ઉલ્હાસનગરમાં ટ્રકનું ટાયર ફાટતાં ટ્યુબ ઊછળીને બાઇકરને વાગતાં અકસ્માત

18 August, 2019 10:44 AM IST  |  મુંબઈ | અનામિકા ઘરત

ઉલ્હાસનગરમાં ટ્રકનું ટાયર ફાટતાં ટ્યુબ ઊછળીને બાઇકરને વાગતાં અકસ્માત

મુંબઈના રસ્તા પરના ખાડા રોજ અકસ્માતની નવી વાતો લાવે છે. લગભગ રોજ થતાં બે-થી ત્રણ અકસ્માતમાં કોઈ ગંભીર રીતે ઘવાય છે, તો વળી કોઈ જીવ ગુમાવે છે. હજી ગઈ કાલે જ પાંચ વર્ષના વેદાંત દાસના અકસ્માતની ઘટના ‘મિડ-ડે’એ પ્રકાશિત કરી હતી. રસ્તા પરના ખાડાને કારણે બાઇકનું બેલેન્સ ન જાળવી શકાતા વેદાંતના પપ્પાની બાઇક સ્કીડ થતાં તે પાછળ આવતા ટેમ્પોના ટાયર નીચે કચડાઈ ગયો હતો.

જો કે ઉલ્હાસનગરમાં આવેલા શાંતિનગરમાં થયેલો અકસ્માત થોડો જુદો અને આશ્ચર્ય પમાડે તેવો છે. ભારે સામાન લઈને શાંતિનગર જઈ રહેલી એક ટ્રક એક અત્યંત ઊંડાણ ધરાવતા ખાડા પરથી પસાર થતી હતી. ખાડો એટલો ઊંડો હતો કે તેના ઝટકાને લીધે ટ્રકનું ટાયર ફાટ્યું અને ટાયરની રિંગ ઊડીને પાછળ આવતી બાઇક સાથે અથડાતાં બાઈકસવારે સમતોલન ગુમાવ્યું હતું અને એના પર બેઠેલા ત્રણે જણા નીચે પટકાયા હતા.

ગઈ કાલે સાંજે બનેલી આ ઘટનામાં બાઇક પર સવાર ૩૦ વર્ષના અર્જુન પાલ, ૧૬ વર્ષના સબીઉલ્લા ચૌધરી અને ૨ વર્ષના હબીબુલ્લા ચૌધરી ઇજાગ્રસ્ત થયા હતા. બે વર્ષના હબીબુલ્લાને માથામાં ગંભીર ઈજા થઈ હતી, એની સારવાર કરાય તે પહેલાં જ તે મૃત્યુ પામ્યો હતો. તેના ભાઈ ૧૬ વર્ષના સબીઉલ્લાને ટ્રકનો કોઈ ભાગ આંખમાં વાગતાં જમણી આંખ દૃષ્ટિહીન થઈ ગઈ હતી. ડૉક્ટરોના મતે તેનું તત્કાળ ઑપરેશન કરવું જરૂરી છે, જ્યારે બાઇક ચલાવી રહેલા અર્જુન પાલને ટ્રકની રિંગ એટલી જોરથી વાગી હતી કે તેની જાંઘ અને પિંડીમાં ફ્રેક્ચર આવ્યું છે અને તેના જમણા કાનમાં પણ ઈજા થઈ હતી.

આ વિસ્તારના લોકોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ટાયર ફાટવાનો અવાજ એટલો મોટો હતો કે લગભગ બધા જ ડઘાઈ ગયા હતા. જે રીતે રિંગ ટાયરમાંથી છૂટી પડીને ઊછળી તેના પરથી જ સમજાય છે કે તે કેટલા ફોર્સથી વાગી હશે.

સતત બની રહેલી આવી આકસ્મિક ઘટનાઓ છતાં બીએમસી ખાડા વિશે કોઈ પગલાં લેતી નથી. ખાડાઓ ભરતી જ નથી અને જો ભરે તો તે સમથળ થયા છે કે નહીં તેના પર ધ્યાન આપતી નથી.

mumbai news mumbai