પોલીસ-કૉન્સ્ટેબલની રૂમમાં જ જુગારનો અડ્ડો

25 March, 2013 05:37 AM IST  | 

પોલીસ-કૉન્સ્ટેબલની રૂમમાં જ જુગારનો અડ્ડો



ઉલ્હાસનગર પોલીસે કૉન્સ્ટેબલની બાતમીને આધારે એક રૂમ પર દરોડો પાડતાં ત્યાંથી એક ડઝન જુગારી અને ૭૨,૦૦૦ રૂપિયાની રકમ પકડાઈ હતી. જોકે પૂછપરછમાં આ રૂમ એક પોલીસ-કૉન્સ્ટેબલની હોવાનું જાણીને હિલલાઇન પોલીસને આંચકો લાગ્યો હતો, એટલું જ નહીં પકડાયેલા જુગારીઓમાંથી એક જાણીતો ગુંડો છે અને અન્ય કેટલાક આરોપી શહેરના બિઝનેસમેન છે.

પોલીસના જણાવ્યા મુજબ કૉન્સ્ટેબલ રામદાસ મિસળને બાતમી મળી હતી કે ઉલ્હાસનગરના હિલલાઇન વિસ્તારમાં પ્રભારામ મંદિરની પાછળની એક કૉલોનીના રૂમ-નંબર બેમાં જુગારનો અડ્ડો ચાલે છે. આ બાતમીના આધારે સિનિયર ઇન્સ્પેક્ટર નરેન્દ્ર જાધવે અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર સોમદત્ત ખંડારેના વડપણ હેઠળ સ્પેશ્યલ ટીમને આ સ્થળે દરોડો પાડવાનું કહ્યું હતું. શુક્રવારે રાત્રે નવેક વાગ્યે આ ટુકડી ત્યાં ત્રાટકી ત્યારે બાર વ્યક્તિ ત્યાં જુગાર રમતી પકડાઈ હતી. પોલીસે ત્યાંથી મોબાઇલ ફોન્સ, પત્તાં અને ૭૨,૦૦૦ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી હતી.

આરોપીઓને પોલીસ-સ્ટેશનમાં લાવવામાં આવ્યા બાદ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ રૂમ તો કલ્યાણ પોલીસના કન્ટ્રોલ-રૂમમાં ફરજ બજાવતાં એક કૉન્સ્ટેબલની છે. આ કૉલોનીમાં અન્ય પોલીસમેનની પણ ચારેક રૂમ છે. જ્યાં પોલીસ ત્રાટકી હતી એ કૉન્સ્ટેબલનો પરિવાર ઇગતપુરી રહેવા ગયો છે અને રૂમની ચાવી જુગારના અડ્ડા ચલાવનારા ડૉન તરીકે પંકાયેલા જિતુ કારિરાને આપી રાખી છે. કૉન્સ્ટેબલ આ દરોડા બાદ ફરાર થઈ ગયો છે.

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપીઓમાં કેટલાક બિઝનેસમેનો છે. ટૉની ચગ નામનો બદનામ ગુંડો પણ પકડાયો છે. તપાસ-અધિકારી સોમદત્ત ખંડારેએ કહ્યું હતું કે ‘અમે દરોડો પાડ્યો હતો અને આ રૂમ એક પોલીસ-કૉન્સ્ટેબલની હોવાનું જાણ્યા બાદ આંચકો લાગ્યો હતો. આ મામલે તપાસ થઈ રહી છે.’