11 October, 2025 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
છેલ્લાં પાંચ વર્ષમાં રખડતા શ્વાનની નસબંધી પાછળ લગભગ ૨.૭૮ કરોડ રૂપિયા ખર્ચવા છતાં વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVCMC) વિસ્તારમાં ઝડપથી વધી રહેલી શ્વાનની વસ્તીને રોકી શકાઈ નથી. સ્થાનિકો માને છે કે સમસ્યા નિયંત્રણની બહાર થઈ ગઈ છે અને ડેટા પણ આ દાવાને સમર્થન આપે છે. ઑફિશ્યલ ડેટા મુજબ ૨૦૨૧થી શ્વાન કરડવાના ૧,૨૫,૮૪૧ કેસ નોંધાયા છે. એટલે કે દરરોજ સરેરાશ ૬૦થી વધુ ડૉગબાઇટના બનાવ બને છે. ફક્ત નાલાસોપારા-ઈસ્ટની મ્યુનિસિપલ હૉસ્પિટલમાં દર મહિને ૫૦૦થી વધુ શ્વાન કરડવાના કેસ નોંધાય છે.
આશરે ૨.૭૮ કરોડ રૂપિયા શ્વાનની નસબંધી માટે અને હડકવાવિરોધી રસીકરણ પાછળ ૬ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવા છતાં પાંચ વર્ષમાં ફક્ત ૧૭,૧૧૨ શ્વાનની નસબંધી થઈ છે. શ્વાન કરડવા બાબતે ૨૦૨૧માં નોંધાયેલા કેસની સંખ્યા ૧૧,૫૦૮થી વધીને ૨૦૨૪માં લગભગ ૩૬,૦૦૦એ પહોંચી હતી.
શું કહે છે સ્થાનિક લોકો?
નાલાસોપારામાં રહેતા રવિ શિંદેએ કહ્યું હતું કે ‘રાત્રે ૯ વાગ્યા પછી કૂતરાઓનાં ટોળાં બાઇકરોનો પીછો કરે છે અને રાહદારીઓ પર હુમલો કરે છે.’
વિરાર-વેસ્ટની ગ્લોબલ સિટીના રહેવાસી નારાયણ સિંહ રાજપૂતે કહ્યું હતું કે ‘બાળકો સ્કૂલમાં જતાં ડરે છે. ગયા અઠવાડિયે એક શ્વાન મારી પત્નીની પાછળ પડ્યો હતો. વારંવાર ફરિયાદો છતાં કોઈ તપાસ કરવા આવ્યું નથી.’
સ્થાનિકોએ શ્વાનની નસબંધીના ઑપરેશન પછીની સંભાળ અંગે પણ ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. શ્વાનને થોડા જ દિવસમાં છોડી મુકાતાં એમના સ્વાસ્થ્ય પર અસર પડતી હોવાનું અમુક પશુપ્રેમીઓએ જણાવ્યું હતું.
- મેઘા પરમાર