આધાર કાર્ડ હવે અર્થહીન?

13 December, 2011 05:08 AM IST  | 

આધાર કાર્ડ હવે અર્થહીન?



(વિશેષ લેખ - જયેશ ચિતલિયા)

જો ભારતીય નાગરિક તરીકે તમને આધાર કાર્ડ પ્રાપ્ત થયું હોય અને તમે એને આધાર માનીને ચાલતા હો તો કદાચ એની વૅલિડિટી સામે પ્રશ્ન થઈ શકે એવી સંભાવના અત્યારે ચર્ચામાં છે. વાત એમ છે કે કેન્દ્ર સરકારે આધારની કાર્યવાહી ચાલતી હોવા છતાં પોતાના વસ્તીગણતરી વિભાગ તરફથી એનપીઆર (નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર) નામે દરેક નાગરિકને આઇડેન્ટિટી કાર્ડ ઇશ્યુ કરવાનું નક્કી કરી લીધું છે અને આ માટેનાં જરૂરી ફૉર્મ પણ લગભગ ભરાઈ ચૂક્યાં છે. આ કાર્યવાહી સાથે સંકળાયેલાં સાધનોની માહિતી મુજબ એનપીઆર નામની આ પ્રોસેસમાં લોકોને બૅન્કના એટીએમ (ઑટોમૅટેડ ટેલરિંગ મશીન) જેવું કાર્ડ આપવામાં આવશે, જેમાં એક ચિપ પણ હશે. આ ચિપમાં દરેક વ્યક્તિ એટલે કે કાર્ડધારકની ૨૫થી ૩૦ પાનાંમાં સમાઈ શકે એટલી વિગતો હશે. વસ્તીગણતરી વિભાગના સરકારી કર્મચારીઓએ દરેક પાસે આ હેતુસર ગુલાબી રંગનાં ફૉર્મ ભરાવ્યાં છે. જાણકારો કહે છે કે આ ફૉર્મ ભરાઈ ગયાં એનો અર્થ એ થાય કે સરકારનું અડધું કામ થઈ ગયું છે. બીજી બાજુ આધાર કાર્ડ પ્રોજેક્ટમાં હજી માત્ર વીસેક કરોડ લોકો કવર થયા છે. આધાર કાર્ડ ફરજિયાત નથી, જ્યારે એનપીઆર ફરજિયાત છે. અત્યારે એનું કામ ડોર ટુ ડોર થઈ રહ્યું છે. આ પિન્ક ફૉર્મમાં જે વિગતો ભરવામાં આવી છે એનું વેરિફિકેશન ચાલશે તેમ જ ફિન્ગરપ્રિન્ટ અને ફોટા લેવામાં આવશે.

આ બધું થઈ ગયા પછી સરકાર એની યાદી બહાર પાડશે અને જો એ યાદી સામે કોઈ વાંધા કે સૂચનો અથવા ફેરફાર આવશે તો એને એ મુજબ ફરી ચેક કરી સુધારી લેવામાં આવશે. દાખલા તરીકે કોઈ તાલુકામાં કોઈ વ્યક્તિનું નામ અને સરનામું દર્શાવવામાં આવ્યું છે પરંતુ એ વ્યક્તિ ત્યાં રહેતી જ નથી એવું બીજા કોઈના ધ્યાનમાં આવે તો એ તરત જ સંબંધિત સત્તાવાળાઓનું ધ્યાન દોરી શકશે અને સત્તાવાળાઓ એના આધારે ફરી ચકાસણી કરીને એ યાદીને સુધારી લેશે. સરકાર તરફથી આ તમામ કામ માટે કૉન્ટ્રૅક્ટ પણ અપાઈ ચૂક્યા છે. અર્થાત્ જાણકારોની માહિતી મુજબ દોઢથી બે વરસના ગાળામાં પૂરો થનારો આ પ્રોજેક્ટ આધાર કાર્ડ યોજનાને અધ્ધર કરી નાખે તો નવાઈ નહીં.

આધાર કાર્ડ યોજના શું છે?

આપણે આ દેશના નાગરિક છીએ એનો સત્તાવાર આધાર રચવા માટે વસ્તીગણતરીની સાથે-સાથે સરકારે પહેલી વાર પ્રાઇવેટ ક્ષેત્રના વિખ્યાત અને આદરણીય નામ ગણાતા નંદન નીલેકણીના નેતૃત્વ હેઠળ યુઆઇડી (યુનિક આઇડેન્ટિફિકેશન)ના નામે જાણીતી આ કામગીરી શરૂ કરાવી હતી જેને આધાર નામ અપાયું હતું. આ યોજના હેઠળ નાગરિકોને ૧૨ આંકડાનો નંબર આપવામાં આવે છે જે ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાય છે. જાણકાર સાધનોની માહિતી મુજબ અત્યારે આ આધાર જ બિનઆધાર કે નિરાધારની સ્થિતિમાં છે, કારણ કે સરકારે પોતે જ હવે નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર હેઠળ આ કાર્યવાહી આરંભી દીધી છે. જો આ કામ સરકાર પાર પાડશે તો અત્યાર સુધીમાં જેમને આધાર કાર્ડ મળ્યું છે એનો કોઈ અર્થ રહેશે નહીં અને એની માન્યતા સામે પણ સવાલ ઊભા રહેશે. હજી તાજેતરમાં જ સરકારે આધાર કાર્ડ પ્રોજેક્ટ માટે મગાવેલી વધારાની બજેટસહાયને મંજૂર કરી નથી. સરકારનાં વિવિધ ખાતાંઓમાં પણ વસ્તીગણતરી અને આઇ-કાર્ડના આધાર કાર્ડ પ્રોજેક્ટ વિશે મતભેદો છે એટલે અત્યારના તબક્કે તો આધાર કાર્ડ યોજનાનો સંઘ કાશીએ પહોંચે એવી સંભાવના ધૂંધળી બનતી જાય છે.