પ્લૅટફૉર્મ પર ક્યાં બેસવું?

29 November, 2012 08:57 AM IST  | 

પ્લૅટફૉર્મ પર ક્યાં બેસવું?



મુંબઈની પાડોશમાં આવેલા વસઈ-વિરાર અને મીરા-ભાઈંદર શહેરથી રોજના લાખો પ્રવાસીઓ ટ્રેનમાં મુંબઈ આવતા હોય છે, પરંતુ આ પ્રવાસીઓને રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ  પર ક્યાં બેસવું એ પ્રfન થાય છે. પ્લૅટફૉર્મ પર પ્રવાસીઓ ઊભા રહીને થાકી જતાં હોય છે, કેમ કે અહીંનાં રેલવે-સ્ટેશનો પર બેસવા માટે જગ્યા ન હોવાથી પ્રવાસીઓએ હેરાનગતિ વેઠવી પડે છે. એમાંય ખાસ કરીને સિનિયર સિટિઝન અને મહિલાઓએ તો ભારે મુશ્કેલી સહન કરવી પડે છે.

સૌથી મહત્વનાં ભાઈંદર અને વસઈ રેલવે-સ્ટેશનોએ પણ બેસવાની અપૂરતી જગ્યા હોવાથી પ્રવાસીઓએ હેરાનગતિ વેઠવી પડી રહી છે. ભાઈંદર અને વસઈ જેવાં સ્ટેશનો મોટાં રેલવે-જંક્શન જેવાં છે અને કેટલીય મેલ-એક્સપ્રેસ ટ્રેનો અહીં ઊભી રહે છે તેમ જ ભાઈંદર લોકલ અને વસઈ લોકલ ટ્રેનો પકડવા પ્રવાસીઓનો આખો દિવસ ધસારો જોવા મળે છે. આ સ્ટેશનોએ બેસવા માટે જગ્યાઓ અપૂરતી છે, પણ જ્યાં બેસવા જેવી જગ્યાઓ છે એ તૂટેલી-ફૂટેલી હોવાથી પ્રવાસીઓ ક્યાં બેસે એ વિચારતા હોય છે. વળી આવી તૂટેલી જગ્યાઓએ કચરો ફેંકવામાં આવે છે એથી પ્લૅટફૉર્મ પર ગંદકી પણ જોવા મળતી હોય છે.

આ વિશે ભાઈંદરમાં રહેતાં જ્યોતિકા શાહે મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને કહ્યું હતું કે ‘ભાઈંદર, વસઈ કે વિરાર રેલવે-સ્ટેશન પર કોઈ પણ સમયે જઈએ તો ભારે ભીડ જોવા મળે છે. પ્લૅટફૉર્મ પર બેસવાની જગ્યા ઓછી હોવાથી પ્રવાસીઓએ લાંબો સમય ઊભા રહેવું પડે છે. એમાં પણ જે બેસવાલાયક જગ્યાઓ છે એ પણ તૂટેલી છે. એને કારણે મહિલાઓ અને સિનિયર સિટિઝને લાંબો સમય ટ્રેનની રાહ જોતાં ઊભાં રહેવું પડતું હોવાથી પ્રવાસીઓએ ભારે હેરાન થવું પડે છે. એમાંય બાળકો લઈને જતી મહિલાઓના તો નાકે દમ આવી જાય છે. ટ્રેનમાં પ્રવાસ કરવાનો હોય એટલે સામાન હોય, બાળકો સાથે હોય અને બેસવા માટે જગ્યા ન હોય તો ભારે હેરાનગતિ વેઠવી પડે છે. રેલવે પ્રશાસન આવી બાબતે ક્યારે ધ્યાન આપશે એની પ્રવાસીઓ રાહ જોઈ રહ્યા છે. આ હેરાનગતિ એક કે બે પ્રવાસીઓને નહીં પણ ટ્રેનનો પ્રવાસ કરતા હજારો પ્રવાસીઓને આવી સમસ્યાથી હેરાનગતિ થઈ રહી છે, જેથી રેલવે પ્રશાસને એના તરફ વહેલી તકે કંઈક કરવું જોઈએ.’