25 August, 2025 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વસઈ-વિરારમાં ગટર પર મૂકેલાં લોખંડનાં ઢાંકણાં ચોરનારનો વિડિયો વાઇરલ થયો છે
વસઈ-વિરારમાં ગટર પર મૂકેલાં લોખંડનાં ઢાંકણાં ચોરનારનો વિડિયો વાઇરલ થયો છે. સ્થાનિક મીડિયા દ્વારા બે ગઠિયાઓ રિક્ષાની આડશ રાખીને લોખંડનાં ઢાંકણાં ચોરતા હોય એવો વિડિયો લેવામાં આવ્યો હતો. જોનારને આ ગઠિયાઓની ચાલાકી અચંબિત કરી દે એવી હતી. એની સાથે જ આ રીતે ઢાંકણાં ચોરીને ગટરો ખુલ્લી થઈ જવાને કારણે સ્થાનિકોનો જીવ જોખમમાં મુકાવાની ચિંતા પણ થઈ હતી. ગઠિયાઓએ પૂરા પ્લાનિંગ સાથે ગટર પર તાડપત્રી ઢાંકી દીધી હતી અને પછી તાડપત્રી સાથે જ લોખંડનું ઢાંકણું ઊંચકી સાઇકલ પર મૂકીને લઈ ગયા હતા. પોલીસના ધ્યાનમાં આ બનાવ આવતાં પોલીસે વસઈ-વિરારમાં જુદા-જુદા વિસ્તારોમાં ઢાંકણાં ચોરતી ગૅન્ગ સક્રિય થઈ હોવાનું કબૂલ્યું હતું અને ચોરોને પકડવા માટે તપાસ શરૂ કરી હતી.