લોઅર પરેલમાં ઈમારતનો સ્લૅબ તૂટતાં બેનાં મૃત્યુ, ૭ ઘાયલ

03 December, 2012 08:05 AM IST  | 

લોઅર પરેલમાં ઈમારતનો સ્લૅબ તૂટતાં બેનાં મૃત્યુ, ૭ ઘાયલ




03 ડિસેમ્બર, 2012 : મુંબઈ


ગમે ત્યારે દુર્ઘટના બની શકે એની જાણ હોવા છતાં ઈમારત ખાલી નહોતી કરાવાઈ

લોઅર પરેલના કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આવેલી વષોર્ જૂની કમર્શિયલ ઇમારત  વિક્ટોરિયા હાઉસના બીજા માળનો સ્લૅબ ગઈ કાલે સવારે પોણાબાર વાગ્યે તૂ્ટી પડ્યો હતો. એના કાટમાળ હેઠળ દટાઈને ૩૨ વર્ષના અમૃત શુક્લા અને ૩૮ વર્ષના મનોજ શુક્લાનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે અન્ય ૭ ઘાયલ લોકોને સાયન અને કેઈએમ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોરનાં બે પિલરને નુકસાન થયું છે અને એને કારણે કોઈ પણ સમયે દુર્ઘટના બની શકે છે એની જાણ હોવા છતાં જેએસડબ્લ્યુ ઇસ્પાત સ્ટીલના કર્મચારીઓને એ ઇમારતમાં કામ કરવા દેવાતું હતું.

મકાનના પહેલા માળે ૫૦ જેટલા કર્મચારીઓ કામ કરે છે, જ્યારે બીજા માળે ૨૦થી ૨૫ કર્મચારીઓ કામ કરે છે. આ વિશે વધુ માહિતી આપતાં કંપનીના એક કર્મચારીએ કહ્યું હતું કે ‘ગ્રાઉન્ડ ફ્ïલોરના એક કર્મચારીએ પહેલા માળે આવીને અમને કહ્યું હતું કે ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા બે પિલરને નુકસાન થયું છે માટે સાવચેત રહેજો. અમે પણ પહેલા માળે દીવાલમાં મોટી તિરાડો જોઈ હતી જે અમને જોખમી લાગી હતી. અમે તરત જ એ બાજુએથી ખસીને અન્ય બાજુએ કામ કરવાનું ચાલુ રાખ્યું  હતું અને બે જ કલાકમાં આ ઘટના બની હતી.’

આ ઘટના નજરે જોનાર અન્ય એક વ્યક્તિએ કહ્યું હતું કે તૂટી પડતાં પહેલાં કેટલીક મિનિટ સુધી આખું મકાન હલી રહ્યું હતું એથી અમે મકાનના બીજા સેફ ભાગમાં દોડી ગયા હતા.

જ્યારે આ બાબતે કંપનીને પૂછવામાં આવ્યું ત્યારે કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે ગઈ કાલે અમારા કેટલાક સ્ટાફને દીવાલોમાં તિરાડ દેખાઈ હતી, પણ અમને એ જાણ નહોતી કે એ ભાગ તૂટી પડશે, નહીં તો અમે એ મકાન ખાલી કરીને કર્મચારીઓને બીજે ખસેડ્યા હોત.

બેઝિકલી આ સ્ટ્રક્ચર કમલા મિલ્સનો એક ભાગ હતું.

ઇમારતમાં કરવામાં આવેલા રિનોવેશન બદલ કોઈ સરકારી ડિપાર્ટમેન્ટને જાણ નહોતી એમ જણાવતાં સુધરાઈના ‘જી’ નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર કેશવ ઉબાળેએ કહ્યું હતું કે ‘બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટ અને બિલ્ડિંગ ઍન્ડ ફૅક્ટરી ડિપાર્ટમેન્ટ પાસે પણ એમાં રિવોનેશન કરવાની પરવાનગી આપવામાં આવી હોય એવી નોંધ નથી.

કેઈએમ = કિંગ એડવર્ડ મેમોરિયલ