વાગડ સમાજના પૈસાખાઉ મહારથીઓની હાથ-પગ જોડીને વિનંતી : ચળવળ બંધ કરો

05 November, 2014 03:31 AM IST  | 

વાગડ સમાજના પૈસાખાઉ મહારથીઓની હાથ-પગ જોડીને વિનંતી : ચળવળ બંધ કરો


પીડિત : પ્રકાશ નિશર



અંકિતા સરીપડિયા

જ્ઞાતિજનોના પૈસા દબાવીને બેઠેલા વાગડ સમાજના મહારથીઓએ રવિવારે પીડિત જ્ઞાતિજનો ભેગા થઈને બોરીવલીના વીર સાવરકર ગાર્ડનમાં તેમનો ઉલાળિયો બોલાવે એ પહેલાં જ સમાજના અન્ય અગ્રણીઓને અને પીડિતોને ફોન કરીને આ ચળવળ બંધ કરવા માટે વિનંતી કરી હતી.

સૌથી પહેલાં તેમણે આ બાબતમાં અગમચેતીના પગલારૂપે પીડિતોનું નેતૃત્વ કરી રહેલા પ્રકાશ નિશરને સેટલમેન્ટ માટે બોલાવી લીધા હતા, પણ પ્રકાશ નિશરના જેની પાસે પૈસા ફસાયેલા છે તે મહારથીએ સમયમર્યાદા બહુ જ લાંબી આપી હોવાથી તેઓ ટસના મસ થયા નહોતા. તેમણે તો જ્યાં સુધી બધા જ જ્ઞાતિજનોના પૈસા પાછા ન મળે ત્યાં સુધી ચળવળ ચાલુ રાખવાનું એલાન કર્યું હતું.

પૈસા ખાઈ ગયેલા આ મહારથીઓએ જ્ઞાતિના અન્ય અગ્રણીઓને ફોન કરીને આ ચળવળને રોકવાનો અનુરોધ કર્યો હતો. જે મહારથીઓ પોતે જ જ્ઞાતિજનોના પૈસા ડુબાડીને સમાજને કલંકિત કરી રહ્યા છે તેમણે ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે જેવી નીતિથી ચળવળકર્તાઓ તેમના વિરોધમાં મીડિયામાં સમાચાર આપીને અને મીટિંગ કરીને સમાજને કલંકિત કરી રહ્યા છે એવો આક્ષેપ કર્યો હતો. આના માટે તેમણે અમુક લોકો પાસે ‘મિડ-ડે’માં પણ ફોન કરાવ્યા હતા. 

આમ છતાં પીડિતોએ પાછીપાની કરી નહોતી. રવિવારે યોજાયેલી મીટિંગમાં ભેગા થયેલા ૨૫૦થી વધુ પીડિતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે જેમના પર અમે આંધળો વિશ્વાસ મૂકીને કોઈ પણ પ્રકારના લખાણ કે કાગળપત્રો વિના મામૂલી વ્યાજથી પૈસા ધીર્યા હતા તેઓ હવે પૈસા પાછા આપી નથી રહ્યા. તેમણે આ મીટિંગમાં નિર્ણય લીધો હતો કે તેઓ સમાજના નિયમોનું ઉલ્લંઘન કર્યા વગર શાંતિપૂર્વક ગાંધીગીરી કરીને તેમના પૈસા વસૂલ કરશે. આમાં તેમના પરિવારની મહિલાઓ સહિત બધા જ જોડાશે. આ મીટિંગમાં મહkવનો એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેઓ તેમના પૈસા ચાંઉ કરી ગયા છે એ મહારથીઓ જ્યાં-જ્યાં સામાજિક ફંક્શનોમાં જાય ત્યાં જઈને તેમનો વિરોધ કરવો અને તેમને સમાજની સમક્ષ ખુલ્લા પાડવા તથા તેમનો સામાજિક બહિષ્કાર કરવો. ગાંધીગીરીના ભાગરૂપે કેવું આંદોલન કરવું એનો નિર્ણય પીડિતો ટૂંક સમયમાં કરવાના છે.

બોરીવલીમાં રહેતા પ્રકાશ નિશરના નેતૃત્વ હેઠળ બોરીવલી (વેસ્ટ)ના વીર સાવરકર ઉદ્યાનમાં રવિવારે મળેલી મીટિંગમાં જેમના પૈસા ડૂબ્યા છે એમાંના અમુક પીડિતો ડરેલા અને ઉશ્કેરાયેલા જણાયા હતા. તેમના ડરનું કારણ એ હતું કે તેઓ જ્યારે ઉઘરાણી કરવા એ મહારથીઓ પાસે ગયા ત્યારે તેમને મહેનતની મૂડી કે એનું વ્યાજ મળવાને બદલે ધમકી અને મા-બહેનોની ગાળો સાંભળવા મળી હતી. જોકે ત્યાર પછી એક પીડિતે તેના કયા મહારથી પાસે કેટલા રૂપિયા ફસાયા છે એની માહિતી આપવાની શરૂઆત કરતાં વાતાવરણમાં ગરમાટો આવી ગયો હતો. પછી તો એક પછી એક પીડિતોએ પોતાની યાતના-વ્યથા સંભળાવવાની શરૂઆત કરી દીધી હતી. આ  મીટિંગમાં અમુક પીડિતોએ પોતાનાં નામ-નંબર પણ નોંધાવ્યાં હતાં જેથી ચળવળને જોર આપવા અવારનવાર ભેગા થઈ શકાય.

ઝુંબેશની શરૂઆત કરનાર પ્રકાશ નિશરે આ મીટિંગમાં પીડિતોને કહ્યું હતું કે ‘સમાજના દરેક પીડિતને મારો સંદેશ છે કે તમે ડરો નહીં. આપણી રકમ પચાવી પાડનારા મહારથીઓનો ગાંધીગીરીથી સામાજિક બહિષ્કાર કરો, જેથી આપણા પૈસાના આધારે કમ્ફર્ટેબલ અને લક્ઝુરિયસ લાઇફ જીવી રહેલા આવા મહારથીઓ આજે આપણા જેવા જ્ઞાતિજનોને કારણે જ આ હોદ્દા પર છે એનો તેમને અનુભવ થઈ શકે અને આપણી રકમ આપણને પાછી મળી શકે.’

સમાજના મહારથીઓ પર મને વિશ્વાસ નથી, મારા પૈસા મળી જાય પછી પણ મારી લડત ચાલુ રહેશે : પ્રકાશ નિશર

પ્રકાશ નિશરે રવિવારે સાંજે બોલાવેલી પીડિત જ્ઞાતિજનોની મીટિંગ પહેલાં જ સમાજના મહારથીઓએ તેમને મળવા બોલાવ્યા હતા અને એના પગલે એવી વાતો શરૂ થઈ હતી કે પ્રકાશભાઈ હવે આ ચળવળમાંથી ખસી જશે. જોકે તેમણે આ મુદ્દાઓનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ‘વૉટ્સઍપ અને ‘મિડ-ડે’માં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ સમાજના મહારથીઓએ રવિવારે બપોરે મને મારા ઓળખીતા મિત્રને ત્યાં બોલાવ્યો હતો અને પર્સનલ મીટિંગ રાખી હતી. એમાં તેમણે મને આ ચળવળ બંધ કરવા હાથ-પગ જોડીને વિનંતી કરી હતી. એ ઉપરાંત ૨૦૧૫ની ૩૧ માર્ચ સુધીમાં મારા પૈસાનો હિસાબ આપી દેવાની ખાતરી આપી હતી. એ વખતે મારા બે જાણીતા મિત્રોએ મહારથીઓની જવાબદારી સ્વીકારીને તેમ જ તેઓ મને મારા પૈસા અપાવી દેશે એવી ગૅરન્ટી આપીને આ લડત અટકાવવા કહ્યું હતું અને મને સમજાવાની કોશિશ કરી હતી, પણ મેં સાફ શબ્દોમાં ના પાડી દીધી હતી. જે મહારથીઓ ૪-૫ વર્ષથી મને ખોટાં આશ્વાસન આપી રહ્યા છે તેમના પર મને જરાય વિશ્વાસ નથી. એટલે હું આ લડત ચાલુ રાખીશ. જો આ લડત બાદ આ મહારથીઓ મને મારા પૈસા ચૂકવી દેશે તો પણ હું અન્ય પીડિતો માટે આ લડત ચાલુ રાખીશ અને તેમને માર્ગદર્શન આપતો રહીશ. છેલ્લે પીડિતોએ જ આગળ આવી ગટ્સ બતાવવી પડશે. આ ચળવળથી મારા જીવને જોખમ છે છતાં કોઈ પણ સંજોગોમાં હું આ લડતમાંથી પીછેહઠ નહીં કરું.’

પીડિતોની વ્યથા

બાબુભાઈ ઉર્ફે લાલજી ગાલા, મલાડ (આધોઈ) 

અમારા સમાજના અગ્રણીઓ અને તેમના પરિવારજનો અમારી આપેલી રકમમાંથી ખરીદેલી મોંઘી ગાડીઓમાં ફરે છે અને મોંઘી હોટેલોમાં જમવા જાય છે તથા મોંઘી ઘડિયાળો પહેરે છે. અમે રોજેરોજ કરકસર કરીને રૂપિયા ખરચીએ છીએ. મેં મલાડમાં રહેતા અને દુકાન ધરાવતા આધોઈ ગામના અગ્રણીને ચાર વર્ષ પહેલાં તેમના પર વિશ્વાસ રાખીને રૂપિયા આપ્યા હતા. તેઓ હવે મારા રૂપિયા આપવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે. હજી સુધી મને મારી મૂડી પાછી નથી મળી એથી પ્રકાશભાઈએ જે લડત શરૂ કરી છે એમાં અમે તેમને પૂરો સાથ-સહકાર આપીશું. મને આશા છે કે આ લડત બાદ મોડા તો મોડા, પણ દરેક જ્ઞાતિજનના પૈસા તેમને પાછા મળશે.

રમણીકલાલ ખુથિયા, અંધેરી (ભચાઉ)

મેં અને મારા ભાઈએ મોટી રકમ વિલે પાર્લે (ઈસ્ટ)માં રહેતા સમાજના એક અગ્રણીને ૭ વર્ષ પહેલાં વ્યાજરૂપે આપી હતી. અનેક વાર જરૂરિયાત વખતે પૈસાની માગણી કરી હોવા છતાં અમને હજી સુધી એક રૂપિયો નથી મળ્યો. આવતા મહિને તમારા રૂપિયા આપી દઈશ એવાં ખોટાં આશ્વાસન જ અમને મળી રહ્યાં છે. એ અગ્રણી પાસે માગણી કરી હોવા છતાં રૂપિયા ન મળતાં અમે વારંવાર તેમનો સંપર્ક કરવાની કોશિશ કરીએ છીએ, પણ તેઓ પોતાનો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ કરી દે છે. મને આશા છે કે આ લડતમાં અમારી એકતા હોવાથી અમને દરેકને અમારી રકમ પાછી મળશે.

દિલીપ કારિયા, જોગેશ્વરી (ભચાઉ)

મેં આધોઈ ગામના અગ્રણી તેમ જ બિલ્ડરને રૂપિયા આપ્યા હતા અને તેમણે એ પાછા ન આપતાં મેં પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાન પેલા અગ્રણીએ મારી મા-બહેન વખાણી કાઢી હતી અને મને મારવા માટે ગુંડા મોકલાવ્યા હતા. જોકે પોલીસ-ફરિયાદ બાદ મને ૮૦ ટકા જેટલી રકમ પાછી મળી ગઈ છે. બાકીની ૨૦ ટકા પણ વહેલી તકે આપી દેવાનું તેમણે કહ્યું છે.

જખુભાઈ ગોગરી, દહિસર (હલરા-ભચાઉ)

ધીરેલાં નાણાં ચાંઉ કરી જનારાં આવાં મોટાં માથાં સામે મારો સખત વિરોધ છે. તેઓ તનના ઊજળા અને મનના કાળા છે. જ્ઞાતિજનોએ આવા લોકોનો બહિષ્કાર કરવો જોઈએ. જ્ઞાતિજનોને મારો સંદેશ છે કે સમાજના આવા બેમોઢાળા, ખોટું બોલનારા અને ખોટાં આશ્વાસનો આપનારા માણસોથી ચેતીને રહેવું. વાગડ સમાજ કચ્છનો બીજો વિભાગ છે અને પોતાનો સમાજ આગળ વધે એ માટે એકમેકને અમે સહકાર આપીએ છીએ, પરંતુ મુંબઈની આ પેઢીના લોકો પર અમે વિશ્વાસ રાખ્યો જેમનો તેમણે ગેરલાભ લીધો. અમારા રક્ષક જ આજે અમારા ભક્ષક બન્યા છે. અગ્રણીઓએ ઘરે બોલાવીને પીડિતોને તેમની રકમ પાછી આપી દેવી જોઈએ. આવા બેમોઢાળા માણસો સમાજના કોઈ પણ પ્રસંગોએ મંચ પર ન દેખાવા જોઈએ.