ચાઇલ્ડ રાઇટ્સ કમિશનના સાણસામાં વાગડ ગુરુકુળ

06 December, 2014 05:04 AM IST  | 

ચાઇલ્ડ રાઇટ્સ કમિશનના સાણસામાં વાગડ ગુરુકુળ


શ્રેયા ભંડારી

વિરારની વાગડ ગુરુકુળ ઇન્ટરનૅશનલ સ્કૂલની પાછળના ભાગમાં આવેલી નદીમાંથી આ સ્કૂલના ત્રણ સ્ટુડન્ટ્સના મૃતદેહો મળી આવ્યાની ઘટનાના ત્રણ મહિના વીતી ગયા બાદ હવે મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સે સ્કૂલ પાસેથી કેટલીક સ્પષ્ટતા માગી છે. ગઈ કાલે થયેલી સુનાવણીમાં પોલીસ તરફથી કોઈ હાજર નહોતું, પરંતુ સ્કૂલના પ્રતિનિધિઓએ કહ્યું હતું કે આ કમનસીબ ઘટના સુસાઇડની નહીં, પણ ઍક્સિડન્ટ કે આકસ્મિક મૃત્યુની હતી.

વાગડ ગુરુકુળના ત્રણ સ્ટુડન્ટ્સ પ્રાહુલ પટેલ, મીત છાડવા અને કુશલ ડાઘા હૉસ્ટેલની પોતાની રૂમમાંથી ૨૫ ઑગસ્ટે રાત્રે આઠ વાગ્યાથી ગાયબ થઈ ગયા હતા. ત્યાર બાદ બહાર આવ્યું હતું કે હકીકતમાં નવ સ્ટુડન્ટ્સ સ્કૂલના પરિસરમાંથી નાસી છૂટuા હતા, પરંતુ લગભગ ૩૬ કલાક બાદ આમાંથી પ્રાહુલ, મીત અને કુશલના મૃતદેહ સ્કૂલના પાછળના ભાગમાં આવેલી સુખ નદીમાં તરતા જોવા મળ્યા હતા. આ ઘટના બહાર આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો અને પોલીસે સ્ટુડન્ટ્સને સુસાઇડ માટે ઉશ્કેરવા અને સ્ટુડન્ટ્સને આકરી પનિશમેન્ટ કરવાના કેસમાં સ્કૂલના બે ટીચર્સ અને અન્ય બે મળીને કુલ ચાર આરોપીની ધરપકડ કરી હતી. જોકે કેસની તપાસ આગળ વધ્યા બાદ પોલીસે આ કેસમાં આરોપીઓ વિરુદ્ધના સુસાઇડ માટે ઉશ્કેરણી બાબતના આરોપો પડતા મૂક્યા હતા અને આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા.

ગુરુકુળના ડિરેક્ટર શું કહે છે?

સ્કૂલનાં ડિરેક્ટર નીલિમા શર્માએ આ ઘટના વિશે જણાવ્યું હતું કે ‘જે નવ સ્ટુડન્ટ્સ નાસી ગયા હતા તેમાંથી ત્રણનાં મોત થયા બાદ બાકીના છ સ્ટુડન્ટ્સ સાથે અમે વાતચીત કરી હતી. બધાએ એમ કહ્યું હતું કે તેમણે એ દિવસે વરસાદમાં પલળવાનો આનંદ લેવાની યોજના બનાવી હતી. સ્કૂલમાં કે હૉસ્ટેલમાં કોઈ સ્ટુડન્ટને માનસિક કે શારીરિક ત્રાસ આપવાની વાતો હકીકતોથી વેગળી છે.’નીલિમા શર્માએ એમ પણ જણાવ્યું હતું કે ‘એ સમયે સ્કૂલની કમ્પાઉન્ડ-વૉલ ફરીથી બાંધવાનું કામ ચાલી રહ્યું હતું અને કેટલાંક બૅરિકેડ્સ મૂકેલાં હતાં એ ગાયબ થઈ ગયાં હતાં. આ નવ સ્ટુડન્ટ્સ આવી આડસો તોડીને બહાર નીકળી ગયા હતા. મૃત્યુ પામેલા ત્રણ સ્ટુડન્ટ્સ ક્યારેય માનસિક તણાવમાં હતા એવું કોઈ સ્ટુડન્ટ કે ટીચરે કહ્યું પણ નહોતું.’

સ્કૂલે જવાબ આપવો પડશે

આ ચોંકાવનારી ઘટનાના ત્રણ મહિના બાદ હવે ચાઇલ્ડ રાઇટ્સ કમિશને આ સમગ્ર પ્રકરણમાં કેટલીક શંકા વ્યક્ત કરીને ગુરુકુળની ઑથોરિટી પાસે જવાબ માગ્યો છે. કમિશનના સેક્રેટરી એ. એન. ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘આ સ્ટુડન્ટ્સ માનસિક તાણમાં હોવા જોઈએ અથવા તો કોઈક વાતથી નારાજ હોવા જોઈએ. એથી જ તો તેઓ કોઈને કહ્યા વગર જ ગુરુકુળ છોડીને નાસી ગયા હશે. આ સમગ્ર પ્રકરણ શંકાસ્પદ તો છે જ. એથી આ કેસમાં સ્કૂલના સત્તાવાળાઓની ભૂમિકા મોટી રહેશે. કોઈ પેરન્ટ્સ પોતાનાં સંતાનોને સ્કૂલમાં ઍડ્મિટ કરે પછી સ્ટુડન્ટ્સની સેફ્ટીની જવાબદારી સ્કૂલના સત્તાવાળાઓની રહે છે. આ સ્કૂલ આવી ગંભીર જવાબદારીમાંથી છટકી ન શકે.’કમિશને હવે પછીની સુનાવણીમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને કેટલાક ટીચર્સને બોલાવ્યા છે અને ભારપૂર્વક કહ્યું હતું કે કારણ વગર કોઈ સ્ટુડન્ટ્સ સ્કૂલમાંથી ભાગી જાય એ અશક્ય છે.

કમનસીબ પેરન્ટ્સ શું કહે છે?

મૃત્યુ પામનાર સ્ટુડન્ટ્સના પેરન્ટ્સે આરોપ કર્યો હતો કે પોલીસ આ કેસને સાવ હળવાશથી લઈ રહી છે અને ભીનું સંકેલી લેવાના પ્રયાસમાં હોવાની શંકા પણ દર્શાવી હતી. મીતના પપ્પા સુરેશ છાડવાએ કહ્યું હતું કે ‘ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે આ બાળકોએ સુસાઇડ કર્યું હતું અને ઑટૉપ્સી રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે તેમનાં શરીર પર ઈજાનાં નિશાન હતાં. નદીમાં માંડ ત્રણ ફૂટ પાણી હોવાથી બાળકો ડૂબી જવાની શક્યતા પણ નહીંવત્ છે. સ્કૂલ હાથ ઊંચા કરીને છટકી જાય એ ખેદજનક છે. તાજેતરમાં આ કેસમાં અમે વિરાર પોલીસની અક્ષમતા વિરુદ્ધ હાઈ ર્કોટમાં રિટ પિટિશન ફાઇલ કરી હતી. જ્યાં સુધી આ બાળકોનાં મોત માટે જવાબદાર દોષીઓ નહીં મળે અને સત્ય બહાર નહીં આવે ત્યાં સુધી અમે જંપીશું નહીં.’