કોવિડ, સૉન્ગ ઍન્ડ ડાન્સ

17 August, 2020 12:17 PM IST  |  Mumbai | Mehul Jethva

કોવિડ, સૉન્ગ ઍન્ડ ડાન્સ

મુલુંડ કોવિડ કૅર સેન્ટર

મુલુંડના કોવિડ કૅર સેન્ટરમાં સ્વતંત્ર દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડૉક્ટરો અને નર્સોએ મળીને ડાન્સનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. એની માત્ર એક જ મકસદ હતી કે કોરોનાને લીધે પીડાઈ રહેલા લોકોને એક પૉઝિટિવ વાઇબ્ઝ મળે અને તેમનો ડર દૂર થાય. કોવિડ કૅર સેન્ટરના એક અધિકારીએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિનની ઉજવણી માટે છેલ્લા બે દિવસથી અમે તૈયારી કરી રહ્યા હતા, જેમાં બધા દરદીઓ ખુશ થઈ નાચ્યા હતા અને આનંદ મનાવ્યો હતો.

મુલુંડ-વેસ્ટમાં એલબીએસ રોડ પર આવેલા પાલિકાના જમ્બો કોવિડ સેન્ટરમાં હાલમાં ૧૫૦ દરદી કોરોનાની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. હાલમાં અહીં આશા કૅન્સર ટ્રસ્ટ નામની એક સંસ્થાને પાલિકાએ અહીંની સુવિધા માટેની જવાબદારી સોંપી છે, જેમાં સંસ્થા તરફથી ૧૫ ઑગસ્ટના સ્વતંત્ર દિનની ઉજવણી માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હૉસ્પિટલના તમામ ડૉક્ટરો અને નર્સોએ ડાન્સ કરી, ગીત ગાઈને કોરોનાથી પીડાતા લોકોને પૉઝિટિવ વાઇબ્સ આપ્યાં હતાં. અનેક દરદીઓ પોતે સહભાગી થયા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો.

રિચર્ડસન ઍન્ડ ક્રુડાસ મુલુંડ કોવિડ સેન્ટરના મુખ્ય ડૉક્ટર અને ડીન પ્રદીપ આંગ્રેએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ રાખવાનો એક જ ઉદ્દેશ હતો. કોરોના પૉઝિટિવ આવતાં જ લોકોનો આત્મવિશ્વાસ તૂટી જાય છે અને સાથે તેઓ દિલથી હારી જાય છે. પોતાના પરિવાર સાથે ન મળી શકતાં તેઓ ઉદાસ થઈ જાય છે. એટલે દરદીઓને આનંદ કરાવવા અહીં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આશા કૅન્સર ટ્રસ્ટ સંસ્થાના એક સભ્યએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સેન્ટરના ડૉક્ટર ન‌‌મતા ચવાણ, ડૉ. ચંદ્રસુલા કાકડે, ડૉ. કીર્તિ ‌‌ગ‌‌ર, ડૉ. અમૃતા ચંદ્રા, ડૉ. સ્વેતા ઘાડગે સાથે અન્ય સ્ટાફે ડાન્સ કરીને દરદીઓનું મનોબળ વધાર્યું હતું. દરેક દરદીને મીઠાઈ સાથે સુંદર ભોજન કરાવવામાં આવ્યું હતું.

mumbai mumbai news coronavirus covid19 lockdown mulund mehul jethva