ભૂત કાઢવા કાકા અને દાદીની હત્યા

27 July, 2020 02:34 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

ભૂત કાઢવા કાકા અને દાદીની હત્યા

પ્રતીકાત્મક તસવીર

કલ્યાણમાં અતાલી ગામમાં અંધશ્રદ્ધાને કારણે માતા અને પુત્રની હત્યા કરવામાં આવી હતી, જેમાં હત્યા કરવાના આરોપસર ભત્રીજી-ભત્રીજા સહિત ચાર જણની અટક ખડકપાડા પોલીસે કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે એક તાંત્રિકના કહેવાથી ઘરના લોકોએ જ પોતાના વડીલોને માર માર્યો હતો, જેને કારણે શનિવારે સાંજે માતા-પુત્રનું મૃત્યુ થયું હતું.
ઘટના અનુસાર આમ્બિવલી સ્ટેશન નજીક આવેલા અતાલી ગામમાં રહેતા ૫૦ યવર્ષના પંઢરીનાથ તરે અને તેમની ૭૨ વર્ષની માતા ચંદુબાઈ તરેની શનિવારે રાતે હત્યા થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે ‘મા-દીકરાની હત્યા તેમની ૨૭ વર્ષની ભત્રીજી કવિતા તરે, ૨૨ વર્ષના ભત્રીજા વિનાયક તરે, ૧૭ વર્ષનો પુત્ર અને તાંત્રિક સુરેન્દ્ર પાટીલે સાથે મળીને કરી હતી. ઘટનાનું કારણ જાણવા મળ્યું હતું કે તરેપરિવાર પહેલાંથી અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતો હતો, જેમાં તાંત્રિક સુરેન્દ્રએ બીજા સાથી આરોપીને એમ કહ્યું હતું કે તમારા ઘરના જે વડીલો છે તેઓમાં ભૂતનો વાસ છે, જેને કાઢવા માટે તેમને માર મારવો પડશે; નહીંતર તારું મૃત્યુ થઈ જશે. આ સાંભળીને તેઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
ખડકપાડાના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અશોક પવારે જણાવ્યું હતું કે ‘તાંત્રિક સુરેન્દ્ર પાટીલના કહેવાથી શનિવારે રાતે અન્ય ત્રણ આરોપીઓએ પંઢરીનાથના મૃતદેહ પર હળદર છાંટી હતી અને તેમની માતા ચંદુબાઈના શરીરમાંથી શેતાનની શક્તિને દૂર કરવા તેમને વાંસની લાકડીથી ખૂબ માર માર્યો હતો, જેના પગલે તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાની માહિતી બાદ ચારેચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આગળની તપાસ હાથ ધરાઈ છે.’
થાણે પોલીસ સેન્ટ્રલ વિભાગના ઍડિશનલ કમિશનર દત્તાત્રેય કરાળે જણાવ્યું હતું કે ‘અમે આ ચાર આરોપીઓની હત્યા કરવા સંબંધિત અન્ય કલમો હેઠળ ધરપકડ કરી છે. બ્લૅક મૅજિક ઍક્ટની કલમ પણ જોડવામાં આવી છે.’

mumbai news mumbai kalyan Crime News