વસઈ-વિરાર સજ્જ થઈ રહ્યાં છે રાજ્યસ્તરીય મેયર મૅરથૉન માટે

11 October, 2012 08:18 AM IST  | 

વસઈ-વિરાર સજ્જ થઈ રહ્યાં છે રાજ્યસ્તરીય મેયર મૅરથૉન માટે



૧૪ ઑક્ટોબરે વસઈ-વિરાર મહાનગરપાલિકા અને વસઈ તાલુકા કલા ક્રીડા વિકાસ મંડળ દ્વારા બીજી મૅરથૉન યોજવામાં આવી છે. આ વખતની મૅરથૉન નૅશનલ લેવલની હોવાની સાથે મૅરથૉનના ઇનામોની રકમથી લઈને તૈયારીઓ પણ જોરશોરમાં કરવામાં આવી છે.

પહેલી મેયર મૅરથૉન સ્ટેટ લેવલ પર હતી અને એને લોકોનો બહોળો પ્રતિસાદ મળતાં એને નૅશનલ લેવલ માટેની મંજૂરી મળી હતી.

આ વખતની મૅરથૉનમાં પુરુષ કૅટેગરીમાં ફુલ મૅરથૉન સાથે હાફ મૅરથૉનની કૅટેગરી પણ ઉમેરવામાં આવી છે, જ્યારે મહિલા માટે હાફ મૅરથૉનની કૅટેગરી હશે, જે અનુસાર પુરુષ કૅટેગરીના ફુલ મૅરથૉનવિજેતાને પહેલી મૅરથૉનની ઇનામની બમણી રકમ મળશે એટલે કે બે લાખ રૂપિયા. મહિલા અને પુરુષની હાફ મૅરથૉનની કૅટેગરીના વિજેતાને એક લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું છે, જે પહેલી મૅરથૉનમાં ૫૧ હજાર રૂપિયા હતું. આવી જ રીતે ટૉપ ત્રણ પુરુષ ફુલ મૅરથૉનના રનર-અપને અનુક્રમે ૩૦ હજાર રૂપિયા, ૨૦ હજાર રૂપિયા અને ૧૦ હજાર રૂપિયા રાખવામાં આવ્યા છે, જ્યારે મહિલા અને પુરુષની હાફ મૅરથૉનના ટૉપ ત્રણ રનર-અપને અનુક્રમે ૨૫ હજાર રૂપિયા, ૧૫ હજાર રૂપિયા અને ૧૦ હજાર રૂપિયા રાખવામાં આવ્યા છે. આવી રીતે બાળકો, મહિલા, પુરુષ અને શારીરિક રીતે અક્ષમો માટે ૧૬ જુદી-જુદી રેસ રાખવામાં આવી છે. આ મૅરથૉનનો મુખ્ય હેતુ ‘સેવ ગર્લ ચાઇલ્ડ અને મેઇન્ટેન નૅચર બૅલેન્સ’ છે. મૅરથૉન દરમ્યાન મેડિકલ વ્યવસ્થા પર ખાસ ભાર દેવામાં આવશે. એ સાથે વસઈ તેમ જ વિરાર સ્ટેશનેથી નિ:શુલ્ક બસસેવા પણ આપવામાં આવશે. વિરારની વિવા કૉલેજથી ફુલ મૅરથૉન અને હાફ મૅરથૉન વસઈ ફૉર્ટથી શરૂ થશે.

મૅરથૉન દરમ્યાન સવારે સાતથી ૧૧ વાગ્યા સુધી ટ્રાફિક જૅમની સમસ્યા નિર્માણ થાય નહીં એ માટે મૅરથૉન સ્પર્ધાના બધા માર્ગ પર બધા જ પ્રકારનાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. આ માર્ગ પરથી ફક્ત પોલીસના વાહનો, ઍમ્બ્યુલન્સ તેમ જ અન્ય આવશ્યક વાહન જ અવર-જવર કરી શકશે. મૅરથૉન સ્પર્ધાના બધા માર્ગ પર તેમ જ આખા વિસ્તારમાં ટ્રાફિક ક્યાં અને કેવી રીતે ડાયવર્ટ કરવામાં આવ્યો છે એની બધી જ માહિતી દર્શાવવામાં આવી હશે તેમ જ ટ્રાફિક જૅમની સમસ્યા થાય નહીં એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

મૅરથૉન સ્પર્ધાના બધા માર્ગ ડામરીકરણ કરીને બનાવવામાં આવ્યા છે. દરેક માર્ગ પરથી સારી રીતે સાફ-સફાઈ પણ કરવામાં આવી રહી છે તેમ જ વસઈ-વિરાર મહાપાલિકાના મેયર રાજીવ પાટીલે પોતે ઑર્ગેનાઇઝિંગ કમિટી સાથે સાઇકલ પર જઈને ૪૨ કિ.મી.નો રૂટ ચેક કર્યો હતો.