28 May, 2025 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૈષ્ણવીની પતિ શશાંક સાથેની લગ્ન સમયની તસવીર.
નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલસ્ટિ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અજિત પવારની પાર્ટીના પદાધિકારી રાજેન્દ્ર હગવણેની પુત્રવધૂ વૈષ્ણવીના મૃત્યુના હાઈ-પ્રોફાઇલ મામલામાં વૈષ્ણવીએ આત્મહત્યા નથી કરી પણ તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ૪૦,૦૦૦થી વધુ પોસ્ટમૉર્ટમનો અનુભવ ધરાવતા મુંબઈના જાણીતા ડૉ. રાજેશ ડેરેએ વૈષ્ણવીના પોર્સ્ટમૉર્ટમના રિપોર્ટને આધારે વૈષ્ણવીની હત્યા થઈ હોવાની શક્યતા વ્યક્ત કરી છે.
વૈષ્ણવી હગવણેના મૃતદેહના પોર્સ્ટમૉર્ટમના રિપોર્ટમાં જણાઈ આવ્યું છે કે વૈષ્ણવીના શરીર પર ૩૦ જખમ મળી આવ્યા છે. આમાંથી ૧૫ જખમ વૈષ્ણવીના મૃત્યુના ચોવીસ કલાક પહેલાંના છે. એક જખમ મૃત્યુના ચારથી છ દિવસ પહેલાંનો છે, ૧૧ જખમ મૃત્યુના પાંચ-છ દિવસ પહેલાંના અને બે જખમ ત્રણથી છ દિવસ પહેલાંના છે. ડૉ. રાજેશ ડેરેના કહેવા મુજબ આ રિપોર્ટ પરથી અંદાજ લગાવી શકાય છે કે વૈષ્ણવીએ આત્મહત્યા નથી કરી પણ તેની હત્યા કરવામાં આવી છે.