29 July, 2025 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વસઈ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ-ટીમે તપાસ કરી હત્યારા દીકરા અને તેને મદદ કરનાર પિતાની ધરપકડ કરી.
વસઈ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે વસઈ ડીમાર્ટ સામેના પેરિયાર બિલ્ડિંગમાં રહેતી ૬૧ વર્ષની આર્શિયા મોહમ્મદ આમિર ખુસરો તેના ઘરમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ પામી હતી. તેનું પોસ્ટમૉર્ટમ કર્યા બાદ તેની અંતિમવિધિ કરીને તેને દફનાવી દેવાઈ હતી એથી તેમણે તપાસ શરૂ કરી હતી.
આ કેસ સંદર્ભે માહિતી આપતાં ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-ટૂ વસઈના સિનિયર પોલીસ-ઑફિસર સમીર આહિરરાવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આર્શિયાનું મૃત્યુ શંકાસ્પદ હતું એટલી માહિતી મળી હતી એટલે અમે ખાતરી કરતાં પહેલાં તપાસ શરૂ કરી હતી. અમે બિલ્ડિંગના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં જેમાં મહિલાની કામવાળી બાઈ બપોરે એક વાગ્યે ઘરેથી નીકળી હતી. એ પછી તેનો ૩૨ વર્ષનો સાવકો દીકરો ઇમરાન આવ્યો હતો અને થોડી વાર બાદ ઘરમાંથી નીકળતો દેખાયો હતો. ૪ વાગ્યે ફરી કામવાળી ઘરે આવી ત્યારે દરવાજો ન ખૂલતાં કામવાળી બાઈએ પાડોશી પાસેથી ચાવી લઈને દરવાજો ખોલીને અંદર ગઈ હતી. ત્યારે મહિલા ઘાયલ હાલતમાં પડેલી જોવા મળી હતી એથી તેના પતિ મોહમ્મદ આમિર ખુસરોને બોલાવ્યો હતો. તે આવીને આર્શિયાને ડૉક્ટર પાસે લઈ ગયો હતો. ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ત્યાર બાદ તેની દફનવિધિ કરવામાં આવી હતી.’
મરનાર આર્શિયાના સાવકા દીકરા પર શંકાની સોય જતી હતી એટલે તેની પૂછપરછ કરતાં તેણે ઉડાઉ જવાબ આપતાં તેના પરની શંકા ઘેરી બનતાં કરકડાકીથી પૂછવામાં આવ્યું ત્યારે તેણે કબૂલ કરી લીધું હતું કે તેણે જ તેની સાવકી માની હત્યા કરી હતી.
કેવી રીતે મારી સાવકા દીકરાએ?
સમીર આહિરરાવે કહ્યું હતું કે ‘ઇમરાનને ઑનલાઇન ગેમ રમવા માટે ૧.૮૦ લાખ જોઈતા હતા. એ લેવા માટે તે સાવકી મા પાસે આવ્યો હતો. તેણે ના પાડી દેતાં દીકરાએ તેની માનું માથું વૉશબેસિન પાસેની દીવાલના કૉર્નર પર જોરથી અફાળ્યું હતું. એ પછી તેના મોઢા પર લાતો ફટકારી હતી. ગંભીર રીતે ઘવાયેલી આર્શિયાનું મોત થયું હતું. એ પછી ઇમરાન ઘરના બેડરૂમમાંથી આર્શિયાની સોનાની બે બંગડી અને સોનાની એક ચેઇન ચોરી લઈને નાસી ગયો હતો. તેણે આ બાબતે પિતા સાથે વાત કરતાં પિતાએ તેને છાવરવા ઘરમાં જે લોહીના ડાઘા હતા એ લૂછી નાખ્યા હતા અને ઓળખાણવાળા એક ડૉક્ટર પાસે આર્શિયાને લઈ જઈને તેનું ડેથ-સર્ટિફિકેટ મેળવી લીધું હતું. ડેથ-સર્ટિફિકેટ આપનાર ડૉક્ટરે એવું નોંધ્યું હતું કે ઘરમાં પડી જતાં માથામાં માર વાગ્યો હતો જેમાં આર્શિયાનું મોત થયું છે. અમે એ ડૉક્ટરને પણ સહ-આરોપી બનાવ્યો છે. સાથે જ હત્યા કરનાર સાવકા દીકરા ઇમરાન અને હત્યાના પુરાવા નષ્ટ કરનાર તેના પિતા મોહમ્મદ આમિર ખુસરોની ધરપકડ કરી હતી.’