ઓત્તારી... આવી ચોરી?

13 August, 2025 07:24 AM IST  |  Mumbai | Mehul Jethva

વસઈના કચ્છી ભાનુશાલી સિનિયર સિટિઝનને બાથરૂમમાં પૂરીને બે કરોડ રૂપિયાના દાગીના તફડાવ્યા પુરુષવેશમાં આવેલી મહિલાએ : એટલું જ નહીં, નવસારીની આ લેડીએ જ્યાં હાથસફાઈ કરી એ તેની મોટી બહેનનું સાસરું છે

ઓધવ ભાનુશાલીના ઘરેથી દાગીના ચોરીને પુરુષનાં કપડાંમાં નીકળેલી જ્યોતિ ભાનુશાલી (ડાબે) રેલવે સ્ટેશન નજીક પહોંચી ત્યારે પોતાના મૂળ રૂપમાં હતી.

વસઈ-વેસ્ટમાં શાસ્ત્રીનગરમાં આવેલા કિશોરકુંજ બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતા ૬૦ વર્ષના ઓધવ ભાનુશાલીના ઘરે પુરુષનાં કપડાંમાં પ્રવેશી સોમવારે બપોરે બે કરોડ રૂપિયાના દાગીના લઈને નાસી જનારી ૨૭ વર્ષની જ્યોતિ ભાનુશાલીની મીરા-ભાઈંદર-વસઈ-વિરારની સેન્ટ્રલ યુનિટ ક્રાઇમ બ્રાન્ચે નવસારીથી ધરપકડ કરી હતી. નાંદેડથી આવ્યો છું એમ કચ્છી ભાષામાં કહીને પુરુષના વેશમાં એક યુવાન કચ્છી ભાનુશાલી પરિવારના ઘરે બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ પ્રવેશ્યો હતો. એ પછી વાતોમાં ભોળવીને ઓધવભાઈને બાથરૂમમાં બંધ કરીને તમામ દાગીના તફડાવીને તે નાસી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં વસઈ-વિરારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ફરિયાદ માણિકપુર પોલીસ-સ્ટેશનમાં નોંધાતાં સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી ગઈ હતી. જ્યોતિ ભાનુશાલી જે દાગીના ચોરી ગઈ એમાં દોઢ કિલો સોનું અને અઢી કિલો ચાંદી હતી.

સેન્ટ્રલ યુનિટ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેક્ટર અવિનાશ કુરાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે  ‘પ્રાથમિક માહિતીના આધારે અમે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ભેગાં કરીને વધુ તપાસ હાથ ધરી હતી. માહિતીના આધારે ઘટનાસ્થળ નજીકનાં CCTV કૅમેરા તપાસવામાં આવતાં એક શંકાસ્પદ યુવાન જોવા મળ્યો હતો. વધુ તપાસ કરતાં તે નાયગાંવ રેલવે-સ્ટેશન નજીક જોવા મળ્યો હતો જ્યાં તેણે ખોટી દાઢી અને કૅપ કાઢી હોવાનું જોવા મળ્યું હતું એટલું જ નહીં, તે યુવાન નહીં પણ યુવતી હોવાનું સામે આવ્યું હતું. તે યુવતીનો ફોટો સામે આવ્યા બાદ આગળ તપાસ કરતાં તે મહિલા ગુજરાત એક્સપ્રેસમાં ગુજરાત તરફ આગળ ગઈ હોવાનું સમજાતાં અમે તેની માહિતી મેળવી ત્યારે તે યુવતી ઓધવભાઈની મોટી વહુની સગી બહેન જ્યોતિ ભાનુશાલી હોવાનું જાણવા મળ્યું હતું. અંતે અમે નવસારીથી જ્યોતિની ધરપકડ કરીને તેની પાસેથી ચોરીના દાગીના જપ્ત કર્યા છે. આશરે બે મહિના પહેલાં જ્યોતિ તેની મોટી બહેનના ઘરે આવી હતી ત્યારે તેણે ઘરમાં દાગીના જોયા હતા. થોડા વખત પહેલાં જ્યોતિ શૅરમાર્કેટ-ટ્રેડિંગમાં ૩૦ લાખ રૂપિયા હારી ગઈ હોવાથી તેણે પોતાના ઘરના દાગીના ગિરવી મૂક્યા હતા જે તેણે છોડાવવા હતા. એ છોડાવવા માટે તેણે સોશ્યલ મીડિયા પર રીલ જોઈને ચોરીનો પ્લાન બનાવ્યો હતો. ચોરી માટે તેણે ખોટી દાઢી પણ ખરીદી હતી.’

ઘટના શું હતી?

માણિકપુર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કિશોરકુંજ બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતા ૬૦ વર્ષના ઓધવ ભાનુશાલીના ઘરે આશરે સાડાબાર વાગ્યાની આસપાસ એક પુરુષ આવ્યો હતો જેણે કચ્છી ભાષામાં નાંદેડથી આવ્યો હોવાની માહિતી આપતાં આપણો જ કચ્છી ભાઈ છે એમ સમજીને ઓધવભાઈએ તેને પોતાના ઘરમાં પ્રવેશવા દીધો હતો. અંદર જઈને ઓધવભાઈ તેને પાણી આપે એ પહેલાં તે યુવાને બાથરૂમ ક્યાં છે એવું પૂછતાં ઓધવભાઈએ તેને પોતાના ઘરનું બાથરૂમ દેખાડ્યું હતું. દરમ્યાન બાથરૂમ નજીક ઊભા રહીને તે યુવાને ઓધવભાઈને કહ્યું હતું કે અંદર બાથરૂમનો નળ તૂટેલો છે એટલે ઓધવભાઈ તેની સાથે અંદર બાથરૂમમાં જોવા ગયા હતા. એ સમયે આવેલા યુવાને ઓધવભાઈને જોરથી ધક્કો મારીને બાથરૂમમાં બંધ કરી દીધા હતા. ત્યાર બાદ ઘરના મેઇન હૉલમાં ટીવી-શોકેસ નીચે રાખેલી દાગીનાની બે બૅગ લઈને ૧૫ મિનિટમાં નાસી ગયો હતો. બાથરૂમમાં બંધ ઓધવભાઈએ પોતાના બાથરૂમની વિન્ડોના કાચ તોડીને ત્રીજા માળેથી મદદ માટે બૂમો પાડતાં નીચે જતા નાગરિકોએ ઉપર આવીને બાથરૂમનો દરવાજો ખોલીને ઓધવભાઈને બહાર કાઢ્યા હતા. આ ઘટના સમયે ઓધવભાઈ ઘરે એકલા હતા. તેમની બન્ને વહુઓ રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવા માટે ગઈ હતી. તેમના બન્ને પુત્રો કામ પર ગયા હતા. ચોરે માત્ર દાગીના પર જ હાથસફાઈ કરી હતી, બાકી કોઈ જગ્યાએ તેણે હાથ લગાડ્યો નહોતો.’

vasai crime news mumbai crime news mumbai crime branch crime branch mumbai police navsari mumbai mumbai news social media