વસઈ-વિરારના યુવાનો લોકોને ડેન્ગી વિશે શિક્ષિત કરી રહ્યા છે

13 December, 2012 06:51 AM IST  | 

વસઈ-વિરારના યુવાનો લોકોને ડેન્ગી વિશે શિક્ષિત કરી રહ્યા છે



પ્રીતિ ખુમાણ

વસઈ-વિરારમાં ડેન્ગીનું પ્રમાણ ખૂબ વધવા લાગ્યું છે. અવારનવાર ઘણા કેસ બહાર આવતા હોવા છતાં વસઈ-વિરાર મહાનગરપાલિકા આ વાતને ગંભીરતાથી લેતી ન હોવાથી વસઈ-વિરારના યુવાનોએ ભેગા મળીને ઝુંબેશ શરૂ કરી છે અને તેઓ ડેન્ગી વિશે લોકોને સુશિક્ષત કરી રહ્યા છે.

વિરારમાં આવેલી સંજીવની હૉસ્ટિપલમાં એક મહિનામાં ડેન્ગીના ૩૨ કેસ આવ્યા હોવાની જાણ વસઈ-વિરાર મહાનગરપાલિકાને કરવામાં આવી હતી તેમ જ તાજેતરમાં ડેન્ગીના ચાર નવા કેસ આવ્યા છે. બ્લડની તપાસ દરમ્યાન ડેન્ગીના દરદીઓ વધતા હોવાની જાણ હૉસ્પિટલે મહાનગરપાલિકાને કરી હતી, પણ એમ છતાં એ કોઈ ધ્યાન આપી નથી રહી. સંજીવની હૉસ્પિટલના મૅનેજમેન્ટે મહાનગરપાલિકાને વારંવાર સૂચિત કર્યું છે કે અમારી પાસે જેટલા કેસ આવ્યા છે એની તપાસ કર્યા પછી એ પાકા ડેન્ગીના જ કેસ છે એ સાબિત થયું છે, પણ મહાનગરપાલિકા આ વિષયને ગંભીરતાથી લઈ નથી રહી. ઊલટાનું અમે શહેરમાં દવાનો છંટકાવ કરી રહ્યા છીએ એમ કહીને એ આખા વિષયથી હાથ ઉપર કરી રહી છે.

વસઈ-વિરાર મહાનગરપાલિકા આ વિષય પર ગંભીરતા ન બતાવતી હોવાથી ત્રીસેક આગળ આવીને લોકોને ડેન્ગીથી બચવા કેવી સાવધાની રાખવી એ વિશે સુશિક્ષિત કરી રહ્યા છે. તેઓ દરેક વિસ્તારમાં જઈને લોકોને શું કરવું અને શું ન કરવું એની માહિતી પૂરી પાડી રહ્યા છે. એ સાથે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પણ માહિતી આપી લોકોને સતર્ક કરી રહ્યા છે.

આ વિશે વધુ માહિતી આપતાં કૅમ્પેનના ચીફ મિક્કી આનંદે કહ્યું હતું કે ‘ડેન્ગી સે મુઝે બચાઓ’ એવું નામ અમે કૅમ્પેનને આપ્યું છે. આ કૅમ્પેનમાં વધુ ને વધુ યુવાનો જોડાઈ રહ્યા છે. મહાનગરપાલિકા આ વિષયને ગંભીરતાથી ન લેતી હોવાથી અમે યુવાનો એક થઈને આ કૅમ્પેન કરી રહ્યા છીએ. મહાનગરપાલિકા અમારા આ કામમાં અમને મદદ કરવા પણ તૈયાર નથી તેથી અમે ફેસબુક દ્વારા લોકોને મદદ કરવા વિનંતી પણ કરી છે. અમે લોકોના ઘરે-ઘરે જઈને ડેન્ગી શું છે, કેવી રીતે થાય છે, એનાથી કેવી રીતે બચવું જેવી બધી માહિતી તેમને આપી રહ્યા છીએ.’