મુંબઈ: પરપ્રાંતીયો મામલે રાજ ઠાકરેએ આપી યોગી આદિત્યનાથને ચીમકી

26 May, 2020 07:31 AM IST  |  Mumbai | Agencies

મુંબઈ: પરપ્રાંતીયો મામલે રાજ ઠાકરેએ આપી યોગી આદિત્યનાથને ચીમકી

એક શ્રમિક એક્સપ્રેસ ભિવંડીથી યુપી જવા રવાના થઈ હતી

અન્ય રાજ્યોએ કામદારોને પાછા બોલાવતાં પહેલાં તેમની સરકારની પરવાનગી લેવી પડશે એવું ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું. મનસેના વડા રાજ ઠાકરેએ ગઈ કાલે એવો જવાબ આપ્યો હતો કે રાજ્યમાં કામ કરવા માગતા કામદારોએ પણ મહારાષ્ટ્ર સરકારની મંજૂરી મેળવવી પડશે.

રાજ્યના મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેએ એક પત્ર લખીને કહ્યું હતું કે રાજ્ય સરકારે આ બાબતની ગંભીર નોંધ લેવી જોઈએ.

કોરોના વાઇરસ મામલે લૉકડાઉનને પગલે વિવિધ રાજ્યો દ્વારા પરપ્રાંતીય કામદારોની યોગ્ય રીતે કાળજી લેવામાં આવી રહી ન હોવા વિશે નારાજગી વ્યક્ત કરતાં આદિત્યનાથે રવિવારે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના કામદારોને પાછા બોલાવતાં પહેલાં કોઈ પણ રાજ્યએ ઉત્તર પ્રદેશ સરકારની પરવાનગી લેવી પડશે અને તેના સામાજિક-કાનૂની-નાણાકીય અધિકાર સુનિશ્ચિત કરવાના રહેશે. યોગી આદિત્યનાથના વિધાનના ઉત્તરમાં રાજ ઠાકરેએ ઉપરોક્ત જવાબ આપ્યો હતો.

યોગી આદિત્યનાથને જવાબ આપતાં એક નિવેદનમાં રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારે આવી બાબતોને ગંભીરતાથી લેવાની જરૂર છે. અહીં કામ કરવા આવતા કોઈ પણ કામદારોએ સરકાર તેમ જ સ્થાનિક પોલીસમાં નોંધણી કરાવી લેવી જોઈએ તેમ જ તેમના દસ્તાવેજો અને ફોટોગ્રાફ્સ પણ જમા કરાવવા જોઈએ.’

coronavirus covid19 yogi adityanath raj thackeray indian railways bhiwandi mumbai mumbai news