વાગડ વીસા ઓસવાળ સમાજની શીતલ નિસર બની થ્રી સ્ટાર ઇન્સ્પેક્ટર

05 September, 2020 07:31 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

વાગડ વીસા ઓસવાળ સમાજની શીતલ નિસર બની થ્રી સ્ટાર ઇન્સ્પેક્ટર

શીતલ નિસર

‘આસમાન કે સિતારોં ખ્વાબ હમ નહીં દેખતે, હમને તો ખુદ અપને કંધો પર સિતારોં કો ચમકાયા હૈ...’ આવા જ સ્ટ્રૉન્ગ વિચારો સાથે જૈન સમાજની પહેલી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શીતલ અમૃતલાલ નિસર (શાહ) ગુજરાત સરકારની ડાયરેક્ટ પોલીસ-ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરીને થ્રી સ્ટાર મેળવ્યા હોવાથી તે હવે પોલીસ-ઇન્સ્પેક્ટર બની ગઈ છે. જૈન સમાજમાં સૌપ્રથમ ડાયરેક્ટ સબ-ઇન્સ્પેક્ટર બનીને એક રીતે તેણે રેકૉર્ડ બનાવ્યો હતો અને હાલમાં પોતાનો જ રેકૉર્ડ તોડીને તે ડાયરેક્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર બની છે. પપ્પાનું સપનું પૂરું કરવા દિવસ-રાત એક કરીને છેલ્લાં આઠ વર્ષથી મહેનત કર્યા બાદ તે આ પદે પહોંચી છે.
વાગડ વીસા ઓસવાળ સમાજની પ્રથમ પોલીસ-ઇન્સ્પેક્ટર બનનાર ૩૪ વર્ષની શીતલ અમૃતલાલ નિસરે (શાહ) ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારા પપ્પા અમૃતલાલ ઉર્ફે ગાભુશેઠ હરખચંદ નિસર હંમેશાં કહેતા કે લોકોની જેટલી સેવા કરી શકાય એટલી કરવી. પપ્પાનું સપનું હતું કે તેઓ મને પીઆઇના પદે જુએ અને એ મેં આજે પૂરું કરી દેખાડ્યું છે. હાલમાં હું વડોદરાના ગોત્રી પોલીસ-સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવું છું અને પરીક્ષામાં પાસ થઈ હોવાથી આ પદ પરથી રાજીનામું આપીને પીઆઇના પદ માટે એક વર્ષની ટ્રેઇનિંગ લેવાની છું.’

આઠ વર્ષથી પોલીસ-ઇન્સ્પેક્ટરના પદ માટે મહેનત કરી રહી છું એમ કહેતાં શીતલ નિસર કહે છે કે ‘મારાં મમ્મી ધનુબહેન, બહેનો, ભાઈઓ અને સમાજના લોકો મારા પર ખૂબ ગર્વ અનુભવી રહ્યાં છે અને મને દરેક રીતે સપોર્ટ પણ કરે છે. તેમના સમર્થનથી હું અહીં સુધી પહોંચી છું અને આ પદ પર રહીને હું લોકોની સેવા કરીશ.’

અંધેરી રહેતા શીતલબહેનના નાના ભાઈ ભૂપિન નિસરે કહ્યું કે ‘જૈન સમાજની દીકરી એટલી આગળ આવે એ બધા માટે ગર્વની વાત છે. અમે બધા બહેન સાથે અડીખમ ઊભાં છીએ. પપ્પાનું અને અમારા બધાનું સપનું પૂરું કરવા તેમણે ખૂબ મહેનત કરી છે.’

mumbai mumbai news preeti khuman-thakur