ઘાટકોપર હત્યા કેસ : મિડિયામાં પ્રસિદ્ધ થયેલો આ સ્કેચ કોનો છે?

10 September, 2012 06:00 AM IST  | 

ઘાટકોપર હત્યા કેસ : મિડિયામાં પ્રસિદ્ધ થયેલો આ સ્કેચ કોનો છે?



ઘાટકોપર (ઈસ્ટ)ના ગારોડિયાનગરના શ્રીકૃષ્ણ આશિષ બિલ્ડિંગમાં રહેતી સિનિયર સિટિઝન મહિલા દક્ષા દફ્તરીની હત્યામાં સંડોવાયેલી ૪૦ વર્ષની મહિલા અનીતા શિંદેને શોધવા માટે શુક્રવારે રાતથી મહેનત કરી રહેલી પોલીસને હજી સુધી કોઈ જ સફળતા નથી મળી.

દક્ષા દફ્તરીની શુક્રવારે બપોરે બારથી બે વાગ્યાની વચ્ચેના સમયમાં તેના ઘરે આવતી માલિશવાળી બાઈ અનીતા શિંદેએ લૂંટના ઇરાદે હત્યા કરી હતી. આની જાણ દક્ષાબહેનના કુટુંબીજનોને છેક સાંજે સાત વાગ્યે દક્ષાબહેનના હસબન્ડ ફૅક્ટરીએથી ઘરે આવ્યા ત્યારે થઈ હતી, પરંતુ તેમની પાસે અનીતાની કોઈ જ વિગતો અને તેના દેખાવનું વર્ણન ન હોવાથી તેઓ પોલીસને મદદ કરવામાં અસમર્થ રહ્યા હતા.

બીજી બાજુ ગઈ કાલે સવારે મુંબઈનાં અખબારોમાં બહાર પાડવામાં આવેલો અનીતા શિંદેનો સ્કેચને પંતનગર પોલીસ-સ્ટેશન કે ઝોન-૭ના ક્રાઇમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યા નથી. એટલું નહીં, હત્યા થઈ એ દિવસથી દક્ષા દફ્તરીના કુટુંબીજનોને દક્ષાબહેનને માલિશ કરવા આવતી બાઈ કેવી હતી અને ક્યાં રહેતી હતી એની જાણ ન હોવાની વાત તેમણે પોલીસ પાસે કરી દીધી છે. આ જ કારણે પોલીસને હજી સુધી દક્ષાબહેનની હત્યામાં સંડોવાયેલી અનીતા નામની બાઈના કોઈ સગડ મળતા નથી. તેને શોધવા પોલીસ શુક્રવાર રાતથી ઘાટકોપરના ગારોડિયાનગરની આસપાસના સ્લમવિસ્તારોમાં સતત કૉમ્બિંગ કરી રહી છે, પરંતુ તેમને કંઈ નથી મળ્યું.

વન મોર મર્ડર ઇન ઘાટકોપર

શનિવાર રાતથી ફરી રહ્યો છે આવો SMS : જોકે પોલીસે એને ફક્ત એક અફવા ગણાવી

ઘાટકોપરમાં શનિવાર રાતથી ફરી રહેલો SMS અફવા છે. SMS કરનારે એમાં લખ્યું છે કે ‘વન મોર મર્ડર ઇન ઘાટકોપર. ઘાટકોપર (ઈસ્ટ)ના આર. બી. મહેતા માર્ગ (સિક્સ્ટી ફીટ રોડ) પર આવેલા મોરારબાગ બિલ્ડિંગમાં ૬૪ વર્ષના એક સિનિયર સિટિઝનની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે. ઘાટકોપર બી સેફ.’

પાંચ મહિનામાં બે જૈન મહિલાઓની ઘાટકોપરમાં હત્યા થવાથી લોકોમાં ગભરાટનું વાતાવરણ ફેલાયું છે. એમાં શનિવારે રાતે કોઈ માણસે ઘાટકોપરના અનેક લોકોને મોકલેલા આ SMSને કારણે એ દિવસે રાતના બે વાગ્યા સુધી ‘મિડ-ડે’નો ફોન રણકતો રહ્યો હતો. આ SMSની વાસ્તવિકતા જાણવા પંતનગર પોલીસ-સ્ટેશનમાં તપાસ કરતાં આ SMS અફવા હોવાની જાણ થઈ હતી. હજી આ બાબત લોકો સમજી શકે એ પહેલાં રવિવારે સાંજે ઘાટકોપર (ઈસ્ટ)ના આર ઑડિયન મૉલ પાસે કોઈની હત્યાની અફવા ફેલાઈ હતી.

૭ મેએ ઘાટકોપરના બિલ્ડર જયંત અજમેરાનાં ૫૧ વર્ષનાં પત્ની ચેતના અજમેરાની અને ૭ સપ્ટેમ્બરે ડેરી ઇક્વિપમેન્ટ્સ બનાવતા સતીશ દફ્તરીનાં ૬૨ વર્ષનાં પત્ની દક્ષા દફ્તરીની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હતી. ચેતના અજમેરાની હત્યા તેમના ઘરેથી નોકરી છોડી ચૂકેલા ૨૪ વર્ષના રસોઇયા અશોક મહારાજે અને દક્ષા દફ્તરીની હત્યા તેમના ઘરે માલિશ કરવા આવતી ૪૦ વર્ષની અનીતાએ કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, પરંતુ બન્નેમાંથી હજી સુધી કોઈની ધરપકડ નથી થઈ.

પંતનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ નર્મિલે SMS વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ SMSની કોઈ માહિતી કે ફરિયાદ અમને નથી મળી. આમ છતાં હું આ બાબતે વધુ તપાસ કરીશ.’

આર. બી. = રતિલાલ બેચરદાસ

SMS = શૉર્ટ મેસેજિસ સર્વિસ