રાજ્યપાલને રાજભવનમાં બ્રિટિશ કાળનું ૧૫૦ મીટર લાંબું બન્કર મળી આવ્યું

17 August, 2016 05:51 AM IST  | 

રાજ્યપાલને રાજભવનમાં બ્રિટિશ કાળનું ૧૫૦ મીટર લાંબું બન્કર મળી આવ્યું


વિદ્યાસાગર રાવે બન્કર બાબતે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોના અભિપ્રાય લઈને એ ઐતિહાસિક સ્થળની જાળવણીની જોગવાઈ કરવાનો ઇરાદો જાહેર કર્યો હતો. રાજભવનની નીચે ભોંયરું હોવાની શક્યતાની માહિતી જૂના જમાનાના જાણકારોએ ત્રણ મહિના પહેલાં આપી હતી.

એ માહિતી મેળવ્યા પછી રાજ્યપાલે બન્કર ખોલવાનો નિર્દેશ આપ્યો હતો. ૧૨ ઑગસ્ટે રાજભવન ખાતેના પબ્લિક વક્ર્સ ડિપાર્ટમેન્ટના સ્ટાફે બન્કરમાં પૂર્વ તરફથી પ્રવેશ બંધ કરતી કામચલાઉ દીવાલ તોડી નાખતાં ભોંયરુ નહીં પણ જુદાં-જુદાં ક્ષેત્રફળ ધરાવતી ૧૩ રૂમોવાળી મોટી બૅરૅક મળી આવી હતી. બન્કરનો ૨૦ ફુટ ઊંચો ગેટ ખોલ્યા પછી પશ્ચિમ તરફ રૅમ્પ, લાંબા પેસેજ તથા એક બાજુ નાની અને મધ્યમ રૂમો છે. ૫૦૦૦ ચોરસ ફુટના બન્કરમાં શેલ સ્ટોર, ગન શેલ, કાસ્ટ્રિજ સ્ટોર, શેલ લિફ્ટ, પમ્પ, વર્કશૉપ વગેરે નામો ધરાવતી રૂમો છે.

દેશને આઝાદી મળ્યા પછી બંધ પડેલું બન્કર યથાવત્ સ્થિતિમાં મળતાં આશ્ચર્ય સર્જાયું હતું. અન્ડરગ્રાઉન્ડ બન્કરમાં ડ્રૅનેજ સિસ્ટમ અને તાજી હવા તથા પ્રકાશની અવરજવરની જોગવાઈ પણ છે.

મહારાષ્ટ્રનું રાજભવન અગાઉ ગવર્નમેન્ટ હાઉસ તરીકે ઓળખાતું હતું. ૧૮૮૫ પહેલાં મલબાર હિલ પરનું આ મહેલ સમાન મકાન બ્રિટિશ ગવર્નરના ઉનાળા પૂરતા હંગામી રહેઠાણરૂપે વપરાતું હતું. ૧૮૮૫માં લૉર્ડ રેએ ગવર્નમેન્ટ હાઉસને કાયમી રહેઠાણ બનાવ્યું ત્યારથી એ બ્રિટિશ ગવર્નરના રહેઠાણરૂપે ઉપયોગમાં લેવાતું હતું. ૧૮૮૫ પહેલાં પરેલનું ગવર્નમેન્ટ હાઉસ બ્રિટિશ ગવર્નરનું કાયમી રહેઠાણ હતું.