ગોવામાં ગમે એટલી નોટ વાપરો, તમારી નોટ સામે અમે લડીશું

13 January, 2022 10:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગામી ગોવા વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કરેલા નિવેદનનો ગઈ કાલે શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે સણસણતો જવાબ આપ્યો હતો.

સંજય રાઉત (ફાઈલ ફોટો)

મુંબઈ : આગામી ગોવા વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કરેલા નિવેદનનો ગઈ કાલે શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે સણસણતો જવાબ આપ્યો હતો. સંજય રાઉતે ગોવાની સાથે ઉત્તર પ્રદેશમાં પણ શિવસેના વિધાનસભાની ચૂંટણી લડશે એની સત્તાવાર જાહેરાત કરી હતી. બીજેપી નોટોના જોરે સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહી છે તો અમે એ નોટો સામે લડીશું, એમ સંજય રાઉતે કહ્યું હતું.
સંજય રાઉતે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રની જેમ ગોવામાં પણ અમે જનમતને વેચાવા નહીં દઈએ એમ દેવેન્દ્ર ફડણવીસ બોલ્યા છે. તેઓ મહારાષ્ટ્રમાંથી ગોવા ગયા. તેઓ જેમને ત્યાં ગયા હતા તેમણે બીજેપીનો ત્યાગ કર્યો. ગોવાના એક પ્રધાને પણ પક્ષમાંથી રાજીનામું આપ્યું. શિવસેનાએ નોટાથી થોડા વધુ મત મેળવવાના પ્રયાસ કરવા પડશે એવા તેમના નિવેદનનો જવાબ એ છે કે ગોવાની ચૂંટણીના પ્રચારમાં બીજેપીના લોકો જે રીતે નોટોનો વરસાદ વરસાવી રહ્યા છે, ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી જે નોટોની બૅગ જઈ રહી છે એ નોટો સામે શિવસેના જરૂર લડશે. ગોવાની જનતાને કહેવાનો પ્રયાસ કરીશું કે નોટોના દબાણ નીચે ન આવતા. દેવેન્દ્ર ફડણવીસને મારું વચન છે કે તમે ગમે તેટલી નોટો વાપરો, તમારી નોટો સાથે અમે લડીશું.’
ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે ગોવા વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાને નોટાથી થોડા વધુ મત મેળવવાનો પ્રયાસ કરવો પડશે. તેમના આ નિવેદનથી શિવસેના સમસમી ગઈ છે અને સંજય રાઉતે તેમને નોટાની સામે નોટ સામે લડવાનો જવાબ આપ્યો હતો.

mumbai mumbai news sanjay raut