મંત્રાલયના મેકઓવર માટે ખર્ચાશે ૧૩૮ કરોડ રૂપિયા

23 November, 2012 05:16 AM IST  | 

મંત્રાલયના મેકઓવર માટે ખર્ચાશે ૧૩૮ કરોડ રૂપિયા



પાંચ મહિના પહેલાં મંત્રાલયમાં લાગેલી આગમાં એના ત્રણ માળ ભસ્મીભૂત થઈ ગયા હતા અને હવે ટૂંક સમયમાં એના રિપેરિંગ તથા રિનોવેશનનું કામ શરૂ થઈ જશે. હકીકતમાં ચીફ સેક્રેટરીના વડપણ હેઠળની હાઇ પાવર કમિટીએ વાટાઘાટ કરીને આ રિનોવેશનનો ખર્ચ ૧૩૮ કરોડ રૂપિયા જેટલો નક્કી કરતાં હવે આ કામ શરૂ થઈ જશે. પહેલાં આગને કારણે નુકસાન પામેલી ત્રણ માળની આ ઇમારતના રિપેરિંગ માટે ૧૬૨.૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો, પણ હવે એ ૧૩૮ કરોડ રૂપિયામાં શક્ય બન્યું છે.

ઉચ્ચ અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે યુનિટી ઇન્ફ્રાપ્રોજેફુટ આટલી રકમમાં સમારકામ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. શરૂઆતમાં આ કંપનીએ આ કામ માટે ૧૬૨.૮૦ કરોડ રૂપિયા જેટલી રકમ માગી હતી, પણ વાટાઘાટ બાદ એ ૧૩૮ કરોડ રૂપિયામાં આઠ મહિનામાં આ કામ આટોપવા તૈયાર થઈ ગઈ છે. આ કામ માટે ટેન્ડરના જવાબમાં જે લોકોએ બિડ કરી હતી એમાં સૌથી ઓછી બિડ આ કંપનીની હતી, જ્યારે અન્ય બે બિડરોમાં શાપુરજી પાલનજી (૧૬૭ કરોડ રૂપિયા) અને લાર્સન ઍન્ડ ટુબ્રો (૧૭૭ કરોડ રૂપિયા)નો સમાવેશ છે. આ વિશે વાત કરતાં એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ‘રિપેરિંગના પહેલા તબક્કામાં આગમાં નાશ પામેલા માળનું રિપેરિંગ અને રિનોવેશન કરવામાં આવશે. ત્યાર બાદ બીજા તબક્કામાં ગ્રાઉન્ડ ફ્લોરથી માંડીને થર્ડ ફ્લોર સુધીના તમામ ફ્લોરનું રિનોવેશન કરવામાં આવશે.’

વહેલું બોનસ

સરકારે જાહેરાત કરી છે કે કૉન્ટ્રૅક્ટર તેનું કામ સમય કરતાં પહેલાં પૂરું કરી નાખશે તો તેને એક દિવસનું અઢી લાખ રૂપિયાનું બોનસ આપશે, પણ જો નિયત સમય મર્યાદા કરતાં વધારે સમય લાગશે તો એક દિવસનો પાંચ લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે.