ‘અમારા વિસ્તારમાં એસીપી ઢોબળે આવ્યા પછી જ મને ખબર પડી કે ફૂટપાથ લોકોના ચાલવા માટે હોય છે. સાંતાક્રુઝમાં ઘણાં વર્ષોથી હું રહું છું, પરંતુ મેં કદી ફૂટપાથ જોઈ જ નહોતી.’ આવાં કેટલાંક વક્તવ્યો પછી વસંત ઢોબળેને સિનિયર સિટિઝન ગ્રુપે તેમના કાર્ય માટે ‘સાંતાક્રુઝરત્ન’ અવૉર્ડ આપ્યો હતો.

સિનિયર સિટિઝનો દ્વારા સન્માન મેળવ્યા પછી પોતાના વક્તવ્યમાં વસંત ઢોબળેએ કહ્યું કે ‘૩૫ વર્ષની મારી નોકરીમાં ૩૬ વખત ટ્રાન્સફર થઈ છે. મારી વિરુદ્ધ ૧૧૮ ફરિયાદો છે, ત્રણ વખત મને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. એક કેસમાં તો હું જેલમાં પણ ગયો હતો. તેમ છતાંય આજે તમારી વચ્ચે હું ઊભો છું.’