મીરા-ભાઇંદર, વસઈ-વિરારમાં ગૅન્ગ-રેપની જબરી અસર

27 December, 2012 07:44 AM IST  | 

મીરા-ભાઇંદર, વસઈ-વિરારમાં ગૅન્ગ-રેપની જબરી અસર



પ્રીતિ ખુમાણ

દિલ્હીમાં થયેલા ગૅન્ગ-રેપનો વિરોધ દેશભરમાં કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના ગૅન્ગ-રેપને કારણે દેશભરમાં ક્યાંક ગુસ્સો ભભૂકી રહ્યો છે તો ક્યાંક મહિલાઓને ન્યાય મળે એ માટે લડત ચલાવવામાં આવી રહી છે. મીરા-ભાઈંદર અને વસઈ-વિરારમાં પણ ખૂબ જ શાંતિપૂર્વક અને અનોખી રીતે ગૅન્ગ-રેપ બદલ વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર શહેરની અનેક મહિલા સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ લોકોમાં જાગૃતિ ફેલાવવા આગળ આવી રહી છે.

મીરા રોડના વિનયનગરમાં બાપા સીતારામ સેવા મંડળ દ્વારા યોજાયેલી ભાગવતકથામાં ગૅન્ગ-રેપનો ભોગ બનેલી યુવતીના સ્વાસ્થ્ય માટે અનોખી રીતે પ્રાર્થના કરવામાં આવી હતી. ભાગવતકથામાં વ્યાસપીઠ પર બિરાજમાન રસિક રાજ્યગુરુ દ્વારા મહિલાઓ અને દીકરીઓની રક્ષા માટે તેમને ભગવાન હિંમત આપે અને તેમની રક્ષા કરે એ માટે વિશેષરૂપે પાઠ-પૂજા કરવામાં આવી હતી. ભાગવતકથા દરમ્યાન બે હજારથી પણ વધારે લોકો ઉપસ્થિત હતા. રસિક રાજ્યગુરુ દ્વારા બધાને મીણબત્તી આપવામાં આવી હતી અને બધાએ એકસાથે હાથમાં મીણબત્તી પકડીને પીડિત યુવતીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. આ દૃશ્ય જોઈને એવું લાગતું હતું કે હવે દેશનો કોઈ પણ નાગરિક આવી ઘટનાઓ મૂંગે મોઢે સહન નહીં કરે. આ ઉપરાંત સોમવારે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન સંસ્થાના કાર્યકરોએ મીરા રોડ રેલવે-સ્ટેશનની બહારથી મોરચો કાઢ્યો હતો, જેમાં લોકો અને ખાસ કરીને મહિલાઓમાં જાગરૂકતા ફેલાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ મોરચો આખા મીરા રોડમાં કાઢવામાં આવ્યો હતો. રસ્તાઓ પર જતા લોકોને રોકીને તેમને માહિતી આપવામાં આવી હતી અને ત્યાર બાદ લોકો પણ એમાં જોડાયા હતા.

વિરારમાં અર્નાળાના દરિયાકિનારે વસઈ વિકાસિની આર્ટ કૉલેજના વિદ્યાર્થીઓએ રેતીમાંથી બનાવેલી પ્રતિકૃતિ દ્વારા મહિલાઓ પર દિવસે-દિવસે વધી રહેલા અત્યાચાર અને બળાત્કારનો વિરોધ કરવામાં આવ્યો હતો. મહિલાઓ તેમના મોઢા પર હાથ રાખીને પોતાની હાલત કેવી થાય છે એ આંખમાંથી નીકળતાં આંસુ દ્વારા દર્શાવીને ‘આતા હે થાંબલેચ પાહિજે’ એવો સંદેશ આપી રહી હોય એવું દર્શાવવામાં આવ્યું હતું. આ વિરોધ-પ્રદર્શન જોવા લોકો ઊમટી પડ્યા હતા. ત્યાર બાદ ઊમેટલા લોકોમાં વિદ્યાર્થીઓએ જાગરૂકતા ફેલાવી હતી. વસઈના યુવકો દ્વારા પણ ભેગા થઈને વસઈના માણિકપુર નાકાથી મંગળવારે વિરોધ-પ્રદર્શન કરતો મોરચો કાઢવામાં આવ્યો હતો. આ મોરચો વસઈની નાની-મોટી ગલીઓમાં કાઢવામાં આવ્યો હતો તેમ જ બધાને મહિલાઓની સુરક્ષિતતા વિશે માહિતી આપવામાં આવી હતી.

મીરા-ભાઈંદર અને વસઈ-વિરારની અમુક સંસ્થાઓએ આ ઘટના પછી વાતચીત કરતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મીરા-ભાઈંદર અને વસઈ-વિરારમાં સૌથી વધુ ગુનાઓ બનતા હોય છે. એમાં પણ ખાસ કરીને વસઈ-વિરારમાં સ્કાયવૉક પર રોજ અનેક બહેન-દીકરીઓ પર અસામાજિક તત્વો અને છેલબટાઉ યુવાનો દ્વારા માનસિક રેપ થાય છે. આ વિસ્તારમાં આવેલી કૉલેજ છૂટે ત્યારે અમુક યુવાનો સ્કાયવૉક પર આવીને ઊભા રહી જાય છે. સ્કાયવૉક પરથી પસાર થતી યુવતીઓ સામે ગંદા ઇશારા, ગંદા જોક અને હાથમસ્તી કરીને અનેક રીતે તેમના પર માનસિક રેપ થાય છે. યુવતીઓ આ બધી બાબતોની સતત અવગણના કરે છે એનું મુખ્ય કારણ છે પોલીસ-સ્ટેશનમાં તેમની સાથે થતું વર્તન. તેથી પોલીસે મહિલાઓની મદદ માટે કંઈક વિશેષ વિચારવાની જરૂર છે.’

કૉલેજિયન ગર્લ્સ અને ગૃહિણીઓ શું કહે છે?

મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર શહેરની કેટલીક હાઉસ-વાઇફ તથા કૉલેજ અને સ્કૂલમાં જતી સ્ટુડન્ટ્સ સાથે મિડ-ડે LOCALએ વાતચીત કરી ત્યારે તેમના દ્વારા ખૂબ આઘાતજનક બાબત જાણવા મળી હતી. તેમણે કહ્યું હતું કે ‘ઘણી વાર રસ્તામાં ચાલતાં, બાળકોને સ્કૂલમાં છોડતી વખતે કે પછી કૉલેજ જતી વખતે અમે અવારનવાર છેડતીનો ભોગ બનીએ છીએ પણ આ બધી બાબતની અવગણના કરીએ છીએ. એનું મુખ્ય કારણ એ છે કે અમે પોલીસ-સ્ટેશનના નામથી જ દૂર રહીએ છીએ, કારણ કે ત્યાં અમારી સાથે ઘણી વાર યોગ્ય વર્તન કરવામાં આવતું નથી તેમ જ ઘણા સવાલો પૂછવામાં આવે છે જેનો જવાબ સારા ઘરની મહિલાઓ આપી ન શકે.’