વલ્લભબાગ લેન ૧૦૦ ટકા ફેરિયા ને સ્ટૉલમુક્ત નહીં બને ત્યાં સુધી આંદોલન યથાવત

12 December, 2012 07:29 AM IST  | 

વલ્લભબાગ લેન ૧૦૦ ટકા ફેરિયા ને સ્ટૉલમુક્ત નહીં બને ત્યાં સુધી આંદોલન યથાવત



ઘાટકોપર-ઈસ્ટની વલ્લભબાગ લેનમાં ફેરિયાઓ અને સ્ટૉલ્સવાળાથી ત્રાહિમામ્ પોકારી ગયેલા રહેવાસીઓ દશેરાના દિવસથી વલ્લભબાગ લેનને ફેરિયા અને સ્ટૉલમુક્ત કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. શનિવારે ૮ ડિસેમ્બરે પણ આ વિસ્તારની ૧૩ સોસાયટીનાં સિનિયર સિટિઝન્સ, મહિલાઓ અને યુવાનોએ રાતે ૯ વાગ્યાથી ૧૦.૩૦ વાગ્યા સુધી રસ્તા પર માનવસાંકળ રચીને અહીં આવેલા સ્ટૉલ્સ બંધ કરાવી રસ્તાને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવી હતી. જોકે સાડાદસ વાગ્યા પછી અહીંના સ્ટૉલ પાછા ખૂલી ગયા હતા. જ્યાં સુધી ફેરિયાઓ અને સ્ટૉલ્સ ૧૦૦ ટકા આ વિસ્તારમાંથી નહીં હટે ત્યાં સુધી સ્થાનિક રહેવાસીઓએ વલ્લભબાગ લેનને ફેરિયા અને સ્ટૉલથી મુક્તિ અપાવવાનું અભિયાન બંધ નહીં કરવાનો નિર્ધાર કર્યો છે.

ઘાટકોપર સિટિઝન ફોરમના બૅનર હેઠળ ચાલી રહેલા આ અભિયાનનું નેતૃત્વ સામાજિક કાર્યકર રાજા મીરાણી કરી રહ્યા છે. તેમણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ વિસ્તારમાંથી ફેરિયાઓ અને સ્ટૉલ્સવાળા ૧૦૦ ટકા હટશે નહીં ત્યાં સુધી અમારું અભિયાન ચાલુ રહેશે. ફૂટપાથ લોકોને ચાલવા માટે છે, નહીં કે ફેરિયાઓ અને સ્ટૉલ્સવાળાના ધંધા માટેની જગ્યા. સુધરાઈએ વષોર્ પહેલાં આ જગ્યા ટેમ્પરરી શિફ્ટિંગના નામે અહીંના સ્ટૉલ્સવાળાને આપી હોય તો અત્યારની વલ્લભબાગ લેનની ટ્રાફિકની સમસ્યાને નજરમાં રાખીને સુધરાઈએ આ સ્ટૉલ્સવાળાનાં લાઇસન્સ રદ કરવાં જોઈએ.’

આ વિસ્તારના રહેવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સુધરાઈના જે અધિકારીઓએ આ વિસ્તારની ફૂટપાથને વેચવાનો ધંધો કર્યો છે એના પર કમિશન નીમીને તેમને આકરામાં આકરી સજા કરવી જોઈએ જેથી મુંબઈના કોઈ વિસ્તારોમાં રહેવાસીઓના ભોગે સુધરાઈના અધિકારીઓ ફૂટપાથ અને રસ્તાઓ બાપીકી જાગીર સમજીને એને વેચવાનો ધંધો ન કરે. દશેરાના દિવસથી શરૂ થયેલા અમારા અભિયાનથી ફક્ત સુધરાઈની જ નહીં, રાજ્ય સરકારની આંખ પણ ખૂલવી જરૂરી છે. કાયદાનો દુરુપયોગ થતો હોય તો સરકારે મધ્યસ્થી બની એ કાયદામાં ફેરફાર કરી માનવતાની રૂએ પણ જ્યાં રહેવાસીઓને કનડગતરૂપ બનતા હોય અને તેમનું અસ્તિત્વ જોખમાતું હોય ત્યાંથી વહેલી તકે ફેરિયાઓ અને સ્ટૉલ્સને હટાવી લેવા જોઈએ.’

વર્ષોથી ફેરિયાઓ અને સ્ટૉલવાળાઓથી ત્રસ્ત થયેલા મહાવીર જ્યોત સોસાયટી અને ઓડિયન અપાર્ટમેન્ટ અને વલ્લભબાગ લેનની અન્ય સોસાયટીના રહેવાસીઓ દશેરાના દિવસથી  ફેરિયાઓ અને સ્ટૉલવાળાની સામે આંદોલન ચલાવી રહ્યા છે જેમાં મહદંશે તેમને સફળતા પ્રાપ્ત થઈ હતી, પણ ૨૮ નવેમ્બરના બુધવારે ફરીથી અમુક ફેરિયાઓ પરત ફરતાં આ વિસ્તારમાં પાછો ગરમાવો આવી ગયો હતો.

આ વિસ્તારના રહેવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે પટેલ જૂસ સેન્ટર અને અગ્રવાલ જૂસ સેન્ટર તેમ જ ફેરિયાઓને ૧૦૦ ટકા અમારા વિસ્તારમાંથી હટાવીશું નહીં ત્યાં સુધી જંપીને બેસીશું નહીં. અમને તો એ નથી સમજાતું કે સુધરાઈએ આ બન્ને સ્ટૉલ્સવાળાને ફૂટપાથ પર ધંધો કરવાનું લાઇસન્સ કયા આધાર પર આપ્યું છે. જ્યારે રાતના ૧૦ વાગ્યા પછી તહેવારોની ઉજવણી પર કોર્ટનો પ્રતિબંધ છે તો મોડી રાત સુધી રસ્તા પર ધંધો કરવાની પરવાનગી સુધરાઈએ કયા કાયદાની રૂએ આપી છે એની તપાસ થવી જોઈએ. શનિવારે રાતના આ સ્ટૉલ્સવાળાના વિરોધમાં અમે માનવસાંકળ રચીને આખા વિસ્તારમાંથી ટ્રાફિકની સમસ્યાને હળવી કરી હતી, પરંતુ કાયદાને ઘોળીને પી ગયેલા સ્ટૉલ્સવાળાઓએ સાડાદસ વાગ્યે જેવા અમે રસ્તા પરથી અમારી સોસાયટીમાં પાછા ફર્યા કે તરત જ તેમણે તેમના સ્ટૉલ્સ ખોલી નાખ્યા હતા.’

ઘાટકોપર-ઈસ્ટના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય પ્રકાશ મહેતા પર ફેરિયાઓ અને સ્ટૉલ્સ બેસાડવાનો આક્ષેપ કરતા આ આંદોલનમાં મહાવીર જ્યોત સોસાયટીનું નેતૃત્વ કરી રહેલા દિલીપ કેનિયાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ફેરિયાઓ અને સ્ટૉલ્સની સામેની અમારી ફરિયાદ એક-બે દિવસ કે એક-બે મહિનાની નથી, વષોર્ જૂની છે. એ માટે અમે પ્રકાશ મહેતાને અનેક વાર ફરિયાદો કરી છે એટલું જ નહીં, તેમની સાથે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મીટિંગો પણ કરી છે. પરંતુ તેમનું આ બાબતે પેટનું પાણી પણ હલતું નહોતું. જો પ્રકાશ મહેતા આના માટે જવાબદાર નથી તો તેઓ હજી સુધી અમારા આંદોલનને પ્રોત્સાહિત કરવા આગળ કેમ આવ્યા નથી? તેઓ જે રીતે અમારા આંદોલનથી દૂર ભાગી રહ્યા છે એનાથી જ શંકા ઊપજે છે કે તેઓ ફેરિયાઓ અને સ્ટૉલ્સ અહીં લાવવામાં સંડોવાયેલા છે.’ 

પ્રકાશ મહેતાએ આક્ષેપોને નકાર્યા


ફેરિયાઓ અને સ્ટૉલ્સ માટે પોતાને જવાબદાર ગણાવનાર રાજકારણીઓ અને સામાજિક કાર્યકરોને કાચના ઘરમાં રહીને બીજાના ઘરમાં પથ્થર નહીં ફેંકવાનું કહી સ્ટૉલ્સ ક્યાંથી અને કેવી રીતે આવ્યા એની છણાવટ કરતાં પ્રકાશ મહેતાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કોઈ જ રીતે આ માટે જવાબદાર નથી. બીજું, કોઈ પણ આંદોલન રાજકીય છે કે લોકહિતને માટે છે એ ખૂબ જ મહkવનું છે. મેં હંમેશાં જનહિતના આંદોલનનું પ્રતિનિધિત્વ કર્યું છે અને કરતો રહીશ. એ જ રીતે જનહિતનાં કાર્યો માટે હું હંમેશાં અગ્રણી રહ્યો છું અને રહીશ. મહાત્મા ગાંધી રોડ પર આવેલી સિંધુવાડી સામેના મિની બંગલાને નામે જાણીતા વિસ્તારમાં વષોર્ પહેલાં સાડી અને ગ્રિલનાં કારખાનાં સહિત અનેક વ્યવસાયી દુકાનો હતી જે ગેરકાયદે હતી. આમ છતાં એમ. જી. રોડને પહોળો કરતા સમયે આ બધાને વલ્લભબાગ લેન, તિલક રોડ, ઝુલેલાલ ચોક અને વલ્લભબાગ લેનમાં આવેલા કેસરવાલા ઉદ્યાનની બહાર શિફ્ટ કરવામાં આવ્યા હતા. એ સમયે ત્યાંના રહેવાસીઓએ એનો વિરોધ કર્યો હતો. ત્યારે સુધરાઈને સાથે રાખીને અમુક સામાજિક કાર્યકરો અને રાજનેતાઓએ ફૅક્ટરીવાળાની અને અન્ય દુકાનદારોની તરફેણ કરતાં બિચારા ગુજરાતીઓ ક્યાં જશે એવો મત વ્યક્ત કરી આ લોકોને બચાવી લીધા હતા. જે લોકોને બિચારા કહી શિફ્ટિંગ આપવામાં આવ્યું હતું તેઓ તેમના સ્ટૉલ્સની જગ્યાઓને મોટી રકમમાં વેચીને નીકળી ગયા હતા. આવાં શિફ્ટિંગ હંમેશાં ટેમ્પરરી જ હોય છે જેને સમય આવ્યે સુધરાઈ હટાવી શકે છે. ઘાટકોપરના વિકાસ સાથે આ વિસ્તારોમાં આ સ્ટૉલ્સ અને અન્ય ફેરીવાળાઓને કારણે ટ્રાફિક-સમસ્યા વધતી ગઈ. એને લીધે વિક્રાંત સર્કલ, વલ્લભબાગ લેન, તિલક રોડની સુધરાઈ સ્કૂલની બાજુમાં આવેલા સ્ટૉલ્સને હટાવવા હવે અનિવાર્ય છે. એ માટે સુધરાઈના ઇલેક્શન સમયે પણ હું સ્થાનિક રહેવાસીઓની પડખે હતો અને આજે પણ છું. તેમની ભાવનાઓને સમજીને આ વિસ્તારનાં બીજેપીનાં નગરસેવિકા ફાલ્ગુની દવે આ ઇશ્યુ પર સુધરાઈમાં લડી રહ્યાં છે. તિલક રોડ, વલ્લભબાગ લેન, ઝુલેલાલ ચોક, વિક્રાંત સર્કલ, કેસરવાલા ઉદ્યાનની બહારના સ્ટૉલ્સ હટાવવા માટે હું કટિબદ્ધ છું. બાકી હું છીછરું રાજકારણ રમતો નથી અને રમીશ નહીં એટલું જ નહીં, મેં ક્યારેય લોકોની વિરુદ્ધમાં જઈ સ્ટૉલ્સ કે ફેરીવાળાની તરફેણ કરી નથી અને કરીશ પણ નહીં.’