એક જ ફ્લૅટ બે જણને પધરાવનારા બિઝનેસમૅનની ધરપકડ

19 October, 2014 04:59 AM IST  | 

એક જ ફ્લૅટ બે જણને પધરાવનારા બિઝનેસમૅનની ધરપકડ



બિઝનેસમાં ખોટ જતાં એકથી વધુ લોકોને એક જ ફ્લૅટ વેચવાના આરોપસર ૩૪ વર્ષના બિઝનેસમૅન અને એક એસ્ટેટ એજન્ટની કાંદિવલી પોલીસે ચીટિંગના કેસમાં ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે આરોપી પાસેથી વિવાદાસ્પદ ફ્લૅટનાં ડુપ્લિકેટ પેપર્સ અને સ્ટૅમ્પ-પેપર્સ પણ જપ્ત કર્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીએ પોતાના ફ્લૅટનાં પેપર્સ ગાયબ થયાં હોવાની પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

આરોપી ઉત્તમ જૈન ઇમિટેશન જ્વેલરીનો બિઝનેસ કરે છે અને કાંદિવલી (વેસ્ટ)માં સ્વામી વિવેકાનંદ રોડ પર જ્યોતિ આર્ક બિલ્ડિંગમાં રહે છે. આ કેસમાં પોલીસે આરોપીના ફ્લૅટના એકથી વધુ સોદામાં મદદ કરનારા એસ્ટેટ એજન્ટ ઉમાકાંત ગુપ્તાની પણ ધરપકડ કરી છે. ઉત્તમ જૈનના ફ્લૅટના ચક્કરમાં ફસાયેલો વિશાલ નાગરિયા કાંદિવલીમાં રહે છે અને પ્રિન્ટિંગ પ્રેસનો વ્યવસાય ધરાવે છે, જ્યારે અન્ય એક વેપારીએ પણ ઉત્તમ સામે આવી જ ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીએ બન્ને સાથે ફ્લૅટનો સોદો ૭૧ લાખ રૂપિયામાં કર્યો હતો. જોકે બીજો બિઝનેસમૅન હાલમાં વિદેશમાં હોવાથી પોલીસમાં તેનું બયાન રેકૉર્ડ થવાનું બાકી છે.

આ કેસ વિશે માહિતી આપતાં પોલીસે કહ્યું હતું કે ‘છ-એક મહિના અગાઉ ઉત્તમે તેના ધંધામાં એકાદ કરોડ રૂપિયાની ખોટ કરી હતી. ત્યાર બાદ તેણે ફ્લૅટનાં પેપર્સ મૉર્ગેજ મૂકીને ગોરેગામની મોગાવીરા બૅન્કમાંથી ૧૫ લાખ રૂપિયાની લોન લીધી હતી. જોકે લોન ભરપાઈ કરવામાં તે નિષ્ફળ જતાં આ બૅન્કે તેના ફ્લૅટનાં પેપર્સ જપ્ત કર્યા હોવાથી તે લોન ભરપાઈ ન કરે ત્યાં સુધી કોઈને ફ્લૅટ વેચી શકે એમ નથી. ત્રણ મહિના પહેલાં ઉત્તમે ૭૧ લાખ રૂપિયામાં આ ફ્લૅટનો સોદો વિશાલ નાગરિયા સાથે કર્યો હતો, પરંતુ ફ્લૅટ વિશાલના નામે રજિસ્ટર થયો નહોતો. આ સોદાની ૩૧ લાખ કૅશ અને ૩૯ લાખ રૂપિયાના ચેક આરોપીએ અંકે કરી લીધાં હતાં અને ફ્લૅટનાં પેપર્સ ગાયબ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેથી તેને ડુપ્લિકેટ પેપર્સ મળી શકે.’

ડુપ્લિકેટ પેપર્સ હાથમાં આવ્યા બાદ તેણે વિશાલને એ આપ્યાં હતાં, પરંતુ સોસાયટી તેનાં કારસ્તાન જાણતી હોવાથી નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કરી દીધો હતો. ઉત્તમે સોસાયટીના નોટિસ બોર્ડ પર લગાવેલા સોસાયટીના લેડરહેડનો ફોટો પાડીને એના પરથી ડુપ્લિકેટ લેટરહેડ છપાવ્યા હતા અને જરૂરી કાગળો વિશાલને આપી દીધા હતા.

રેવન્યુ ડિપાર્ટમેન્ટે પણ ફ્લૅટના ટ્રાન્સફરનો ઇનકાર કરી દીધો હતો. આખરે વિશાલે કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં ઉત્તમ વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ નોંધાવી હતી.