નશાની હાલતમાં ટીનેજરે મહિલાને કાર નીચે કચડી

24 December, 2012 05:56 AM IST  | 

નશાની હાલતમાં ટીનેજરે મહિલાને કાર નીચે કચડી



શિવા દેવનાથ

મુંબઈ, તા. ૨૪

રવિવારે સવારે મલાડ (વેસ્ટ)ના લિન્ક રોડ પર ૪૫ વર્ષની મહિલા સ્વીપરને કાર ચલાવી રહેલા ૧૬ વર્ષના ટીનેજરે અડફેટમાં લેતાં તેનું મૃત્યુ થયું હતું. મહિલાને પૂરપાટ ઝડપે જતી કારે ઘસડી હતી અને પછી કાર એક વૃક્ષ સાથે અથડાઈ હતી. વૃક્ષ અને કારની વચ્ચે તે મહિલા દબાઈ ગઈ હતી. અકસ્માતને કારણે તેનાં શરીરના મહત્વનાં અંગો છૂંદાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. સ્કૉડા કારનો ટીનેજર ડ્રાઇવર પોતાના મિત્રો સાથે રાત્રે મઢ આઇલૅન્ડમાં બર્થ-ડે પાર્ટીની ઉજવણી કર્યા બાદ મિત્રોને ડ્રૉપ કરીને ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો.

બાંગુરનગર પોલીસ-સ્ટેશનના એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે લિન્ક રોડ નજીક ગુડિયાપાડાની સામે સવારે સાડાછ વાગ્યે આ અકસ્માત બન્યો હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ અનીતા ચવાણ હતું. તેને ચાર બાળકો છે. તે નજીકના બિલ્ડિંગમાંથી કચરો ભેગો કરીને કચરાપેટીમાં નાખવા જતી હતી ત્યારે આ ઘટના બની હતી. બાંગુરનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રઘુનાથ બાગુલે કહ્યું હતું કે ‘મહિલાનું તરત જ મોત થવાથી ટીનેજર ડ્રાઇવરે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતાં તેની કાર નજીક ઊભેલી બીજી કાર સાથે અથડાઈ હતી અને એમાં બેસેલા એક ડૉક્ટરની પત્નીને માથામાં ઈજા થઈ હતી. લોકો ભેગા થઈ જતાં કારનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.’

લોકોનું ટોળું પણ ભેગું થઈ ગયું હતું તેમ જ ડ્રાઇવરની ધરપકડ કરવાની માગણી કરી હતી. પોલીસે વાહનમાલિકના નામની મદદથી ડ્રાઇવરને પકડી પાડ્યો હતો. પોલીસે લોકો સમક્ષ તેને રજૂ કરતાં સ્થાનિક લોકોએ રસ્તારોકો આંદોલન અટકાવ્યું હતું.

ટીનેજર વિરુદ્ધ લાઇસન્સ વગર બેદરકારીપૂર્વક વાહન ચલાવીને મારી નાખવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આજે તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. તેણે નશો કરેલી હાલતમાં ગાડી ચલાવી હતી એટલે પોલીસ મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. ગાડી ચલાવનાર ટીનેજર મલાડ કૉલેજનો સ્ટુડન્ટ છે તેમ જ ગોરેગામમાં આવેલી એક ક્લબના ટ્રસ્ટીનો ભત્રીજો છે, જ્યારે તેના પિતા ઇમિટેશન જ્વેલરીના વેપારી છે. ટીનેજરે પોલીસને કહ્યું હતું કે ‘મેં મહિલાને રસ્તો ક્રૉસ કરતાં જોઈ જ નહોતી. હું વાહન પરનો કાબૂ ગુમાવી બેઠો હતો.’