22 September, 2026 07:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલેક્ટ્રિક શૉક લાગતાં મૃત્યુ પામેલી યુવતી કરિશ્મા માધવાણી.
ઉલ્હાસનગરમાં ઇલેક્ટ્રિક શૉકને કારણે ૨૬ વર્ષની યુવતીનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. ઉલ્હાસનગરના ઓ.ટી. સેક્શન વિસ્તારમાં ગણેશ ગંગા અપાર્ટમેન્ટ નજીક ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા માટે લગાવવામાં આવેલા પોલમાં ઇલેક્ટ્રિક લીકેજ હોવાના કારણે કરિશ્મા માધવાણી નામની યુવતીનું મૃત્યુ થયું હતું. શુક્રવારે બનેલી આ ઘટના બાદ કરિશ્માને નજીકની હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. જોકે શનિવારે મધરાત બાદ દોઢ વાગ્યે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ગુરુવારે જોગેશ્વરી-ઈસ્ટમાં ગૌરી-ગણેશવિસર્જન દરમ્યાન કૃત્રિમ તળાવમાં ઇલેક્ટ્રિક કરન્ટ દોડતો હોવાથી ૧૯ વર્ષના ટીનેજરનું મૃત્યુ તથા કાલાચૌકીમાં પાણી-કોલ્ડ ડ્રિંક્સના સ્ટૉલમાં ઇલેક્ટ્રિક લીકેજ હોવાને કારણે ૮ વર્ષની બાળકી સહિત બે જણનાં મૃત્યુની ઘટના બાદ ઇલેક્ટ્રિક શૉકને કારણે થયેલા મૃત્યુની આ ત્રીજી ઘટના સામે આવી છે.
ઘટનાની વિગત મુજબ શુક્રવારે કરિશ્મા તેના ભાઈ મોહિત સાથે ઘરે જઈ રહી હતી ત્યારે તેનો પગ CCTV કૅમેરા માટે લગાવાયેલા પોલ સાથે ટકરાયો હતો અને દુર્ઘટના બની હતી. કરિશ્માના ભાઈ મોહિતે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કરિશ્માને અડક્યો એવો તેને પણ કરન્ટનો ઝાટકો લાગ્યો હતો. પછી ત્યાં હાજર લોકોની મદદથી કરિશ્માને બચાવીને નજીકના ક્લિનિકમાં લઈ જવામાં આવી હતી. જોકે ડૉક્ટરે તેને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી. દુર્ભાગ્યપણે શનિવારે મધરાત બાદ ડૉક્ટરોએ કરિશ્માને મૃત જાહેર કરી હતી.
કૉન્ટ્રૅક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માગણી
વહાલી દીકરીના મૃત્યુ બાદ કરિશ્માના પરિવારજનોએ CCTV કૅમેરાના મેઇન્ટેનન્સની જવાબદારી સોંપાઈ હતી તે કૉન્ટ્રૅક્ટર વિરુદ્ધ બેદરકારી દાખવવા બદલ કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ કેસની તપાસ કરી રહેલી ઉલ્હાસનગર પોલીસે જણાવ્યું હતું કે ‘આખા વિસ્તારના CCTV કૅમેરાના મેઇન્ટેનન્સની જવાબદારી મૅટ્રિક્સ સ્માર્ટ ટેક્નૉલૉજી પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા કૉન્ટ્રૅક્ટરને આપવામાં આવી હતી. અમે તેની વિરુદ્ધ ગુનો નોંધીને આગળ તપાસ શરૂ કરી છે.’