વિરારથી વસઈ કોર્ટ સુધીની બસ-સર્વિસ ઓછી ખર્ચાળ

29 November, 2012 08:58 AM IST  | 

વિરારથી વસઈ કોર્ટ સુધીની બસ-સર્વિસ ઓછી ખર્ચાળ



વસઈ-વિરાર મહાપાલિકાની બસ-સર્વિસનો ૨૦૧૨ની ૩ ઑક્ટોબરે પ્રારંભ થયો હતો, પણ આ સર્વિસ પહેલાં ફક્ત વસઈ અને વિરારના વિસ્તારોમાં જ શરૂ થઈ હોવાથી નાલાસોપારાના રહેવાસીઓએ નિરાશા વ્યક્ત કરી હતી, પણ હવે એ પણ શરૂ થઈ જતાં નાલાસોપારાના રહેવાસીઓએ રાહત અનુભવી છે. એમાં વળી આ સર્વિસ મુખ્ય રસ્તાઓને જોડતી હોવાથી ખૂબ ઓછી ખર્ચાળ અને સમય બચાવે એવી સાબિત થઈ છે.

વસઈ-વિરાર મહાપાલિકાની બીજા તબક્કાની બસો હિન્દુ નવા વર્ષે શરૂ કરવામાં આવી હતી. વિરાર-નાલાસોપારા-વસઈ કોર્ટ આ બધા વિસ્તારને જોડતા મુખ્ય માર્ગ પર આ બસ-સર્વિસ શરૂ થતાં રહેવાસીઓને સારી એવી રાહત મળી રહી છે. આ બસ-સર્વિસ વિરાર-ઈસ્ટના ચંદનસારથી વસઈ કોર્ટ વચ્ચે રોજ સવારે ૬ વાગ્યાથી રાતે ૧૦.૪૫ વાગ્યા સુધી દોડશે. પહેલાં વિરારથી વસઈ કોર્ટ સુધી પ્રવાસ કરવો સરળ નહોતો પણ હવે એ ખૂબ સહેલું બની ગયું છે. પહેલાં વિરારથી વસઈ કોર્ટ પાસે જવા માટે કોઈ પણ વાહન ઉપલબ્ધ નહોતું એથી વિરારથી ટ્રેન પકડીને વસઈ સ્ટેશને ઊતર્યા પછી રિક્ષા કે ટૅક્સી કરવી પડતી હતી. હવે આ બસ-સર્વિસ શરૂ થતાં આ પ્રવાસ સરળ બન્યો છે.

૬૪ને બદલે ૪૦ રૂપિયા

વિરારથી વસઈ કોર્ટથી વસઈ સ્ટેશન જવા-આવવા માટે ૧૦ રૂપિયાની ટિકિટ અને ત્યાંથી આગળ રિક્ષામાં આવવા-જવા ૫૪ રૂપિયા મળી કુલ ૬૪ રૂપિયાનો ખર્ચ થતો હતો, પણ હવે બસ-સર્વિસ શરૂ થતાં વિરાર-ઈસ્ટ ચંદનસારથી વસઈ કોર્ટના પ્રવાસમાં ફક્ત ૪૦ રૂપિયા ખર્ચ થશે એથી આ પ્રવાસ નાગરિકોને ખાસ્સી બચત થશે.