શરદ પવારના નેતૃત્વ હેઠળની વીએસઆઇને જાલનામાં ૫૧ હેક્ટર જમીનની ફાળવણી

07 February, 2020 08:07 AM IST  |  Mumbai

શરદ પવારના નેતૃત્વ હેઠળની વીએસઆઇને જાલનામાં ૫૧ હેક્ટર જમીનની ફાળવણી

મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકારે શરદ પવારના વડપણ હેઠળની શેરડીની ખેતી પર સંશોધન અંગેની અગ્રણી સંસ્થા વસંતદાદા શુગર ઇન્સ્ટિટ્યૂટને જાલના જિલ્લામાં ૫૧ હેક્ટર જમીન ફાળવી છે.

આ પગલાનો હેતુ મરાઠવાડા અને વિદર્ભ પ્રદેશોમાં કૃષિ વિજ્ઞાનીઓ માટે શેરડીની ખેતીમાં સંશોધન ક્ષેત્રે વેગ આપવાનો છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘જાલના જિલ્લાના આંબડ તાલુકાના પાથરવાલા ગામની જમીન પુણેસ્થિત વીએસઆઇને ૩૦ વર્ષની સિઝ પર સ્ટાન્ડર્ડ દર અનુસાર આપવામાં આવી છે.’

વીએસઆઇની સ્થાપના ૧૯૭૫માં સહકારી શુગર ફૅક્ટરીના શેરડીની ખેતી કરનારાઓ દ્વારા કરવામાં આવી હતી. આ ઇન્સ્ટિટ્યૂટ એક છત હેઠળ શુગર ઉદ્યોગને લગતાં વૈજ્ઞાનિક, તક્નિકી અને શૈક્ષણિક કાર્યો કરે છે. એનસીપી પ્રમુખ અને ભૂતપૂર્વ કૃષિપ્રધાન શરદ પવાર આ સંસ્થાના ચૅરમૅન છે.

રાજ્યના આરોગ્યપ્રધાન તેમ જ વીએસઆઇ વહીવટી કાઉન્સિલના સભ્ય રાજેશ ટોપેનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે ‘જમીન ફાળવણીના નિર્ણય પાછળનો ઉદ્દેશ મરાઠવાડા અને વિદર્ભ પ્રદેશોમાં ખેડૂતો માટે શેરડીની ખેતીમાં સંશોધનને વેગ આપવાનો છે.’

વીએસઆઇને જમીન ફાળવણીના મુદ્દે બીજેપીએ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી

જાલના જિલ્લાની ૫૧ હેક્ટર જમીનની એનસીપી પ્રમુખ શરદ પવારના નેતૃત્વ હેઠળની શુગરકેન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને ‘નાખી દેવાના ભાવે’ ફાળવણી કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને બીજેપીએ વખોડ્યો હતો.

રાજ્યના બીજેપી પ્રવક્તા માધવ ભંડારીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે જ્યારે પણ પવારનો પક્ષ સત્તામાં હોય ત્યારે સરકારી જમીનો પવાર કે તેમની નજીકના લોકોના વડપણ હેઠળની સંસ્થાઓને ‘ભેટ’માં આપી દેવાય છે. જોકે મહારાષ્ટ્રના પ્રધાન અને એનસીપી નેતા નવાબ મલિકે સ્પષ્ટતા કરી હતી કે જમીન ‘વેચી દેવાઈ નથી’, બલકે ખેડૂતોના હિતમાં સંશોધન કાર્ય હાથ ધરવા માટે પવારના નેતૃત્વ હેઠળની પુણેસ્થિત વસંતદાદા શુગર ઇન્સ્ટિટ્યૂટ (વીએસઆઇ)ને ભાડાપેટે આપવામાં આવી છે.

mumbai sharad pawar mumbai news