વી. પી. રોડના બિલ્ડિંગના રહેવાસીઓને હાશકારો

11 October, 2012 08:13 AM IST  | 

વી. પી. રોડના બિલ્ડિંગના રહેવાસીઓને હાશકારો



દક્ષિણ મુંબઈના વી. પી. રોડ પર આવેલા ન્યુ અમૃતબાગની રૂમ-નંબર ૧૭૯માં રહેતાં મહારાષ્ટ્રિયન સિનિયર સિટિઝન સરલા વાસુદેવની હત્યાના ગુનેગારને વી. પી. રોડ પોલીસે પકડી પાડતાં ન્યુ અમૃતબાગના રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. ન્યુ અમૃતબાગમાં ગુજરાતીઓ વધારે રહે છે. ૨૬ સપ્ટેમ્બરના ગણેશોત્સવ દરમ્યાન મકાનના પહેલે માળે દાદરા પાસેની રૂમમાં રહેતાં સરલાબહેનની હત્યા થયા પછી પોલીસે પૂછપરછ માટે મકાનમાં કામ કરતા ઘરનોકરો, દૂધવાળાઓ, કુરિયરવાળાઓ અને અન્યોને તાબામાં લેતાં અને સમય-કસમયે મકાનમાં આવીને મકાનના રહેવાસીઓની કડક પૂછપરછ કરતાં ન્યુ અમૃતબાગના રહેવાસીઓમાં ફફડાટની લાગણી ફેલાઈ હતી, પરંતુ ૫ ઑક્ટોબરે સરલાબહેનના ભાણેજ ૪૦ વર્ષના મયૂરેશ સુરેશ રેડકરની પોલીસે ધરપકડ કરતાં આ બિલ્ડિંગના રહેવાસીઓએ શાંતિની લાગણી અનુભવી હતી.

સરલા વાસુદેવના ભાણેજ મયૂરેશે તેમની પાસેથી ત્રણ લાખ રૂપિયા ઉધાર લીધા હતા. નાની ઉંમરમાં સાઉથ ઇન્ડિયન સાથે લગ્ન કરીને થોડા જ સમયમાં છૂટાછેડા લેનારાં સરલાબહેન તેમનું ઘર નોકરીમાંથી મળતા પેન્શન પર ચલાવતાં હતાં. એમાં પણ તેમને આડોશપાડોશમાંથી પેન્શન આવે ત્યાં સુધી ઉધાર પૈસા લેવાની જરૂર પડતી હતી એટલે તેઓ મયૂરેશ પાસે તેને આપેલા ત્રણ લાખ રૂપિયાની અવારનવાર ઉઘરાણી કરતાં હતાં જે બેકાર મયૂરેશથી સહન થતી નહોતી. આથી ૨૬ સપ્ટેમ્બરે દારૂના નશામાં આવીને સરલાબહેન સાથે વાદવિવાદ થયા બાદ તેમની ઠંડે કલજે હત્યા કરી હતી.

વી. પી. રોડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર ચવાણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સરલા વાસુદેવના નોકરચાકર અને સગાંસંબંધીઓની આકરી પૂછપરછ દરમ્યાન અમને મયૂરેશ પર શંકા ગઈ હતી. મયૂરેશની પત્ની તેને છોડીને જતી રહી છે તેમ જ તે બેકાર છે. સરલાબહેનના મૃત્યુ પછી તેમની ન્યુ અમૃતબાગની રૂમ તેને મળવાની હતી. આ બધા સંજોગો જોઈને અમે મયૂરેશની વધુ પૂછપરછ કરતાં તેણે તેનો ગુનો કબૂલી લીધો હતો. ૧૫ ઑક્ટોબર સુધી મયૂરેશને પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.’

મયૂરેશની ધરપકડ પછી સ્થાનિક રહેવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે પોલીસ સાથે નહીં પણ મિડ-ડે LOCAL સાથે સહભાગી થતાં સ્પષ્ટ કર્યું હતું કે પોલીસે પાડોશીઓને અને નોકરચાકરોને હેરાન કરવાને બદલે સરલા વાસુદેવનાં સગાંસંબંધીઓની પૂછપરછ કરવાની જરૂર છે. મયૂરેશની ધરપકડથી અમારી શંકા સાચી ઠરી છે. પોલીસે સરલાબહેનની હત્યા પછી અમારા બિલ્ડિંગમાં ફફડાટ ફેલાવી દીધો હતો, પણ હવે અમારુંં જીવન શાંતિમય બની ગયું છે. આમ છતાં બિલ્ડિંગમાં રહેતા સિનિયર સિટિઝન્સ હજી પોલીસસુરક્ષા ઇચ્છે છે.’