લોખંડવાલાના વેપારીઓનો ભીડ કન્ટ્રોલ માટે અનોખો નિર્ણય

10 November, 2020 04:29 PM IST  |  Mumbai | Gaurav Sarkar

લોખંડવાલાના વેપારીઓનો ભીડ કન્ટ્રોલ માટે અનોખો નિર્ણય

પ્રતીકાત્મક તસવીર

દાયકાઓ બાદ પહેલી વાર અંધેરીના લોખંડવાલા વ્યાપારી મંડળે આખી સ્ટ્રીટ પર દિવાળીથી ક્રિસમસ સુધી તહેવારોની ઝાંકી કરાવતી લાઇટિંગ ન કરવાનો નિર્ણય કરતાં આ વર્ષે અંધેરી લોખંડવાલા માર્કેટની દિવાળીમાં દર વર્ષની જેમ લાઇટિંગનો ઝગમગાટ જોવા નહીં મળે. કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખતાં તેમ જ સોશ્યલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન કરવાના હેતુથી વેપારી મંડળે આ નિર્ણય લીધો છે. દુકાનદારો માટે લાઇટિંગ ગ્રાહકોને આકર્ષવા માટેનું મુખ્ય પરિબળ છે. જોકે મંડળના સભ્યો જણાવે છે કે કોરોના વાઇરસની મહામારીને કારણે તેમ જ ઑનલાઇન માર્કેટ સાથેની હરીફાઈને કારણે તેમની દુકાનોમાં ગ્રાહકોનું પ્રમાણ ઘણું ઓછું થયું હોવાથી લાઇટિંગ ન હોવાથી તેમની ગ્રાહકી પર વિશેષ અસર નહીં પડે.
મંડળના પ્રમુખ રાયચંદ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોના વાઇરસના પ્રસારને કારણે વેપારીઓની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી આ વર્ષે તેઓએ મંડળના સભ્ય એવા દુકાનદારો પાસેથી લાઇટિંગ કરવા માટે ડોનેશન પણ માગ્યું નથી. મંડળમાં ૨૫ કમિટી મેમ્બર્સ છે, જેમણે બજારમાં ગ્રાહકોની ભીડને ખાળવા માટે સર્વાનુમતે આ નિર્ણય લીધો છે.’
બજારમાં વાઇટ મૅજિક લૉન્ડ્રીના માલિક ૩૦ વર્ષના સલિમ ખાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોશ્યલ ડિસ્ટન્સિંગ આજના સમયની માગ હોવાથી વેપારી મંડળે લીધેલો નિર્ણય ખૂબ જ યોગ્ય છે.’

gaurav sarkar mumbai mumbai news